IPL 2022: મોહસિન ખાનથી લઈને તિલક વર્મા સુધી આ સિઝનની શોધ છે આ સિતારા
2022 ની આઈએલની સિઝન ભલે ચેન્નઈ અને મુંબઈ માટે ખરાબ રહી પરંતુ આ સિઝન નવા ખેલાડીઓ માટે શાનદાર રહી છે. જેમાં સનરાઈઝર્સ હૈદરાબાદના સુપરસ્ટાર બોલર ઉમરાન મલિક, ચેન્નઈ સુપર કિંગ્સના મુકેશ ચૌધરી, રાદજસ્થાન રોયલ્સના કુલદીપ સેન અને પંજાબ કિંગ્સના વિકેટકીપર બેટ્સમેન જિતેશ શર્માએ પણ શાનદાર પ્રદર્શન દ્વારા ભારતીય ક્રિકેટ માટે નવી આશા જગાવી છે.
Trending Photos
મુંબઈ: દુનિયાની સૌથી જાણીતી ક્રિકેટ લીગ ઈન્ડિયન પ્રીમિયર લીગ પૈસાની સાથે સાથે ખેલાડીઓને આંતરરાષ્ટ્રીય લેવલ પર નામના મેળવવાની તક આપે છે. જસપ્રીત બુમરાહ, હાર્દિક પંડ્યા જેવા અનેક નામ છે, જેમણે શરૂઆતમાં આઈપીએલ દ્વારા પોતાની ઓળખ બનાવી. હાલની સિઝનમાં પણ અનેક એવા શાનદાર ખેલાડીઓ છે જેમણે શાનદાર પ્રદર્શન કરીને નવી આશા જગાવી છે. ત્યારે કયા ખેલાડીઓએ પોતાની રમતથી પ્રભાવિત કર્યા છે. આવો જોઈએ.
રિંકુ સિંહ: કોલકાતા નાઈટ રાઈડર્સના બેટ્સમેન રિંકુ સિંહે આઈપીએલ 2022માં માત્ર સાત મેચમાં ભાગ લીધો. પરંતુ તેણે આ દરમિયાન શાનદાર પ્રદર્શન કર્યું. લખનઉ સામે માત્ર 15 બોલમાં 40 રન બનાવીને ટીમની જીત લગભગ નક્કી કરી દીધી હતી. રિંકુની આ ઈનિંગ્સ બધાના દિલોદિમાગમાં ઘર કરી ગઈ છે. આઈપીએલ 2017ની હરાજી પહેલા રિંકુને પંજાબ કિંગ્સ ઈલેવને માત્ર 10 લાખ રૂપિયામાં ખરીદ્યો હતો. પછી 2018ની સિઝનથી તે કેકેઆર સાથે જોડાયેલો છે. આઈપીએલ 2022ની હરાજીમાં રિંકુ સિંહને કેકેઆરે 55 લાખમાં ખરીદ્યો હતો. આઈપીએલ 2022માં રિંકુએ સાત મેચમાં 34.80ની એવરેજથી 174 રન બનાવ્યા.
મોહસિન ખાન: લખનઉ સુપર જાયન્ટ્સ આઈપીએલ 2022માં પોતાના સ્લો અને ઝડપી બોલથી કહેર મચાવી રહ્યો છે. પોતાની આઈપીએલ ડેબ્યુ સિઝનમાં મોહસિન ખાન 8 મેચમાં 13 વિકેટ ઝડપી ચૂક્યો છે. મોહસિને આ દરમિયાન 5.93ની ઈકોનોમી રેટથી રન આપ્યા. જે ટી-20માં ઘણો શાનદાર કહેવામાં આવે છે. મોહસિનને 20 લાખ રૂપિયામાં લખનઉ સુપર જાયન્ટ્સે ખરીદ્યો હતો. આ પહેલાં તે મુંબઈ ઈન્ડિયન્સ ટીમનો ભાગ રહી ચૂક્યો છે.
તિલક વર્મા: પાંચ વખતની ચેમ્પિયન મુંબઈ ઈન્ડિયન્સ હાલની સિઝનમાં સૌથી ખરાબ પ્રદર્શન સાથે છેલ્લા નંબરે છે. પરંતુ તિલક વર્મા ટીમ માટે સ્ટાર બનીને ઉભર્યો. તિલકે અત્યાર સુધી 13 મેચમાં 37.60ની એવરેજથી અને 131.46ના સ્ટ્રાઈક રેટથી 376 રન બનાવ્યા. આ દરમિયાન તેના બેટમાંથી બે અર્ધસદી નીકળી અને 61 રન તેનો બેસ્ટ સ્કોર રહ્યો. ક્રિકેટ એક્સપર્ટ્સ એવું માની રહ્યા છે કે તિલક વર્મા ભવિષ્યમાં ટીમ ઈન્ડિયા માટે રમી શકે છે.
શાહબાઝ અહમદ: રોયલ ચેલેન્ઝર્સ બેંગલુરુના ઓલરાઉન્ડર શાહબાઝ અહમદે ઘણા પ્રભાવિત કર્યા છે. શાહબાઝે આઈપીએલમાં પોતાની ટીમ માટે શરૂઆતની 13 મેચમાં 25.88ની એવરેજથી 207 રન બનાવ્યા છે. આ સિવાય હાલની સિઝનમાં 4 વિકેટ પણ ઝડપી હતી. 27 વર્ષના શાહબાઝ અહમદને આરસીબીએ 2022ની હરાજીમાં 2.40 કરોડમાં ખરીદ્યો હતો. શાહબાઝ આઈપીએલની છેલ્લી બે સિઝનમાં પણ આરસીબીની સાથે જ હતો.
આયુષ બદૌની: મિડલ ઓર્ડરના બેટ્સમેન આયુષ બદૌનીએ હાલની સિઝનમાં લખનઉ સુપર જાયન્ટ્સ માટે અત્યાર સુધી કુલ 13 મેચમાં ભાગ લીધો છે. આ દરમિયાન બદૌનીએ 20.13ની એવરેજથી કુલ 161 રન બનાવ્યા છે. જેમાં એક અર્ધસદીનો સમાવેશ થાય છે. લખનઉની ટીમે આયુષ બદૌનીને હરાજીમાં 20 લાખ રૂપિયામાં ખરીદ્યો હતો.
આ સિવાય સનરાઈઝર્સ હૈદરાબાદના સુપરસ્ટાર બોલર ઉમરાન મલિક, ચેન્નઈ સુપર કિંગ્સના મુકેશ ચૌધરી, રાદજસ્થાન રોયલ્સના કુલદીપ સેન અને પંજાબ કિંગ્સના વિકેટકીપર બેટ્સમેન જિતેશ શર્માએ પણ શાનદાર પ્રદર્શન દ્વારા ભારતીય ક્રિકેટ માટે નવી આશા જગાવી છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે