World Cup: 44 વર્ષમાં માત્ર 4 મેચ ટાઈ, તેમાં ભારત-ઈંગ્લેન્ડનો મુકાબલો પણ સામેલ
આવતીકાલ (30 મે)થી ઈંગ્લેન્ડ અને વેલ્સમાં ક્રિકેટ વિશ્વ કપ 2019નો પ્રારંભ થઈ રહ્યો છે. ત્યારે વિશ્વકપના 44 વર્ષના ઇતિહાસ પર નજર કરવામાં આવે તો અત્યાર સુધી કુલ ચાર મેચ ટાઈ રહી છે.
Trending Photos
લંડનઃ ક્રિકેટનો રોમાંચ તે સમયે ચરમ પર હોય છે જ્યારે કોઈ મેચ ટાઈ થાય છે. માત્ર દર્શકો કે ફેન્સ નહીં પરંતુ ખેલાડીઓના ધબકારા પણ વધી જાય છે. વિશ્વકપના 44 વર્ષના ઈતિહાસમાં માત્ર 4 મેચ એવા રહ્યાં જેમાં બંન્ને ટીમોએ બરાબર રન બનાવ્યા. એટલે કે મેચ ટાઈ રહી. ખાસ વાત છે કે તમામ મેચ 1999થી 2011 વચ્ચે ટાઈ થયા. બીજા શબ્દોમાં કહીએ તો ચારેય ટાઈ મેચ છેલ્લા 12 વર્ષમાં થઈ છે.
સાઉથ આફ્રિકા વિરુદ્ધ ઓસ્ટ્રેલિયા (1999)
દક્ષિણ આફ્રિકાએ ટોસ જીતીને ઓસ્ટ્રેલિયાને પ્રથમ બેટિંગ કરવા આમંત્રણ આપ્યું હતું. સ્ટીવ વો અને માઇકલ બેવને અડધી સદી ફટકારી હતી. ઓસ્ટ્રેલિયાએ 49.2 ઓવરમાં 213 રન બનાવ્યા હતા. જવાબમાં દક્ષિણ આફ્રિકાએ જેક કાલિસની અડધી સદીની મદદથી 49.4 ઓવરમાં 213 રન બનાવ્યા અને મેચ ટાઇ રહી હતી.
શ્રીલંકા વિરુદ્ધ સાઉથ આફ્રિકા (2003)
ડરબનમાં રમાયેલી આ મેચનો નિર્ણય ડકવર્થ લુઈસના નિયમથી થયો હતો. શ્રીલંકાએ ટોસ જીત્યો અને પ્રથમ બેટિંગનો નિર્ણય કર્યો હતો. માર્વન અટ્ટાપટ્ટુએ 124 અને અરવિંદ ડિસિલ્વાએ 73 રનનું યોગદાન આપ્યું હતું. શ્રીલંકાએ 50 ઓવરમાં 9 વિકેટ પર 268 રનનો લક્ષ્ય નક્કી કર્યો હતો. વરસાદને કારણે ડકવર્થ લુઇસનો નિયમ લાગુ થયો હતો. નવો ટાર્ગેટ મળ્યો 45 ઓવરમાં 229 રન. હર્શલ ગિબ્સની અડધી સદીની મદદથી સાઉથ આફ્રિકા 45 ઓવરમાં 229 રન બનાવી શક્યું અને મેચ ટાઈ રહી હતી.
આયર્લેન્ડ વિરુદ્ધ ઝિમ્બાબ્વે (2007)
2007 વિશ્વકપની આ મેચ કિંગ્સટનમાં રમાઇ હતી. ઝિમ્બાબ્વેએ ટોસ જીત્યો અને ફીલ્ડિંગ કરવાનો નિર્ણય લીધો હતો. જેપી. બ્રેએ સદી ફટકારી. આયર્લેન્ડે 50 ઓવરમાં 9 વિકેટે 221 રન બનાવ્યા હતા. જવાબમાં ઝિમ્બાબ્વેએ સિબાંડા અને મૈટિસકિનયારીની અડધી સદીની મદદથી 221 રન બનાવ્યા અને મેચ ટાઈ રહી હતી.
ભારત વિરુદ્ધ ઈંગ્લેન્ડ (2011)
2011 વિશ્વકપની આ મેચ બેંગલુરૂમાં રમાઈ હતી. એમએસ ધોનીએ ટોસ જીત્યો અને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. સચિન તેંડુલકરે 10 ચોગ્ગા અને 5 છગ્ગાની મદદથી 115 બોલ પર 120 રન બનાવ્યા. ગંભીર અને યુવરાજે અડધી સદી ફટકારી હતી. 49.5 ઓવરમાં ટીમ ઈન્ડિયાનો સ્કોર હતો 338 રન. જવાબમાં ઈંગ્લેન્ડે 50 ઓવરમાં 338 રન બનાવ્યા. તેના તરફથી સ્ટ્રોસે 158 અને ઇયાન બેલે 69 રન બનાવ્યા હતા. આ મેચ પણ ટાઈ રહી હતી.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે