જાપાન ઓપનઃ સિંધુ અને પ્રણય હાર્યા, શ્રીકાંતે ક્વાર્ટર ફાઈનલમાં પહોંચીને આશા જીવંત રાખી
જાપાન ઓપનના ત્રીજા દિવસે ભારતના કિદાંબી શ્રીકાંતે હોંગકોંગના વોંગ વિંગ વિન્સેટને 21-15, 21-14થી હરાવ્યો હતો
Trending Photos
ટોકિયોઃ બેડમિંટનની જાપાન ઓપનના ત્રીજા દિવસે ભારતની સ્ટાર શટલર પી.વી. સિંધુ અને એચ.એસ. પ્રણયને પરાજયનો સ્વાદ ચાખવો પડ્યો હતો. આ નિરાશાના માહોલને કિદાંબી શ્રીકાંતે વિજય સાથે હળવો કર્યો હતો. તેણે બીજા રાઉન્ડમાં પોતાની મેચ જીતીને ભારત માટે મેડલની આશા જીવંત રાખી છે. શ્રીકાંત હવે ક્વાર્ટર ફાઈનલમાં પહોંચી ગયો છે.
માત્ર 36 મિનિટમાં જીત્યો શ્રીકાંત
વર્લ્ડ નંબર-8 કિદાંબી શ્રીકાંતે પુરુષ સિંગલ્સમાં બીજા રાઉન્ડમાં હોંગકોંગના વોંગ વિંગ વિન્સેટને 21-15, 21-14થી હરાવ્યો હતો. તેણે આ મેચ માત્ર 36 મિનિટમાં જીતી હતી. ક્વાર્ટર ફાઈનલમાં શ્રીકાંતની ટક્કર દ.કોરિયાના લી. ડોંગ કેઉન સાથે થશે. બિનક્રમાંકિત લી ડોંગે પ્રી ક્વાર્ટરમાં પોતાના જ દેશના ચોથા ક્રમાંકિત સોન વાન હો ને 21-13, 21-13થી હરાવ્યો હતો. લી ડોંગ કેઉનનું વર્લ્ડ રેન્કિંગ 13 છે.
બીજા રાઉન્ડથી આગળ ન વધી શક્યો પ્રણય
શ્રીકાંતના વિજયના થોડા સમય બાદ જ પુરુષ સિંગલ્સની જ એક મેચમાં એચ.એસ. પ્રણયને પરાજયનો સ્વાદ ચાખવો પડ્યો હતો. તેને ઈન્ડોનેશિયાના એન્થોની ગિટિંગે 14-21, 17-21થી હરાવ્યો હતો. વર્લ્ડ નંબર-13 પ્રણય અને વર્લ્ડ નંબર-10 ગિટિંગ વચ્ચેની મેચ 47 મિનિટ સુધી ચાલી હતી.
પી.વી. સિંધુનો નિરાશાજનક દેખાવ
આ અગાઉ મહિલા સિંગલ્સમાં ત્રીજી ક્રમાંકિત પી.વી. સિંધુ ચીનની વર્લ્ડ નંબર-14 ગાઓ ફાંગજી સામે સીધા સેટમાં હારી ગઈ હતી. ફાંગજીએ આ મેચ 21-18, 21-19થી જીતી હતી. ફાંગજી સામે 55 મિનિટ સુધી સંઘર્ષ કરવા છતાં સિંધુ મેચ જીતી શકી ન હતી. સિંધુ અને ફાંગજી વચ્ચેઆ બીજી ટક્કર હતી. આ અગાઉ ફાંગજીએ સિંધુને ગયા વર્ષે ચાઈના ઓપનમાં પણ હરાવી હતી.
મિક્સ્ડ ડબલ્સમાં ભારતીય જોડીનો પરાજય
પ્રણવ જેરી ચોપડા અને એન. સિક્કી રેડ્ડીની જોડી મિક્સ્ડ ડબલ્સના બીજા રાઉન્ડમાં હારી ગઈ છે. મલેશિયાની ચાન પેંગ સુન અને યિંગગોહ લિયુની જોડીએ પ્રણવ-રેડ્ડીની જોડીને 21-16, 21-16થી હરાવી હતી. પુરુષ ડબલ્સમાં પણ મનુ અત્રી અને સુમિત રેડ્ડીની જોડીને ચીનની હી જેતિંગ અને તાન કિયાંગની જોડીએ 21-18, 16-21, 21-12થી હરાવી હતી.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે