IPL 2019: ચેન્નઈને હરાવી મુંબઈનો રેકોર્ડ, ચોથી વખત બન્યું ચેમ્પિયન

આઈપીએલ-2019ના રોમાંચક ફાઇનલમાં ચેન્નઈ સુપર કિંગ્સને 1 રને પરાજય આપીને મુંબઈ ઈન્ડિયન્સે ચોથી વખત ટ્રોફી પર કબજો કર્યો છે. આ સાથે તે આઈપીએલની સૌથી સફળ ટીમ બની ગઈ છે. 
 

IPL 2019: ચેન્નઈને હરાવી મુંબઈનો રેકોર્ડ, ચોથી વખત બન્યું ચેમ્પિયન

હૈદરાબાદઃ મુંબઈ ઈન્ડિયન ઈન્ડિયન પ્રીમિયરની 12મી સિઝનમાં ચેમ્પિયન બની ગયું છે. રવિવારે હૈદરાબાદના રાજીવ ગાંધી સ્ટેડિયમ પર રમાયેલા ફાઇનલમાં તેણે ચેન્નઈ સુપરકિંગ્સને 1 રનથી હરાવ્યું છે. તેણે છેલ્લા સાત વર્ષમાં આ ચોથું ટાઇટલ જીત્યું છે. આ પહેલા તે 2013. 2015 અને 2017માં ચેમ્પિયન બની ચુક્યા છે. આ સાથે મુંબઈ આઈપીએલની સૌથી સફળ ટીમ બની ગઈ છે. ફાઇનલમાં શાનદાર પ્રદર્શન કરનાર જસપ્રીત બુમરાહને મેન ઓફ ધ મેચનો એવોર્ડ આપવામાં આવ્યો હતો. મુંબઈએ પ્રથમ બેટિંગ કરતા 20 ઓવરમાં 8 વિકેટ ગુમાવી 149 રન બનાવ્યા હતા. જેના જવાબમાં ચેન્નઈ 20 ઓવરમાં 7 વિકેટ ગુમાવી 148 રન બનાવી શકી હતી.

અંતિમ બોલ પર મલિંગાએ દેખાડ્યો કમાલ
જસપ્રીત બુમરાહ અને રાહુલ ચહરે કંજુશ બોલિંગ કર્યા બાદ લસિથ મલિંગાએ અંતિમ ઓવરના કમાલથી મુંબઈ ઈન્ડિયન્સે ચડાવ-ઉતાર ભરેલા રોમાંચક ફાઇનલમાં ચેન્નઈ સુપર કિંગ્સને 1 રનથી હરાવીનેચ ચોથી વખત આઈપીએલ ચેમ્પિયન બનાવવાનું ગૌરવ હાસિલ કર્યું હતું. 

ચેન્નઈની સામે 150 રનનો લક્ષ્ય હતો. પરંતુ તેની ટીમ શેન વોટસનના 59 બોલ પર 80 રન છતાં 7 વિકેટ પર 148 રન બનાવી શકી હતી. ચેન્નઈને અંતિમ ઓવરમાં જીતવા માટે 9 વિકેટની જરૂર હતી. જેમાં તેણે બે વિકેટ ગુમાવી હતી. 

મેચનું પરિણામ અંતિમ બોલ પર આવ્યું, જેમાં ચેન્નઈને 2 રનની જરૂર હતી, પરંતુ મલિંગાના યોર્કર પર શાર્દુલ ઠાકુરને LBW આઉટ કરી દીધો હતો. 

ચેન્નઈ તરફથી આઉટ થનારા બેટ્સમેન ડ્વેન બ્રાવો, મહેન્દ્ર સિંહ ધોની, અંબાતી રાયડૂ, સુરેશ રૈના અને ફાફ ડુ પ્લેસિસ રહ્યાં. ફાફે 13 બોલ પર 26 રન બનાવ્યા હતા. ક્રુણાલે તેને ડિ કોકના હાથે સ્ટમ્પ આઉટ કરાવ્યો હતો. રૈનાને રાહુલ ચહરે LBW આઉટ કર્યો હતો. તે 14 બોલમાં 8 રન બનાવી શક્યો હતો. તે સમયે ટીમનો સ્કોર 70 રન હતો. રૈના બાદ રાયડૂ ક્રીઝ પર આવ્યો પરંતુ તે માત્ર 4 રન બનાવી આઉટ થયો હતો. બુમરાહના બોલ પર ડિ કોકે કેચ ઝડપ્યો હતો. ધોની 8 બોલ પર 2 રન બનાવી રનઆઉટ થયો હતો. જ્યારે તે આઉટ થયો ત્યારે ચેન્નઈનો સ્કોર 82 રન હતો. 

ત્યારબાદ ડ્વેન બ્રાવો 15 બોલમાં 15 રન બનાવી બુમરાહનો શિકાર બન્યો હતો. અંતિમ ઓવરમાં ચેન્નઈને 9 રનની જરૂર હતી. આ ઓવરમાં શેન વોટસન (80) રન બનાવી રનઆઉટ થયો હતો. તેણે 59 બોલનો સામનો કરતા 8 ચોગ્ગા અને ચાર છગ્ગા ફટકાર્યા હતા. અંતિમ બોલ પર મલિંગાએ શાર્દુલ ઠાકુરને LBW આઉટ કરીને મુંબઈને વિજય અપાવ્યો હતો. 

મુંબઈ તરફથી બુમરાહે 2 તથા ક્રુણાલ પંડ્યા, મલિંગા અને રાહુલ ચહરે એક-એક વિકેટ ઝડપી હતી. 

ચેન્નઈ માટે દીપક ચહરે ઝડપી સૌથી વધુ 3 વિકેટ
આ પહેલા મુંબઈએ ટોસ જીતીને બેટિંગ પસંદ કરી હતી. તેણે 20 ઓવરમાં 8 વિકેટ પર 149 રન બનાવ્યા હતા. તેના તરફથી કીરોન પોલાર્ડે સૌથી વધુ અણનમ 71 રન ફટકાર્યા હતા. ચેન્નઈ તરફથી દીપક ચહરે સૌથી વધુ વિકેટ ઝડપી હતી. મુંબઈ તરફથી આઉટ થનારા બેટ્સમમેન મિશેલ મૈક્લેનઘન, રાહુલ ચહર, હાર્દિક પંડ્યા, ઈશાન કિશન, ક્રુણાલ પંડ્યા, સૂર્યકુમાર યાદવ, રોહિત શર્મા અને ડિ કોક રહ્યાં હતા. 

રોહિતે 14 બોલ પર 15, ડિ કોકે 17 બોલ પર 29 અને સૂર્યકુમારે 17 બોલ પર 15 રન બનાવ્યા હતા. ક્રુણાલ પંડ્યા માત્ર 7 રન બનાવી શક્યો હતો. હાર્દિક પંડ્યા 10 બોલમાં 16 રન બનાવી આઉટ થયો હતો. સુરેશ રૈનાએ 18મી ઓવરમાં તેનો કેચ છોડ્યો હતો. તે સમયે પંડ્યા 4 રન પર બેટિંગ કરી રહ્યો હતો. રાહુલ ચહર ખાતું ખોલાવ્યા વિના આઉટ થયો હતો. તે પોતાના ભાઈ દીપક ચહરના બોલ પર કેચ આઉટ થયો હતો. 

રોહિત-ડિ કોકનો કેચ ધોનીએ ઝડપ્યો
મુંબઈને 5મી ઓવરમાં પ્રથમ ઝટકો લાગ્યો હતો. શાર્દુલ ઠાકુરના બોલ પર કટ મારવાના પ્રયાસમાં ડિ કોક વિકેટકીપરના હાથે કેચ આઉટ થયો હતો. આગામી ઓવરના બીજા બોલ પર રોહિત શર્માને દીપક ચહરે પેવેલિયન પરત મોકલી આપ્યો હતો. આ કેચ પણ ધોનીએ કર્યો હતો. ત્યારે મુંબઈનો સ્કોર 45 રન હતો. આ બંન્ને આઉટ થતાં મુંબઈને રનરેટ પર પણ અસર પડી હતી. તેણે પ્રથમ 4 ઓવરમાં 37 રન બનાવ્યા હતા, જ્યારે આગામી 4 ઓવરમાં 16 રન બનાવી શકી હતી. 

ઇશાન કિશનને આઉટ કરીને પર્પલ કેપનો હકદાર બન્યો તાહિર
ક્વોલિફાયર-1માં ચેન્નઈ વિરુદ્ધ અડધી સદી ફટકારનાર સૂર્યકુમાર યાદવને ઇમરાન તાહિરે બોલ્ડ કર્યો હતો. ઇમરાને ત્યારબાદ ઇશાન કિશનને આઉટ કરીને પર્પલ કેપ પોતાના નામે કરી હતી. આ સિઝનમાં તાહિરે ઇશાન કિશનને ચોથી વખત આઉટ કર્યો હતો. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news