IND vs AUS : બીજી ટી20 વરસાદમાં ધોવાઈ, ભારતની સતત 8મી ટી20 શ્રેણી જીતવાની આશા પણ સમાપ્ત

મેલબોર્ન ટી20માં વરસાદને કારણે ત્રણ વખત ટીમ ઈન્ડિયા માટે ટાર્ગેટ સેટ કરવામાં આવ્યો, આખરે મેચ જ રદ્દ કરવી પડી 

IND vs AUS : બીજી ટી20 વરસાદમાં ધોવાઈ, ભારતની સતત 8મી ટી20 શ્રેણી જીતવાની આશા પણ સમાપ્ત

મેલબોર્નઃ ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ત્રણ ટી20 સીરીઝની બીજી મેચ વરસાદના કારણે અધવચ્ચે રોકવી પડી અને ત્યાર બાદ આખરે મેચ જ રદ્દ કરી દેવી પડી. આ મેચમાં ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી ઓસ્ટ્રેલિયાની ટીમ માત્ર 19 ઓવર રમી શકી હતી, ત્યાર બાદ વરસાદ શરૂ થયો. જે ધીમે-ધીમે પડતો રહ્યો હતો. આ કારણે ટીમ ઈન્ડિયા બેટિંગ કરવા માટે મેદાનમાં આવી શકી નહીં અને આખરે મેચ રદ્દ કરવી પડી. 

19 ઓવરની રમતમાં ઓસ્ટ્રેલિયાની ટીમે 7 વિકેટે 132 રનનો સ્કોર બનાવ્યો હતો. ત્યાર બાદ વરસાદને કારણે મેચ અટકાવવી પડી હતી. વરસાદ ચાલુ રહેવાને કારણે અમ્પાયરોએ ડકવર્થ લુઈસના નિયમનો ઉપયોગ કરીને ભારતીય ટીમને વિજય માટે 19 ઓવરમાં 137 રનનું લક્ષ્ય આપ્યું હતું. 

ત્યાર બાદ ફરી વરસાદ પડતાં ભારતને ડકવર્થ લુઈસ નિયમ હેઠળ 11 ઓવરમાં 90 રનનો ટાર્ગેટ અપાયો હતો. એ સમયે લાગતું હતું કે ભારત આ મેચ જીતીને સીરીઝમાં 1-1ની બરાબરી કરી લેશે. જોકે, વરસાદે ભારતની આશાઓ ઉપર પાણી ફેરવી દીધું અને થોડી-થોડી વારમાં પડી રહેલા વરસાદને કારણે આખરે અમ્પાયરોએ મેચ રદ્દ કરવાનો નિર્ણય લીધો હતો. 

ભારતની આશાઓ પર ફરી વળ્યુ પાણી 
ભારત ત્રણ મેચની ટી20 શ્રેણીમાં અત્યારે 0-1થી પાછળ છે અને હવે તેને શ્રેણી સરભર કરવા માટે સિડનીમાં રમાનારી રવિવારની મેચ કોઈ પણ સંજોગોમાં જીતવાની રહેશે. આ સાથે જ ટીમ ઈન્ડિયાની સતત 8મી ટી20 શ્રેણી જીતવાની આશાઓ ઉપર પણ પાણી ફરી વળ્યું છે. આ અગાઉ ટીમ ઈન્ડિયાએ સતત 7 ટી20 શ્રેણી જીતી છે. 

ભારતનો 7 ટી20 શ્રેણી જીતવાનો રેકોર્ડ
ઓસ્ટ્રેલિયાથી પહેલા ટીમ ઈન્ડિયાએ આ વર્ષે વેસ્ટ ઈન્ડિઝને 3-0, ઈંગ્લેન્ડને 2-1 અને આયર્લેન્ડને 2-0થી હરાવ્યું હતું. આ અગાઉ ટીમ ઈન્ડિયાએ નિદહાસ ટ્રોફી પણ જીતી હતી અને તેના પહેલા દ.આફ્રિકાને 2-1થી શ્રેણીમાં પરાજય આપ્યો હતો. ગયા વર્ષે શ્રીલંકાના ભારત પ્રવાસ દરમિયાન ટીમ ઈન્ડિયાએ શ્રીલંકાને 3-0થી, ન્યૂઝિલેન્ડના ભારત પ્રવાસમાં તેને 2-1થી હરાવ્યું હતું. રસપ્રદ બાબત એ છે કે ટીમ ઈન્ડિયાનો વિજયનો સિલસિલો ઓસ્ટ્રેલિયાના ભારત પ્રવાસ પછી શરૂ થયો હતો, જેમાં 3 ટી20 મેચની શ્રેણી 1-1થી બરાબર રહી હતી. 

પ્રથમ ટી20 જેવું બેટિંગ પ્રદર્શન ન કરી શક્યું ઓસ્ટ્રેલિયા
મેલબોર્ન ટી20માં ટોસ હારીને પ્રથમ બેટિંગ કરવા આવેલી ઓસ્ટ્રેલિયાની ટીમને બીજા જ બોલે કેપ્ટન એરોન ફિન્ચ(0)નો ઝટકો લાગ્યો હતો. ત્યાર બાદ 16 ઓવર સુધીમાં ટીમે 7 વિકેટ ગુમાવી દીધી હતી અને 101 રન જ બનાવ્યા હતા. ત્યાર બાદ મેક્ડરમટ (32 નો.આ.), એન્ડ્રૂ ટાઈ (12 નો.આ.)ની મદદથી ટીમ 132 રનનો સન્માનજનક સ્કોર બનાવી શકી હતી. ભારત તરફથી ભુવનેશ્વર કુમાર અને ખલીલ અહેમદને 2-2, જ્યારે બુમરાહ, કુલદીપ યાદવ અને કૃણાલ પંડ્યાને 1-1 વિકેટ મળી હતી. ઓસ્ટ્રેલિયા આ શ્રેણીમાં 1-0થી આગળ છે. 

પ્રથમ મેચમાં પણ ડકવર્થ લુઈસ નિયમથી જ હાર્યું હતું ભારત 
બ્રિસબેનમાં થયેલી પ્રથમ રોમાંચક મેચમાં ઓસ્ટ્રેલિયાએ ટીમ ઈન્ડિયા કરતાં ઓછા રન બનાવ્યા હોવા છતાં પ્રથમ ટી20માં ભારતને 4 રને હરાવ્યું હતું. ઓસ્ટ્રેલિયાએ વરસાદથી પ્રભાવિત આ મેચમાં 17 ઓવરમાં 158 રન બનાવ્યા હતા. ત્યાર બાદ ભારતને 174 રનનો ટાર્ગેટ અપાયો હતો. જેના જવાબમાં ભારતની ટીમ 17 ઓવરમાં 7 વિકેટ ગુમાવીને 169 રન જ બનાવી શકી હતી. ઓસ્ટ્રેલિયા કરતાં 11 રન વધુ બનાવ્યા હોવા છતાં ભારતની ટીમ હારી ગઈ હતી. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news