World Cup 2019: યજમાન ઈંગ્લેન્ડે સાઉથ આફ્રિકાને 104 રને આપ્યો પરાજય

વિશ્વકપ-2019નો પ્રારંભ થઈ ચુક્યો છે. પ્રથમ મેચમાં યજમાન ઈંગ્લેન્ડે શાનદાર પ્રદર્શન કરતા દક્ષિણ આફ્રિકાને 104 રને પરાજય આપ્યો છે. 
 

World Cup 2019: યજમાન ઈંગ્લેન્ડે સાઉથ આફ્રિકાને 104 રને આપ્યો પરાજય

લંડનઃ વિશ્વકપ-2019ના ઉદ્ઘાટન મેચમાં યજમાન ઈંગ્લેન્ડે સાઉથ આફ્રિકાને 104 રનથી પરાજય આપીને ટૂર્નામેન્ટમાં શાનદાર શરૂઆત કરી છે. ટોસ હારીને પ્રથમ બેટિંગ કરતા ઈંગ્લેન્ડે 50 ઓવરમાં 8 વિકેટ ગુમાવી 311 રન બનાવ્યા હતા. જેના જવાબમાં સાઉથ આફ્રિકાની ટીમ 39.5 ઓવરમાં 207 રન બનાવી ઓલઆઉટ થઈ ગઈ હતી. આફ્રિકા તરફથી ડિ કોકે સૌથી વધુ 68 રનનું યોગદાન આપ્યું હતું. જ્યારે ઈંગ્લેન્ડ તરફથી બેન સ્ટોક્સે સૌથી વધુ 89 રન બનાવ્યા હતા. 

અમલા રિટાયર્ડ હર્ટ
સાઉથ આફ્રિકા માટે હાશિમ અમલા અને ડિ કોકે ઈનિંગની શરૂઆત કરી હતી. પરંતુ ઈનિંગની ચોથી ઓવરમાં જોફ્રા આર્ચરનો એક બોલ અમલાના હેલ્મેટ પર લાગતા તે ઈજાગ્રસ્ત થયો હતો અને મેદાન છોડીને જતો રહ્યો હતો. ત્યારબાદ એડમ માર્કરામ (11)ને જોફ્રા આર્ચરે ડો રૂટના હાથે કેચ કરાવીને ઈંગ્લેન્ડને પ્રથમ સફળતા અપાવી હતી. ત્યારબાદ જોફ્રાએ ફાફ ડુ પ્લેસિસ (5)ને આઉટ કરીને આફ્રિકાને બીજો ઝટકો આપ્યો હતો. 

ડિ કોક અને વાન ડેર ડસનની અડધી સદી
ફાફ ડુ પ્લેસિસ આઉટ થયાં બાદ ડિ કોક અને વાન ડેર ડસને ત્રીજી વિકેટ માટે 85 રનની ભાગીદારી કરી હતી. ડિ કોક ઈનિંગની 23મી ઓવરમાં 68 રન બનાવી આઉટ થયો હતો. તેણે 74 બોલમાં 6 ચોગ્ગા અને 2 છગ્ગા ફટકાર્યા હતા. તે પ્લંકેટનો શિકાર બન્યો હતો. તો વાન ડેર ડસન 61 બોલમાં 4 ચોગ્ગા અને 1 છગ્ગાની મદદથી અડધી સદી ફટકારીને આઉટ થયો હતો. તેને જોફ્રા આર્ચરે મોઇન અલીના હાથે કેચ આઉટ કરાવ્યો હતો. ત્યારબાદ ડ્યુમિની 8 રન બનાવી મોઇન અલીનો શિકાર બન્યો હતો. તો ડેવાઇન પ્રિટોરિયસ 1 રન બનાવી રન આઉટ થયો હતો. 

એન્ડિલે ફેહલુકવાયોએ 24 રનનું યોગદાન આપ્યું હતું. અમલા રિટાયર્ડ હર્ટ બાદ ફરી મેદાનમાં આવ્યો હતો. તે 11 રન બનાવી આઉટ થયો હતો. 

ઈંગ્લેન્ડ તરફથી આર્ચરે ઝડપી 3 વિકેટ
ઈંગ્લેન્ડ તરફથી જોફ્રા આર્ચરે 7 ઓવરમાં 27 રન આપીને 3 વિકેટ ઝડપી હતી. તો બેન સ્ટોક્સે 12 રન આપીને બે તથા પ્લંકેટે 37 રન આપીને બે વિકેટ ઝડપી હતી. રાશિદે 35 રન આપીને 1 તથા મોઇન અલીએ 63 રન આપીને 1 વિકેટ લીધી હતી. 

સ્ટોક્સે ઈંગ્લેન્ડ તરફથી સૌથી વધુ રન બનાવ્યા
ઈંગ્લેન્ડના ચાર બેટ્સમેનો જેસન રોય, જો રૂટ, ઇયોન મોર્ગન અને બેન સ્ટોક્સે અડધી સદી ફટકારી હતી. સ્ટોક્સ 89 રન ફટકારીને પોતાની ટીમ હાઇએસ્ટ સ્કોરર રહ્યો હતો. આફ્રિકા તરફખી લુંગી એન્ડિગી સૌથી સફળ બોલર રહ્યો હતો. તેણે 66 રન આપીને ત્રણ વિકેટ ઝડપી હતી. ઇમરાન તાહિરે 61 રન આપીને અને રબાડાએ 66 રન આપીને બે વિકેટ ઝડપી હતી. એન્ડિલે ફેહલુકવાયોને પણ એક સફળતા મળી હતી. 

જેસન રોય અને જો રૂટ વચ્ચે સદીની ભાગીદારી
ઈંગ્લેન્ડની શરૂઆત ખરાબ રહી. આફ્રિકાના ઇમરાન તાહિરે મેચના બીજા બોલ પર જોની બેયરસ્ટોને આઉટ કર્યો હતો. ત્યારબાદ રોય અને રૂટે ટીમનો સ્કોર 100ને પાર પહોંચાડ્યો હતો. જેસને 7 ચોગ્ગાની મદદથી 51 બોલ પર પોતાની અડધી સદી પૂરી કરી હતી. તો રૂટે 5 ચોગ્ગાની મદદથી 56 બોલ પર પોતાની અડધી સદી પૂરી કરી હતી. રોય 54 અને રૂટ 51 રન બનાવી આઉટ થયા હતા. બંન્નેએ આઉટ થતાં પહેલા બીજી વિકેટ માટે 106 રનની ભાગીદારી કરી હતી. ઇયોન મોર્ગન 57 રન બનાવી પેવેલિયન પરત ફર્યો હતો. 

મોર્ગન-સ્ટોક્સે 100+ રનની ભાગીદારી કરી 
મોર્ગને બેન સ્ટોક્સ સાથે મળીને ચોથી વિકેટ માટે 106 બોલ પર 106 રનની ભાગીદારી કરી હતી. જોસ બટલર 18 રન બનાવી આઉટ થયો હતો. તો મોઇન અલીએ માત્ર 3 રન બનાવ્યા હતા. ક્રિસ વોક્સે 14 બોલમાં 13 રનનું યોગદાન આપ્યું હતું. એન્ડિગીએ સ્ટોક્સને સદી બનાવતા રોક્યો હતો. અમલાએ સ્ટોક્સનો કેચ ઝડપ્યો હતો. 

તાહિર વિશ્વકપમાં પ્રથમ ઓવર ફેંકનાર પ્રથમ સ્પિનર
ઉદ્ઘાટન મેચની પ્રથમ ઓવર 40 વર્ષના લેગ સ્પિનર ઇમરાન તાહિરે કરી. એટલે કે તાહિર વિશ્વકપના 44 વર્ષના ઈતિહાસમાં ટૂર્નામેન્ટમાં પ્રથમ બોલ ફેંકનારો સ્પિનર બની ગયો છે. તેના પ્રથમ બોલનો સામનો જેસન રોયે કર્યો હતો. 

એટલું જ નહીં ઇમરાન તાહિરે મેચની પ્રથમ ઓવરના બીજા બોલ પર ઈંગ્લેન્ડના વિકેટકીપર બેટ્સમેન જોની બેયરસ્ટો (0)ની વિકેટ ઝડપી હતી. બેયરસ્ટો વિકેટકીપરના હાથે કેચઆઉટ થયો હતો. ઈંગ્લેન્ડે માત્ર 1 રનના સ્કોર પર પ્રથમ વિકેટ ગુમાવી હતી. 
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news