INDvsBAN: ઈન્દોરમાં ત્રીજા દિવસે હાર્યું બાંગ્લાદેશ, ભારતનો ઈનિંગ અને 130 રને વિજય

ઈન્દોરમાં રમાયેલી પ્રથમ ટેસ્ટ મેચમાં ભારતે બાંગ્લાદેશને ઈનિંગ અને 130 રને પરાજય આપી બે મેચોની સિરીઝમાં 1-0ની લીડ મેળવી લીધી છે. 

INDvsBAN: ઈન્દોરમાં ત્રીજા દિવસે હાર્યું બાંગ્લાદેશ, ભારતનો ઈનિંગ અને 130 રને વિજય

ઈન્દોરઃ હોલ્કર સ્ટેડિયમમાં (holkar stadium) રમાયેલી ભારત અને બાંગ્લાદેશ (IND vs BAN) વચ્ચેની પ્રથમ ટેસ્ટ મેચમાં (test match) ભારતે ત્રીજા દિવસે બાંગ્લાદેશને ઈનિંગ અને 130 રને પરાજય આપીને બે મેચોની સિરીઝમાં 1-0ની લીડ મેળવી લીધી છે. બંન્ને ઈનિંગમાં બાંગ્લાદેશના બેટ્સમેનોનું પ્રદર્શન ખરાબ રહ્યું હતું. બાંગ્લાદેશની ટીમ બીજા દાવમાં 213 રન બનાવી આઉટ આઉટ થઈ ગઈ હતી. ભારત તરફથી બીજા દાવમાં મોહમ્મદ શમી (Mohammed Shami) સૌથી સફળ બોલર રહ્યો હતો. મેચમાં બાંગ્લાદેશે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. પહેલી ઈનિંગમાં બાંગ્લાદેશની ટીમ 150 રન બનાવી ઓલઆઉટ થઈ ગઈ હતી. જેના જવાબમાં ભારતીય ટીમે મયંક અગ્રવાલ (243)ની બેવડી સદીની મદદથી 6 વિકેટે 493 રન બનાવી દાવ ડિકલેર કર્યો હતો. આ રીતે ભારતને પ્રથમ ઈનિંગના આધારે 343 રનની લીડ મળી હતી. ભારત તરફથી બીજા દાવમાં શમીએ ચાર, અશ્વિને 3, ઉમેશે બે તથા ઇશાંતે એક વિકેટ ઝડપી હતી. સિરીઝની બીજી મેચ 22 નવેમ્બરથી કોલકત્તામાં રમાશે. જે ડે-નાઇટ ટેસ્ટ હશે. 

બીજી ઈનિંગમાં પણ બાંગ્લાદેશનો ધબડકો
343 રનના દેવા બાદ બીજી ઈનિંગ રમવા ઉતરેલી બાંગ્લાદેશની ટીમને 10 રનના સ્કોર પર પહેલો ઝટકો લાગ્યો હતો. ત્યારબાદ ટીમનો સ્કોર 16 રન હતો ત્યારે ઇશાંત શર્માએ શાદમાન ઇસ્લામ (6)ને બોલ્ડ કરીને ટીમને બીજી સફળતા અપાવી હતી. બાંગ્લાદેશને ત્રીજો ઝટકો કેપ્ટન મોમિનુલ હકના રૂપમાં લાગ્યો જે 7 રન બનાવી શમીની ઓવરમાં  LBW આઉટ થયો હતો. 

મહેમાન ટીમ આ ઝટકામાંથી બહાર આવે તે પહેલા શમીએ મોહમ્મદ મિથુનને આઉટ કરીને ભારતને ચોથી સફળતા અપાવી હતી. ત્યારબાદ મહમદુલ્લાહ પણ શમીનો શિકાર બન્યો હતો. તેણે 15 રન બનાવ્યા હતા. આમ 72 રનમાં બાંગ્લાદેશની અડધી ટીમ આઉટ થઈ ગઈ હતી.

ત્યારબાદ લિટન દાસે મુશ્ફિકુર રહીમ સાથે મળીને છઠ્ઠી વિકેટ માટે 63 રનની ભાગીદારી કરી હતી. લિટન દાસ  35 રન બનાવી અશ્વિનનો શિકાર બન્યો હતો. મેહદી હસન (38)ના રૂપમાં બાંગ્લાદેશને સાતમો ઝટકો લાગ્યો હતો. મેહદી હસનને ઉમેશ યાદવે બોલ્ડ કર્યો હતો. ત્યારબાદ તૈજુલ ઇસ્લામ (6)ને શમીએ આઉટ કર્યો હતો. બાંગ્લાદેશ તરફથી અનુભવી બેટ્સમેન મુશ્ફિકુર રહીમે અડધી સદી ફટકારી હતી. રહીમે 150 બોલનો સામનો કરતા 64 રન બનાવ્યા હતા. તે અશ્વિનનો શિકાર બન્યો હતો. 

ભારતની પ્રથમ ઈનિંગ
બાંગ્લાદેશની ટીમને 150 રનમાં ઓલઆઉટ કર્યા બાદ ભારત તરફથી મયંક અગ્રવાલ અને રોહિત શર્મા ઓપનિંગ કરવા માટે ઉતર્યા હતા. બંન્નેએ કુલ 14 રન જોડ્યા હતા. આ વચ્ચે રોહિત શર્મા અબુ જાએદના બોલ પર વિકેટકીપરના હાથે 6 રન બનાવી કેચ આઉટ થયો હતો. ત્યારબાદ ચેતેશ્વર પૂજારા ક્રીઝ પર આવ્યો હતો. તેણે 68 બોલનો સામનો કરતો પોતાના ટેસ્ટ કરિયરની 23મી અડધી સદી ફટકારી હતી. પૂજારાએ 54 રન બનાવ્યા હતા. પૂજારા અને મયંક વચ્ચે 89 રનની ભાગીદારી થઈ હતી. ત્યારબાદ ભારતીય કેપ્ટન વિરાટ કોહલી શૂન્ય રન પર LBW આઉટ થયો હતો. 

ભારતે રહાણેના રૂપમાં ચોથી વિકેટ ગુમાવી હતી, જે સદી ચુકી ગયો હતો. રહાણે 86 રન બનાવી અબુ જાએદના બોલ પર આઉટ થયો હતો. ભારતને પાંચમો ઝટકો મયંક અગ્રવાલના રૂપમાં લાગ્યો હતો. મયંક 330 બોલનો સામનો કરીને 28 ચોગ્ગા અને 8 છગ્ગા સાથે 243 રન બનાવી આઉટ થયો હતો. ત્યારબાદ રિદ્ધિમાન સાહા 12 રન બનાવી આઉટ થયો હતો. 

મયંકે ફટકારી કરિયરની બીજી બેવડી સદી
મયંક અગ્રવાલે ટેસ્ટ કરિયરની બીજી બેવડી સદી ફટકારી હતી. આ પહેલા આફ્રિકા વિરુદ્ધ તેણે બેવડી સદી ફટકારી હતી, જે તેના ટેસ્ટ કરિયરની પ્રથમ બેવડી સદી હતી. 

સૌથી ઓછી ટેસ્ટ ઈનિંગમાં બે બેવડી સદી ફટકારવાના મામલામાં મયંક અગ્રવાલે સર ડોન બ્રેડમેનને પાછળ છોડી દીધા છે. સર ડોન બ્રેડમેને 13 ઈનિંગમાં બે બેવડી સદી ફટકારી, જ્યારે મયંક અગ્રવાલે 12 ઈનિંગમાં આ કમાલ કર્યો છે. પરંતુ વિશ્વ રેકોર્ડ હજુ પણ વિનોદ કાંબલીના નામે છે, જેણે 5 ઈનિંગમાં બે બેવડી સદી ફટકારી હતી. 

બાંગ્લાદેશ 150મા ઓલઆઉટ
ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી બાંગ્લાદેશની ટીમ તરફથી ઇમરૂલ કાયસ અને શાદમાન ઇસ્લામે ઈનિંગની શરૂઆત કરી હતી. ઇમરૂલ કાયસ 6 રન બનાવી છઠ્ઠી ઓવરમાં રહાણેના હાથે કેચઆઉટ થયો હતો. ઉમેશ યાદવે ભારતને પ્રથમ સફળતા અપાવી હતી. ત્યારબાદની ઓવરના અંતિમ બોલ પર ઇશાંત શર્માએ બીજા ઓપનિંગ બેટ્સમેન શાદમાન ઇસ્લામને 6 રન પર સાહાના હાથે કેચ આઉટ કરાવ્યો હતો. 

બાંગ્લાદેશની ટીમને ત્રીજો ઝડકો મોહમ્મદ મિથુનના રૂપમાં લાગ્યો જે 13 રન બનાવી શમીનો શિકાર બન્યો હતો. પ્રથમ દિવસે લંચ પહેલા ભારતને ત્રણ સફળતા મળી હતી. લંચ બાદ અશ્વિને બોલિંગનો છેડો સંભાળ્યો અને પ્રથમ વિકેટ હાસિલ કરી હતી. અશ્વિને વિપક્ષી ટીમના કેપ્ટન મોમિનુલ હકને 37 રનના વ્યક્તિગત સ્કોર પર આઉટ કરીને પોતાના કરિયરમાં ઘર પર 250 ટેસ્ટ વિકેટ પૂરી કરી હતી. 

અશ્વિને ભારતને પાંચમી સફળતા પણ અપાવી હતી. અશ્વિને મહમુદૂલ્લાહને 10 રનના વ્યક્તિગત સ્કોર પર બોલ્ડ કર્યો હતો. શમીએ ટી-બ્રેક પહેલા બે બોલ પર બે વિકેટ ઝડપી હતી. શમીએ પહેલા રહીમને 43 રન પર બોલ્ડ કર્યો અને ત્યારબાદ મેહદી હસનને એલબી આઉટ કર્યો હતો. ટી-બ્રેક બાદ પ્રથમ બોલ પર ઇશાંતે લિટન દાસ (21)ને વિરાટને હાથે કેચ આઉટ કરાવ્યો હતો. 

બાંગ્લાદેશની ટીમને 9મો ઝટકો તઇજુલ ઇસ્લામના રૂપમાં લાગ્યો જે 1 રન બનાવી રનઆઉટ થયો હતો. બાંગ્લાદેશની અંતિમ વિકેટ ઇબાદત હુસૈનના રૂપમાં પડી જેને ઉમેશ યાદવે બોલ્ડ કર્યો હતો. ભારત તરફથી શમીને 3સ ઇશાંત, અશ્વિન અને ઉમેશ યાદવને 2-2 સફળતા મળી હતી.  

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાવો : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news