PAK vs AFG: પાકિસ્તાનની હારની હેટ્રિક, અફઘાનિસ્તાન સામે બાબર સેનાનો 8 વિકેટે કારમો પરાજય
World Cup 2023: આઈસીસી વિશ્વકપમાં અફઘાનિસ્તાને કમાલ કરી દીધો છે. ઈંગ્લેન્ડને હરાવ્યા બાદ અફઘાનિસ્તાને હવે ચેન્નઈમાં પાકિસ્તાનને ધૂળ ચટાવી છે. આ સાથે વનડે ક્રિકેટમાં અફઘાનિસ્તાને પ્રથમવાર પાકિસ્તાનને હરાવ્યું છે.
Trending Photos
ચેન્નઈઃ અફઘાનિસ્તાને શાનદાર પ્રદર્શન કરતા આઈસીસી વિશ્વકપ-2023માં પાકિસ્તાનને હરાવી ટૂર્નામેન્ટમાં બીજો અપસેટ સર્જી દીધો છે. ચેન્નઈના ચેપોકમાં અફઘાનિસ્તાને કમાલ કરી દીધો છે અને પાકિસ્તાનને વનડે ક્રિકેટમાં પ્રથમવાર હરાવ્યું છે. પ્રથમ બેટિંગ કરતા પાકિસ્તાને 50 ઓવરમાં 7 વિકેટે 282 રન ફટકાર્યા હતા. જેના જવાબમાં અફઘાનિસ્તાને 49 ઓવરમાં 2 વિકેટે 286 રન બનાવી જીત મેળવી હતી.
અફઘાનિસ્તાન સામે હારવાની સાથે પાકિસ્તાને ટૂર્નામેન્ટમાં સતત ત્રીજી હારનો સામનો કરવો પડ્યો છે. આ સાથે પાકિસ્તાનના સેમીફાઈનલમાં પહોંચવાના સપનાને મોટો ઝટકો લાગી શકે છે. પાકિસ્તાનની હવે ચાર મેચ બાકી છે અને તેણે મોટા અંતરથી આ ચારેય મેચ જીતવી પડશે. તો બીજીતરફ અફઘાનિસ્તાને આ ટૂર્નામેન્ટમાં પોતાની જીત મેળવી છે.
પ્રથમ વિકેટ માટે 130 રનની ભાગીદારી
પાકિસ્તાને આપેલા 283 રનના લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી અફઘાનિસ્તાન ટીમે આક્રમક શરૂઆત કરી હતી. રહમનુલ્લાહ ગુરબાઝ અને ઇબ્રાહિમ ઝાદરાને પ્રથમ 10 ઓવરમાં જ 60 રન ફટકારી દીધા હતા. બંને વચ્ચે પ્રથમ વિકેટ માટે 130 રનની ભાગીદારી થઈ હતી. ગુરબાઝ 53 બોલમાં 9 ચોગ્ગા અને 1 સિક્સ સાથે 65 રન બનાવી શાહીન આફ્રિદીનો શિકાર બન્યો હતો.
ઇબ્રાહિમ ઝાદરાન સદી ચુક્યો
અફઘાનિસ્તાનના ઓપનર ઇબ્રાહિમ ઝાદરાને રહમત સાથે બીજી વિકેટ માટે 60 રનની ભાગીદારી કરી હતી. ઇબ્રાહિમ ઝાદરાન 113 બોલમાં 10 ચોગ્ગા સાથે 87 રન બનાવી આઉટ થયો હતો. ઝાદરાન 13 રને સદી ચુક્યો હતો, પરંતુ તેણે શાનદાર બેટિંગ કરી અફઘાનિસ્તાનને મજબૂત સ્થિતિમાં પહોંચાડી દીધું હતું.
કેપ્ટન શાહિદી અને રહમત શાહે અપાવી જીત
રહમત શાહ અને કેપ્ટન શાહિદીએ ત્રીજી વિકેટ માટે 96 રનની અણનમ ભાગીદારી કરી ટીમને જીત અપાવી હતી. રહમત શાહે 84 બોલમાં પાંચ ચોગ્ગા અને બે સિક્સ સાથે અણનમ 77 રન ફટકાર્યા હતા. તો કેપ્ટન શાહિદીએ 45 બોલમાં અણનમ 48 રન બનાવ્યા હતા.
પાકિસ્તાને બનાવ્યા 282 રન
ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી પાકિસ્તાનની ટીમે 50 ઓવરમાં 7 વિકેટે 282 રન બનાવ્યા હતા. પાકિસ્તાન માટે સૌથી વધુ રન કેપ્ટન બાબર આઝમે બનાવ્યા હતા. બાબર આઝમે 92 બોલમાં 4 ચોગ્ગા અને એક સિક્સ સાથે 74 રન ફટકાર્યા હતા. આ સિવાય ઓપનર અબ્દુલ્લાહ શફીકે પચાસ રનનો આંકડો પાર કર્યો હતો. શફીક 75 બોલમાં પાંચ ચોગ્ગા અને બે સિક્સ સાથે 58 રન બનાવી આઉટ થયો હતો.
પાકિસ્તાનને મળી હતી સારી શરૂઆત
પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી પાકિસ્તાનને સારી શરૂઆત મળી હતી. ઓપનર અબ્દુલ્લાહ શફીક અને ઇમામ ઉલ હકે 10.1 ઓવરમાં 56 રન જોડ્યા હતા. ઇમામ ઉલ હક 22 બોલમાં 17 રન બનાવી આઉટ થયો હતો. તો વિશ્વકપમાં સતત સારૂ પ્રદર્શન કરી રહેલો મોહમ્મદ રિઝવાન માત્ર 8 રન બનાવી આઉટ થયો હતો. સાઉદ શકીલે 34 બોલમાં 25 રનનું યોગદાન આપ્યું હતું.
ઇફ્તિખાર અહદમ અને શાદાબ ખાને અંતિમ ઓવરોમાં આક્રમક બેટિંગ કરી હતી. ઇફ્તિખાર અહમદ અને શાદાબ ખાન વચ્ચે 73 રનની ભાગીદારી થઈ હતી. ઇફ્તિખારે 27 બોલમાં 2 ચોગ્ગા અને ચાર સિક્સની મદદથી 40 રન ફટકાર્યા હતા. તો શાદાબ ખાને 38 બોલમાં 40 રન બનાવ્યા હતા.
અફઘાનિસ્તાનની બોલિંગ
અફઘાનિસ્તાનની બોલિંગની વાત કરીએ તો નૂર અહમદે 10 ઓવરમાં 49 રન આપી ત્રણ બેટરોને આઉટ કર્યા હતા. નવીન ઉલ હકને બે વિકેટ મળી હતી. આ સિવાય મોહમ્મદ નબી અને અઝમતુલ્લાહ ઓમરઝઈને એક-એક સફળતા મળી હતી.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે