IPL 2024: ગિલ-સુદર્શનના વાવાઝોડાએ ચેન્નાઈને કરી વેરવિખેર, ગુજરાતે લીધો ગત હારનો બદલો, પ્લેઓફની આશા જીવંત
GT vs CSK: ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2024 ની મેચ મનંબર 59માં આજે ગુજરાત ટાઈટન્સ અને ચેન્નાઈ સુપર કિંગ્સ વચ્ચે મેચ રમાઈ. આ મેચમાં જીટીએ સીએસકેને 35 રનથી હરાવી દીધુ.
Trending Photos
GT vs CSK: ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2024 ની મેચ મનંબર 59માં આજે ગુજરાત ટાઈટન્સ અને ચેન્નાઈ સુપર કિંગ્સ વચ્ચે મેચ રમાઈ. આ મેચમાં જીટીએ સીએસકેને 35 રનથી હરાવી દીધુ. અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાયેલી આ મેચમાં ગુજરાતે ચેન્નાઈને જીત માટે 232 રનનો ટાર્ગેટ આપ્યો હતો. જેનો પીછો કરતા આઠ વિકેટે 196 રન જ ચેન્નાઈની ટીમ બનાવી શકી. ગુજરાત ટાઈટન્સની હાલની સીઝનમાં 12 મેચમાંથી આ 5મી જીત છે. આ જીત સાથે ગુજરાત ટાઈટન્સની પ્લેઓફની આશા હજુ પણ જીવિત છે. બીજી બાજુ પાંચવાર ચેમ્પિયન બની ચૂકેલી ચેન્નાઈની 12 મેચમાં આ 6ઠ્ઠી હાર છે.
ચેન્નાઈ ટોસ જીતી ગુજરાતને આપી બેટિંગ
ચેન્નાઈ સુપર કિંગ્સના કેપ્ટન ઋતુરાજ ગાયકવાડે ટોસ જીતીને ગુજરાત ટાઈટન્સને પહેલા બેટિંગ કરવાનું આમંત્રણ આપ્યું. કેપ્ટન શુભમન ગિલ અને સાઈ સુદર્શને ઈનિંગની શરૂઆત કરી અને જબરદસ્ત ધૂંઆધાર બેટિંગ કરી. બંનેએ સદી ફટકારી, સાઈ સુદર્શને 51 બોલમાં 5 ચોગ્ગા અને 7 છગ્ગાની મદદથી 103 રન કર્યા. જ્યારે શુભમન ગિલે 55 બોલમાં 9 ચોગ્ગા અને 6 છગ્ગાની મદદથી 104 રન કર્યા. ગુજરાતે 3 વિકેટ ગુમાવીને નિર્ધારિત 20 ઓવરમાં 231 રન કર્યા અને ચેન્નાઈની ટીમને જીતવા માટે 232 રનનો લક્ષ્યાંક આપ્યો. ચેન્નાઈ તરફથી તુષાર દેશપાંડેએ 2 વિકેટ લીધી હતી. જ્યારે શાહરૂખ ખાન રનઆઉટ થયો હતો.
ચેન્નાઈની નબળી શરૂઆત
232 રનના લક્ષ્યાંકનો પીછો કરવા ઉતરેલી ચેન્નાઈ સુપર કિંગ્સની ટીમના ઓપનરો અજિંક્ય રહાણે અને રચિન રવિન્દ્ર બંને ફટાફટ આઉટ થઈ ગયા. સંદીપ વોરિયરની બોલિંગમાં રહાણે આઉટ થયો હતો અને રચિન રવિન્દ્ર રનઆઉટ થઈ ગયો. ત્યારબાદ આવેલો કેપ્ટન ઋતુરાજ ગાયકવાડ પણ 0 રન કરીને આઉટ થઈ ગયો. ડેરિલ મિશેલે 34 બોલમાં 63 રન અને મોઈન અલીએ 36 બોલમાં 56 રન કર્યા. ધોનીએ 11 બોલમાં 26 રન કરી અણનમ રહ્યો. ચેન્નાઈએ નિર્ધારિત 20 ઓવરમાં 8 વિકેટના ભોગે 196 રન કર્યા. ગુજરાત તરફથી મોહિત શર્માએ 4 ઓવરમાં 31 રન આપીને 3 વિકેટ લીધી. જ્યારે રાશિદ ખાને 2 વિકેટ અને સંદીપ વોરિયર તથા ઉમેશ યાદવે 1-1 વિકટ લીધી. ચેન્નાઈ 35 રનથી મેચ હાર્યું.
લીધો બદલો
આઈપીએલના ઈતિહાસમાં અત્યાર સુધીમાં બંને ટીમો વચ્ચે 7 મેચ રમાઈ છે. જેમાં જીટીએ ચાર અને ચેન્નાઈએ 3 મેચ જીતી છે. હાલની સીઝનમાં બંને ટીમો બીજીવાર આમને સામને થઈ. આ પહેલા 26 માર્ચે ચેપોકમાં બંને ટીમો વચ્ચે મેચ રમાઈ હતી. જેમાં સીએસકે 63 રનથી જીત્યું હતું.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે