Savan 2022: આજથી શ્રાવણ મહિનો શરૂ, ભગવાન શિવના 12 પવિત્ર જ્યોતિર્લિંગ વિશે ખાસ જાણો

ભારત ધાર્મિક માન્યતાઓ અને પવિત્ર મંદિરો ધરાવતો દેશ છે. અહીં લોકો ઈશ્વરની આરાધના કરે છે, અનેક પ્રાચીન અને પવિત્ર મંદિરો છે જેમાં ભગવાન ભોલનાથના મંદિરોની મહિમા અપરંપાર છે. આજથી શ્રાવણ મહિનો શરૂ થયો છે. આજે અમે તમને 12 જ્યોતિર્લિંગ વિશે જણાવીશું.

Savan 2022: આજથી શ્રાવણ મહિનો શરૂ, ભગવાન શિવના 12 પવિત્ર જ્યોતિર્લિંગ વિશે ખાસ જાણો

ભારત ધાર્મિક માન્યતાઓ અને પવિત્ર મંદિરો ધરાવતો દેશ છે. અહીં લોકો ઈશ્વરની આરાધના કરે છે, અનેક પ્રાચીન અને પવિત્ર મંદિરો છે જેમાં ભગવાન ભોલનાથના મંદિરોની મહિમા અપરંપાર છે. આજથી શ્રાવણ મહિનો શરૂ થયો છે. આજે અમે તમને 12 જ્યોતિર્લિંગ વિશે જણાવીશું. દર વર્ષે લાખોની સંખ્યામાં ભક્તો આ મંદિરોમાં ભગવાનના દર્શન માટે જાય છે. ધાર્મિક માન્યતા મુજબ ભોલેનાથના 12 જ્યોતિર્લિંગોમાં ભગવાન શિવ જ્યોતિ સ્વરૂપે બિરાજમાન છે. આ તમામ જ્યોતિર્લિંગો ભારતના અલગ અલગ રાજ્યોમાં સ્થિત છે. સૌથી વધુ જ્યોતિર્લિંગ મધ્ય પ્રદેશ અને મહારાષ્ટ્રમાં છે. જો તમે પવિત્ર શ્રાવણ મહિનામાં ભગવાન શિવના આ 12 જ્યોતિર્લિંગના દર્શન કરવા માંગતા હોવ તો ખાસ જાણો વિગતવાર માહિતી...

સોમનાથ જ્યોતિર્લિંગ
ગુજરાતના સોમનાથમાં અરબ સાગરને કાંઠે આવેલું સોમનાથ જ્યોતિર્લિંગ ભગવાન શિવના 12 પવિત્ર જ્યોતિર્લિંગમાંથી પ્રથમ જ્યોતિર્લિંગ છે. અહીં દેવતાઓ દ્વારા બનાવવામા આવેલું એક પવિત્ર કુંડ પણ છે. જેને સોમકુંડ કે પાપનાશક તીર્થ પણ કહેવામાં આવે છે. સોમનાથ વિશે આ વાતો બહુ ઓછા લોકો જાણતા હશે. સોમનાથ જ્યોતિર્લિંગ વિશે કહેવાય છે કે ચંદ્રમા એટલે કે સોમને પ્રજાપતિ દક્ષે ક્ષય રોગ થવાનો શાપ આપ્યો હતો. આ શાપથી મુક્તિ માટે શિવ ભક્ત ચંદ્રમાએ અરબ સાગરના તટે શિવજીની તપસ્યા કરી અને પ્રસન્ન થઈને ભોલેનાથે ચંદ્રમાને વરદાન આપ્યું. ચંદ્રમાએ જે શિવલિંગની સ્થાપના કરી પૂજા કરી તે શિવજીના આશીર્વાદથી સોમેશ્વર એટલે કે સોમનાથ કહેવાયું. 

મલ્લિકાર્જૂન જ્યોતિર્લિંગ
આંધ્ર પ્રદેશમાં કૃષ્ણા નદીના તટ પર શ્રીશૈલ નામના પર્વત પર મલ્લિકાર્જૂન જ્યોતિર્લિંગ સ્થિત છે. આ મંદિરનું દ્વાર પૂર્વ દિશામાં છે. કેન્દ્રીય મંડપમાં ઘણા સ્તંભો છે અને તેમાં નાડિકેશ્વરની ખુબ મોટી મૂર્તિ પણ છે. 

મહાકાલેશ્વર જ્યોતિર્લિંગ
મધ્ય પ્રદેશના ઉજ્જૈનમાં મહાકાલેશ્વર જ્યોતિર્લિંગ આવેલું છે. આ એકમાત્ર દક્ષિણમુખી જ્યોતિર્લિંગ છે. અહીં રોજ થતી ભસ્મારતી વિશ્વભરમાં પ્રસિદ્ધ છે.  પુરાણો, મહાભારત અને કાલિદાસ જેવા મહાકવિઓની રચનાઓમાં આ મંદિરનું મનોહર વર્ણન મળી આવે છે. સ્વયંભૂ, ભવ્ય અને દક્ષિણમુખી હોવાને કારણે મહાકાળેશ્વર મહાદેવની અત્યંત પુણ્યદાયી મહત્તા રહેલી છે. આ જ્યોતિર્લિંગનાં દર્શન માત્રથી જ મોક્ષની પ્રાપ્તિ થઇ જાય છે એવી માન્યતા છે. 

ઓમકારેશ્વર જ્યોતિર્લિંગ
શિવનું આ પવિત્ર ધામ મધ્ય પ્રદેશના માલવામાં આવેલું છે. ઈન્દોર પાસે જે સ્થળે આ જ્યોતિર્લિંગ છે તે સ્થાન પર નર્મદા વહે છે અને પહાડની ચારેબાજુ નદી વહેવાથી તે ઓમ જેવો આકાર બનાવે છે. 

કેદારનાથ જ્યોતિર્લિંગ
ઉત્તરાખંડમાં હિમાલયની કેદાર નામની ચોટી પર કેદારનાથ જ્યોતિર્લિંગ સ્થિત છે. બાબા કેદારનાથનું મંદિર બદ્રીનાથના રસ્તે આવેલું છે. કેદારનાથ સમુદ્રની સપાટીથી 3584 મીટર ઊંચાઈએ આવેલું છે. 

ભીમાશંકર જ્યોતિર્લિંગ
મહારાષ્ટ્રના પુણે નજીક ખેડ તાલુકામાં સહ્યાદ્રી નામના પર્વત પર ભીમાશંકર જ્યોતિર્લિંગ સ્થિત છે. આ સ્થળ ભીમા નામની નદીનું ઉદ્ગમ સ્થાન પણ છે. આ નદી આગળ જઈને રાયચુર પાસે કૃષ્ણા નદીને મળે છે. 

બાબા વિશ્વનાથ જ્યોતિર્લિંગ
બાબા વિશ્વનાથનું આ જ્યોતિર્લિંગ ઉત્તર પ્રદેશની ધાર્મિક રાજધાની ગણાતી વારાણસીમાં સ્થિત છે. 

ત્રંબકેશ્વર જ્યોતિર્લિંગ
મહારાષ્ટ્રના નાસિકમાં ત્રંબકેશ્વર જ્યોતિર્લિંગ સ્થિત છે. ત્રંબકેશ્વર જ્યોતિર્લિંગની નજીક બ્રહ્માગિરી પર્વત છે. આ પર્વતથી ગોદાવરી નદી શરૂ થાય છે. મંદિરના પરિસરમાં આવેલો કુંડ કુશાવર્ત ગોદાવરી નદીનો સ્ત્રોત ગણાય છે. 

વૈદ્યનાથ જ્યોતિર્લિંગ
વૈદ્યનાથ જ્યોતિર્લિંગ ઝારખંડ પ્રાંતના સંથાલ પરગણામાં જસીડીહ રેલવે સ્ટેશન નજીક છે. ધાર્મિક પુરાણોમાં શિવના આ પાવન ધામને ચિતાભૂમિ કહેવાયું છે. તદઉપરાંત વૈધનાથ ધામ તરીકે પણ ઓળખાય છે. 

નાગેશ્વર જ્યોતિર્લિંગ
ગુજરાતના દ્વારકાની હદમાં આવેલું આ પ્રસિદ્ધ શિવ મંદિર છે. નાગેશ્વરનો અર્થ નાગોના ભગવાન એવું થાય છે અને તે વિષથી મુક્તિ એટલે કે શિવજી દ્વારા ખરાબ વૃત્તિઓથી મુક્તિને પ્રદર્શિત કરે છે. રુદ્ર સંહિતામાં શિવ ભગવાનને દારુકાવન નાગેશમ તરીકે ઓળખાવ્યા છે. નાગેશ્વરને પૃથ્વી પરનું પ્રથમ જ્યોતિર્લિંગ માનવામાં આવે છે. 

રામેશ્વર જ્યોતિર્લિંગ
ભગવાન શિવનું આ અગિયારમું જ્યોતિર્લિંગ તમિલનાડુના રામનાથમ નામના સ્થળે સ્થિત છે. રામેશ્વરતીર્થને જ સેતુબંધ તીર્થ પણ કહે છે. એવી માન્યતા છે કે આ જ્યોતિર્લિંગની સ્થાપના ભગવાન શ્રીરામે પોતે કરી હતી. ભગવાન શ્રીરામ દ્વારા સ્થાપિત થયું હોવાના કારણએ જ્યોતિર્લિંગને ભગવાન રામનું નામ રામેશ્વરમ આપવામાં આવ્યું છે. 

ઘૃષ્ણેશ્વર જ્યોતિર્લિંગ
મહારાષ્ટ્રના સંભાજીનગર નજીક દૌલતાબાદ પાસે ઘૃષ્ણેશ્વર કે ધુષ્મેશ્વર જ્યોતિર્લિંગ આવેલું છે. આ સ્થાનને શિવાલય પણ કહે છે. શિવના 12 જ્યોતિર્લિંગમાંથી આ અંતિમ જ્યોતિર્લિંગ છે. મંદિર વિશ્વ પ્રસિદ્ધ ઈલોરાની ગુફાઓ પાસે આવેલું છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news