IPL 2018: રોમાંચક મેચમાં ડુ પ્લેસિસે હૈદરાબાદ પાસેથી છીનવી જીત, ચેન્નઈ ફાઇનલમાં
આઈપીએલના પ્રથમ ક્વોલિફાયરમાં ચેન્નઈએ હૈદરાબાદને હરાવીને ફાઇનલમાં સ્થાન મેળવી લીધું છે. હૈદરાબાદ હવે કોલકત્તામાં ક્વોલિફાયર-2માં એલિમિનેટર જીતનારી ટીમ સામે ટકરાશે.
- હૈદરાબાદને હરાવીને ચેન્નઈ ફાઇનલમાં
- ફાફ ડુ પ્લેસિસની શાનદાર બેટિંગ
- હૈદરાબાદને ફાઇનલ માટે મળશે બીજો ચાન્સ
Trending Photos
મુંબઈઃ આઈપીએલના પ્રથમ ક્વોલિફાયરમાં સનરાઇઝર્સ હૈદરાબાદ અને ચેન્નઈ સુપર કિંગ્સ વચ્ચે રમાયેલી રોમાંચક મેચમાં ચેન્નઈએ હૈદરાબાદને બે વિકેટે હરાવીને ટૂર્નામેન્ટની ફાઇનલમાં સ્થાન મેળવી લીધું છે. હૈદરાબાદે ચેન્નઈને 140 રનનો ટાર્ગેટ આપ્યો હતો, પરંતુ અંતિમ ઓવરોમાં ફાફ ડુ પ્લેસિસ (67*)ની શાનદાર બેટિંગની મદદથી પાંચ બોલ બાકી હતા ત્યારે જીત મેળવી લીધી હતી. ડુ પ્લેસિસે 42 બોલમાં 5 ફોર અને 4 સિક્સ ફટકારી હતી. તે ઈનિંગની શરૂઆતથી અંત સુધી ઉભા રહીને ટીમને ફાઇનલમાં એન્ટ્રી કરાવી દીધી છે. તેને શાર્દુલ ઠાકુરે સાથ આપ્યો હતો. શાર્દુલે 5 બોલમાં અણનમ 15 રન ફટકાર્યા હતા.
આ પહેલા આસાન લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી ચેન્નઈની શરૂઆત ખરાબ રહી. શેન વોટસન શૂન્ય રને આઉટ થયો હતો. ભુવનેશ્વરને પ્રથમ સફળતા મળી હતી. ત્યારબાદ રૈનાએ કેટલાક આકર્ષક શોટ્સ ફટકારીને ટીમની ઈનિંગ સંભાળવાનો પ્રયાસ કર્યો. પરંતુ ટીમનો સ્કોર 24 રને પહોંચ્યો ત્યારે સિદ્ધાર્થ કૌલે રૈનાને બોલ્ડ કર્યો. ત્યારબાદ આ સીઝનમાં સૌથી સફળ બેટ્સમેન અંબાતી રાયડુ પણ બીજા બોલે બોલ્ડ થયો. ચેન્નઈએ 24 રનમાં ત્રણ વિકેટ ગુમાવી દીધી હતી.
ત્યારબાદ ધોની અને ડુ પ્લેસિસે 15 રન જોડ્યા હતા. ત્યારબાદ રાશિદ ખાન બોલિંગમાં આવ્યો અને ધોની (9) બોલ્ડ થયો હતો. રાશિદની ગુગલી સમજવામાં ધોની થાપ ખાઈ ગયો હતો. રાશિદે બ્રાવો (7)ને પણ સ્લિપમાં ધવનના હાથમાં ઝિલાવીને 57 રને ચેન્નઈને પાંચમો ઝટકો આપ્યો હતો.
સંદીપ શર્માએ જાડેજા (3)ને આઉટ કરીને ચેન્નઈને છઠ્ઠો ઝટકો આપ્યો. 62 રનના સ્કોરે ચેન્નઈની છઠ્ઠી વિકેટ પડી હતી.
આ પહેલા ચેન્નઈએ ટોસ જીતીને હૈદરાબાદને બેટિંગ કરવા માટે આમંત્રણ આપ્યું હતું. હૈદરાબાદે 20 ઓવરમાં 7 વિકેટ ગુમાવીને 139 રન બનાવ્યા હતા. કાર્લોસ બ્રાથવેટે અંતિમ ઓવરમાં 29 બોલમાં 43 રનની અણનમ ઈનિંગ રમી હતી. બ્રાથવેટે 4 સિક્સ ફટકારી હતી.
હૈદરાબાદની ઈનિંગના પ્રથમ બોલે દીપક ચહરે ધવનને શૂન્ય પર આઉટ કરીને પ્રથમ ઝટકો આપ્યો હતો. ત્યારબાદ મેચની ચોથી ઓવરમાં શ્રીવત્સ ગોસ્વામી 12 રન બનાવી આઉટ થયો હતો. કેપ્ટન વિલિયમસન 24 રન બનાવી શાર્દુલ ઠાકુરનો શિકાર બન્યો હતો. ત્યારબાદ હૈદરાબાદનો ધબડકો થયો. શાકિબ 12 રન બનાવી બ્રાવોના હાથે પેવેલિયન પરત ફર્યો હતો. યૂસુફ પઠાણ ફરી એકવાર નિષ્ફળ રહ્યો અને માત્ર 24 રન બનાવી આઉટ થયો. મનીષ પાંડે પણ સસ્તામાં આઉટ થયો હતો. હૈદરાબાદનો સ્ટોર 88 રને હતો ત્યારે છઠ્ઠો ઝટકો લાગ્યો હતો. અહીંથી બ્રાથવેટે ટીમને 139 સુધી પહોંચાડી હતી.
ચેન્નઈ તરફતી બ્રાવોએ બે વિકેટ ઝડપી હતી. દીપક ચહર, એન્ગિડી, જાડેજા અને શાર્દુલ ઠાકુરને એક-એક સફળતા મળી હતી.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે