IPL 2019: દિલ્હીનો સતત ત્રીજો વિજય, હૈદરાબાદને તેના ઘરમાં 39 રને હરાવ્યું

ઈન્ડિયન પ્રીમિયર લીગની સિઝન-12ના 30માં મેચમાં દિલ્હી કેપિટલ્સે સનરાઇઝર્સ હૈદરાબાદને 39 રને પરાજય આપીને સતત ત્રીજો વિજય મેળવ્યો છે. તો બીજીતરફ હૈદરાબાદનો આ સતત ત્રીજો પરાજય છે. 
 

IPL 2019: દિલ્હીનો સતત ત્રીજો વિજય, હૈદરાબાદને તેના ઘરમાં 39 રને હરાવ્યું

હૈદરાબાદઃ રબાડા (22 રન 4 વિકેટ), કીમો પોલ (17 રન 3 વિકેટ), મોરિસ (22 રન 3 વિકેટ)ની શાનદાર બોલિંગની મદદથી દિલ્હી કેપિટલ્સે સનરાઇઝર્સ હૈદરાબાદને આઈપીએલના મેચમાં તેના ઘરમાં 39 રનથી પરાજય આપીને સતત ત્રીજો વિજય મેળવ્યો છે. તો હૈદરાબાદનો આ સતત ત્રીજો પરાજય છે. આ જીત સાથે દિલ્હીની ટીમ 10 પોઈન્ટ સાથે ટેબલમાં બીજા સ્થાને પહોંચી ગઈ છે. પ્રથમ બેટિંગ કરતા દિલ્હીએ 20 ઓવરમાં 7 વિકેટ ગુમાવી 155 રન બનાવ્યા હતા. જેના જવાબમાં હૈદરાબાદની ટીમ 18.5 ઓવરમાં 116 રન બનાવી ઓલઆઉટ થઈ ગઈ હતી. હૈદરાબાદ તરફથી ડેવિડ વોર્નરે સૌથી વધુ 51 રન બનાવ્યા હતા. 

હૈદરાબાદની શરૂઆત સારી રહી હતી. ડેવિડ વોર્નર અને જોની બેયરસ્ટોએ મળીને 72 રનની ભાગીદારી કરી પરંતુ 10મી ઓવરમાં તે કીમો પોલનો શિકાર થઈ ગયો હતો. જોની બેયરસ્ટોએ 31 બોલમાં 5 ચોગ્ગા અને 1 છગ્ગાની મદદથી 41 રન બનાવ્યા અને ટીમને સારી શરૂઆત અપાવી હતી. 

ત્યારબાદ 12મી ઓવરમાં કગિસો રબાડાએ એક શાનદાર કેચ ઝડપ્યો અને કેન વિલિયમસન 3 રન બનાવીને કીમો પોલનો શિકાર બન્યો હતો. 13મી ઓવરના ચોથા બોલ પર ભુઈને જીવનદાર મળ્યું હતું. અમિત મિશ્રાના બોલ પર કોલિન મુનરોએ કેચ છોડ્યો હતો. ત્યારબાદ 15મી ઓવરમાં પોતાના બોલ પર અમિત મિશ્રાએ 44 રન પર રમી રહેલા ડેવિડ વોર્નરનો કેચ ડ્રોપ કર્યો હતો. 

16મી ઓવરમાં રિકી ભુઈના રૂપમાં હૈદરાબાદને ત્રીજો ઝટકો લાગ્યો હતો, કીમો પોલે ભુઈને 7 રનના સ્કોર પર અક્ષર પટેલના હાથે કેચ કરાવ્યો હતો. ત્યારબાદ રબાડાએ ડેવિડ વોર્નર (51) અને વિજય શંકર (1)ને એક જ ઓવરમાં આઉટ કરીને દિલ્હીને મેચમાં વાપસી કરાવી હતી. ઈનિંગની 18મી ઓવરમાં ક્રિસ મોરિસે હૈદરાબાદને વધુ ત્રણ ઝટકા આપ્યા હતા. તેણે દીપક હુડ્ડા (3), રાશિદ ખાન (0) અને અભિષેક શર્મા (3)ને આઉટ કર્યાં હતા. 103 રનના સ્કોર પર ત્રીજી વિકેટ ગુમાવનાર હૈદરાબાદે 112 રનના સ્કોર પર 8મી વિકેટ ગુમાવી દીધી હતી. ભુવનેશ્વર કુમાર (2) રબાડાનો શિકાર બન્યો હતો. ખલીલ અહમદને બોલ્ડ કરીને રબાડાએ હૈદરાબાદની ઈનિંગનો અંત આણ્યો હતો.  

દિલ્હી તરફથી કિમો પોલે શાનદાર બોલિંગ કરતા 4 ઓવરમાં 17 રન આપીને 3 વિકેટ ઝડપી હતી. રબાડાએ 22 રન આપીને 4 તથા મોરિસે 17 રન આપીને 3 વિકેટ ઝડપી હતી. 

દિલ્હીની ઈનિંગ
દિલ્હીને બીજી ઓવરના 5માં બોલ પર પૃથ્વી શોના રૂપમાં પ્રથમ ઝટકો લાગ્યો હતો. પૃથ્વી 4 રન બનાવીને ખલીલ અહમદનો શિકાર થયો હતો. ત્યારબાદ ખલીલે ચોથી ઓવરમાં દિલ્હીને વધુ એક મોટો ઝટકો આવ્યો અને શિખર ધવનને 7 રન પર પેવેલિયન પરત મોકલી આપ્યો હતો. 

ત્યારબાદ 8મી ઓવરમાં હૈદરાબાદને ત્રીજી સફળતા મળી અને લયમાં દેખાઈ રહેલા કોલિન મુનરોને અભિષેક શર્માએ પોતાનો પ્રથમ શિકાર બનાવ્યો હતો. અભિષેક શર્માએ કોલિન મુનરોને 8મી ઓવરમાં આઉટ કર્યો હતો. મુનરોએ 24 બોલ પર 40 રન બનાવ્યા હતા. 

અય્યર અને પંતે દિલ્હીને સંભાળ્યું
8 ઓવરમાં દિલ્હીએ 69 રન પર ત્રણ વિકેટ ગુમાવી દીધી હતી. ત્યારબાદ શ્રેયર અય્યર અને રિષભ પંતે મોરચો સંભાળ્યો અને 56 રનની ભાગીદારીની સાથે ટીમને 125 રન સુધી લઈ ગયા હતા. પરંતુ 16મી ઓવરમાં ભુવનેશ્વર કુમારે અય્યરને જોની બેયરસ્ટોના હાથે કેચ આઉટ કરાવ્યો હતો. 

શ્રેયરે 5 ચોગ્ગાની મદદથી 40 બોલમાં 45 રન બનાવ્યા હતા. ત્યારબાદ આગામી ઓવરમાં ખલીલ અહમદે રિષભ પંતને આઉટ કર્યો હતો. પંતે 23 બોલમાં 3 ચોગ્ગાની મદદથી 23 રન બનાવ્યા હતા. આ ઝટકામાંથી દિલ્હી બહાર આવે તે પહેલા ખલીલે વધુ એક ઝટકો આપ્યો હતો. 

18મી ઓવરના અંતિમ બોલ પર ક્રિસ મોરિસ 4 રન બનાવીને આઉટ થયો હતો. અંતિમ ઓવરમાં ભુવનેશ્વર કુમારે કીમો પોલને 7 રન પર આઉટ કર્યો હતો. 

ખલીલ અહમદની ધમાલ
ખલીલ અહમદે કમાલની બોલિંગ કરી અને દિલ્હીના ત્રણ ખેલાડીઓને પેવેલિયન પરત મોકલી આપ્યા હતા. તેણે પૃથ્વી શો, શિખર ધવન અને રિષભ પંતને આઉટ કરીને દિલ્હીની કમર તોડી દીધી હતી. આ સિવાય ભુવનેશ્વર કુમારે 4 ઓવરમાં 33 રન આપીને બે વિકેટ ઝડપી હતી. આ સિવાય રાશિદ ખાન તથા અભિષેક શર્માને એક-એક વિકેટ મળી હતી. 
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news