એશિયાડઃ સ્વપ્ના હેપ્ટાથલોનમાં ગોલ્ડ જીતનારી પ્રથમ ભારતીય ખેલાડી બની

સ્વપ્ના બર્મને 18મી એશિયન ગેમ્સના 11માં દિવસે બુધવારે મહિલાઓની હેપ્ટાથલોન સ્પર્ધામાં ભારતને ગોલ્ડ મેડલ અપાવ્યો. આ સાથે તેણે ઈતિહાસ પણ રચી દીધો છે. 

એશિયાડઃ સ્વપ્ના હેપ્ટાથલોનમાં ગોલ્ડ જીતનારી પ્રથમ ભારતીય ખેલાડી બની

જકાર્તાઃ સ્વપ્ના બર્મને દાંતમાં દુખાવો હોવા છતાં એશિયન ગેમ્સની હેપ્ટાથલોન સ્પર્ધામાં ગોલ્ડ મેડલ જીતીને ઈતિહાસ રચી દીધો છે. તે ગોલ્ડ જીતનારી પ્રથમ ભારતીય બની છે. 21 વર્ષની બર્મને બે દિવસ સુધી ચાલેલી સાત સ્પર્ધાઓમાં 6026 અંક બનાવ્યા. આ દરમિયાન તેણે ઉંચી કૂદ (1003 અંક) અને ભાકા ફેંક (872 અંક)માં પ્રથમ તથા ગોળા ફેંક (707 અંક) અને લાંબી કૂદ (865 અંક)માં બીજુ સ્થાન મેળવ્યું હતું. 

તેનું ખરાબ પ્રદર્શન 100 મીટર (981 અંક, પાંચમું સ્થાન) અને 200 મીટર (790 અંક, સાતમું સ્થાન)માં રહ્યું. 7 સ્પર્ધાઓમાંથી અંતિમ સ્પર્ધા 800 મીટરમાં ઉતરતા પહેલા બર્મને ચીનની ક્વિંગલિંગ વાંગ પર 64 અંકની લીડ મેળવી લીધી હતી. તેને આ અંતિમ સ્પર્ધામાં સારૂ પ્રદર્શન કરવાની જરૂર હતી અને તે તેમાં ચોથા સ્થાન પર રહી હતી. 

આ સ્પર્ધા દરમિયાન તે ગત વર્ષે ભુવનેશ્વરમાં એશિયન એથલેટિક્સ ચેમ્પિયનશિપ દરમિયાન પડી ગઈ હતી, પરંતુ તેમાં ચોથા સ્થાને રહેવા છતા તે ચેમ્પિયન બની. હેપ્ટાથલોનમાં લઈ રહેલી એક અન્ય ભારતીય પૂર્ણિમા હેમ્બ્રમ 800 મીટરમાં ઉતરતા પહેલા જાપાનની યુકી યામાસાકી કરતા 18 અંક પાછળ હતી, પરંતુ તેણે બર્મન પહેલા દોડ પૂરી કરી અને ઓવરઓલ 5837 અંકની સાથે ચોથા સ્થાને રહી હતી. 

ક્વિંગલિંગ (5954 અંક)ને સિલ્વર અને યામાસાકી (5873)ને બ્રોન્ઝ મેડલ મળ્યો છે. બર્મન પહેલા બંગાળની સોમા બિસ્વાસ તથા કર્ણાટકની જેજે શોભા અને પ્રમિલા અયપ્પા જ એશિયન ગેમ્સમાં આ સ્પર્ધામાં મેડલ જીતી શકી હતી. 

બિસ્વાસ અને શોભા બુસાન એશિયન ગેમ્સ (2002) અને દોહા એશિયન ગેમ્સ (2006)માં ક્રમશઃ બીજા અને ત્રીજા સ્થાન પર રહી હતી, જ્યારે પ્રતિલાએ ગ્વાંગ્ઝૂ (2010)માં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news