SL vs PAK: એશિયાનું કિંગ બન્યું શ્રીલંકા, ફાઇનલમાં પાકને 23 રને હરાવ્યું, છઠ્ઠીવાર જીતી ટ્રોફી

Asia Cup 2022 Final: શ્રીલંકાની યુવા ટીમે દમદાર પ્રદર્શન કરતા એશિયા કપ 2022ની ટ્રોફી કબજે કરી લીધી છે. દસુન શનાકાની આગેવાનીમાં પ્રથમ મેચ હાર્યા બાદ શ્રીલંકાએ દમદાર વાપસી કરી અને સતત પાંચમી મેચ જીતી છે. શ્રીલંકા છઠ્ઠીવાર એશિયા કપમાં ચેમ્પિયન બન્યું છે. 

SL vs PAK: એશિયાનું કિંગ બન્યું શ્રીલંકા, ફાઇનલમાં પાકને 23 રને હરાવ્યું, છઠ્ઠીવાર જીતી ટ્રોફી

દુબઈઃ ભાનુકા રાજપક્ષે (71 રન અણનમ) ની દમદાર બેટિંગ અને પ્રમોદ મધુશન (4 વિકેટ) ના શાનદાર પ્રદર્શનની મદદથી શ્રીલંકાએ અહીં રમાયેલી એશિયા કપ 2022ની ફાઇનલમાં પાકિસ્તાનને 23 રને પરાજય આપી ટ્રોફી કબજે કરી છે. ટૂર્નામેન્ટમાં અફઘાનિસ્તાન સામે પ્રથમ મેચમાં હાર બાદ શ્રીલંકાએ દમદાર વાપસી કરતા છઠ્ઠી વખત એશિયા કપનો ખિતાબ પોતાના નામે કર્યો છે. ટોસ હારીને પ્રથમ બેટિંગ કરતા શ્રીલંકાએ 20 ઓવરમાં 6 વિકેટે 170 રન બનાવ્યા હતા. જેના જવાબમાં પાકિસ્તાનની ટીમ 147 રન બનાવી ઓલઆઉટ થઈ ગઈ હતી. 

શ્રીલંકા છઠ્ઠીવાર એશિયા કપમાં ચેમ્પિયન
છેલ્લા ઘણા સમયથી શ્રીલંકાની ક્રિકેટ ટીમ સંકટમાં જોવા મળી રહી છે. શ્રીલંકા દેશમાં પણ સ્થિતિ ખરાબ છે. પરંતુ દસુન શનાકાની ટીમે દમદાર પ્રદર્શન કરી તેના દેશવાસીઓને એક ખુશીની તક આપી છે. શ્રીલંકાએ છઠ્ઠીવાર એશિયા કપ કબજે કર્યો છે. શ્રીલંકા 1986, 1997, 2004, 2008, 2014માં અને હવે 2022માં ચેમ્પિયન બન્યું છે. ભારતે સૌથી વધુ 7 વખત એશિયા કપ જીત્યો છે. 

બાબર આઝમ અને ફખર ઝમાન માટે એશિયા કપ ખરાબ
પાકિસ્તાનના કેપ્ટન અને સ્ટાર બેટર બાબર આઝમ માટે એશિયા કપ 2022 ખરાબ રહ્યો છે. બાબર સતત છ ઈનિંગમાં ફ્લોપ રહ્યો છે. શ્રીલંકા સામે મહત્વની ફાઇનલ મેચમાં પણ બાબર માત્ર 5 રન બનાવી આઉટ થયો હતો. તેને પ્રમોદ મધુશને પેવેલિયન પરત મોકલી આપ્યો હતો. તો ફખર ઝમાન પ્રથમ બોલ પર બોલ્ડ થયો હતો. આ બંને બેટરોનું ફોર્મ એશિયા કપમાં ખરાબ રહ્યું છે. 

22 રનમાં બે વિકેટ ગુમાવ્યા બાદ મોહમ્મદ રિઝવાન અને ઇફ્તિખાર અહમદે ત્રીજી વિકેટ માટે 69 રનની ભાગીદારી કરી હતી. પાકિસ્તાનને ત્રીજો ઝટકો 93 રનના સ્કોર પર લાગ્યો હતો. અફ્તિખાર 31 બોલમાં બે ફોર અને એક સિક્સ સાથે 32 રન બનાવી આઉટ થયો હતો. ત્યારબાદ મોહમ્મદ નવાઝ 9 બોલમાં 6 રન બનાવી કરૂણારત્નેનો શિકાર બન્યો હતો. 

મોહમ્મદ રિઝવાનની અડધી સદી
પાકિસ્તાન તરફથી મોહમ્મદ રિઝવાને 47 બોલમાં પોતાની અડધી સદી પૂરી કરી હતી. રિઝવાન 49 બોલમાં 55 રન બનાવી આઉટ થયો હતો. રિઝવાને પોતાની ઈનિંગમાં ચાર ફોર અને એક સિક્સ ફટકારી હતી. હસરંગાએ રિઝવાનને પેવેલિયન પરત મોકલી આપ્યો હતો. ત્યારબાદ મોહમ્મદ આસિફને શૂન્ય રન પર બોલ્ડ કરી હસરંગાએ પાકની જીતની આશા પર પાણી ફેરવી દીધું હતું. હસરંગાએ 17મી ઓવરમાં જ પોતાની ત્રીજી સફળતાના રૂપમાં ખુશદિલ શાહને આઉટ કર્યો હતો. 

શાદાબ ખાન 8 રન બનાવી મહેશ તીક્ષણાની ઓવરમાં કેચઆઉટ થયો હતો. નસીમ શાહ 4 રન બનાવી પ્રમોદ મધુશનનો શિકાર બન્યો હતો. 
શ્રીલંકા તરફથી પ્રમોદ મધુશન સૌથી સફળ બોલર રહ્યો હતો. તેણે 4 ઓવરમાં 34 રન આપી ચાર વિકેટ ઝડપી હતી. હસરંગાએ 4 ઓવરમાં 27 રન આપી ત્રણ સફળતા મેળવી હતી. તીક્ષણાએ પણ 4 ઓવરમાં 25 રન આપી એક બેટરને આઉટ કર્યો હતો. ચમિકા કરૂણારત્નેએ 33 રન આપી બે વિકેટ ઝડપી હતી. 

ભાનુકા રાજપક્ષેની આક્રમક ઈનિંગ
મીડલ ઓર્ડર બેટર ભાનુકા રાજપક્ષેએ આજે શ્રીલંકાની ઈનિંગને સંભાળી હતી. ભાનુકા રાજપક્ષેએ 45 બોલમાં અણનમ 71 રન ફટકાર્યા હતા. રાજપક્ષેએ પોતાની ઈનિંગમાં 6 ચોગ્ગા અને 3 છગ્ગા ફટકાર્યા હતા. તેણે પહેલા હસરંગા અને ત્યારબાદ કરૂણારત્ને સાથે મહત્વની ભાગીદારી કરી હતી. રાજપક્ષેની આક્રમક બેટિંગની મદદથી શ્રીલંકાએ અંતિમ 5 ઓવરમાં 50થી વધુ રન બનાવ્યા હતા. 

હસરંગા અને કરૂણારત્નેની ઉપયોગી ઈનિંગ
શ્રીલંકાની ટીમ એક સમયે સંકટમાં હતી. ટીમે માત્ર 58 રનમાં પોતાની પાંચ વિકેટ ગુમાવી દીધી હતી. પરંતુ ત્યારબાદ ભાનુકા રાજપક્ષે અને વનિંદુ હસરંગાએ ઈનિંગ સંભાળી હતી. બંનેએ છઠ્ઠી વિકેટ માટે 58 રનની ભાગીદારી કરી હતી. હસરંગાએ 21 બોલમાં 5 ચોગ્ગા અને એક છગ્ગા સાથે મહત્વપૂર્ણ 36 રનની ઈનિંગ રમી હતી. ત્યારબાદ રાજપક્ષે અને કરૂણારત્નેએ સાતમી વિકેટ માટે 54 રનની ભાગીદારી કરી હતી. કરૂણારત્ને 14 બોલમાં 14 રન બનાવી અણનમ રહ્યો હતો. 

પાવરપ્લેમાં શ્રીલંકાનો ધબડકો
ટોસ હારીને પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી શ્રીલંકાની શરૂઆત ખરાબ રહી હતી. પ્રથમ ઓવરમાં નસીમ શાહે કુસલ મેન્ડિસ (0) ને બોલ્ડ કરી પાકિસ્તાનને પ્રથમ સફળતા અપાવી હતી. ત્યારબાદ પ્રમુથ નિસંકા (8) હારિસ રઉફનો શિકાર બન્યો હતો. પાકિસ્તાને શ્રીલંકાને 36 રન પર ત્રીજો ઝટકો આપ્યો હતો. ગુણાથિલકા માત્ર 1 રન બનાવી રઉફની ઓવરમાં બોલ્ડ થયો હતો. શ્રીલંકાએ પાવરપ્લેમાં 3 વિકેટે 42 રન બનાવ્યા હતા. 

ધનંજય ડિ સિલ્વા અને શનાકા પણ ફેલ
શ્રીલંકાનો સ્કોર માંડ 53 રન હતો ત્યારે ધનંજય ડિ સિલ્વા માત્ર 28 રન બનાવી ઇફ્તિખાર અહમદનો શિકાર બન્યો હતો. તો કેપ્ટન દસુન શનાકાને 2 રન પર બોલ્ડ કરી શાદાબ ખાને શ્રીલંકાને પાંચમો ઝટકો આપ્યો હતો. શ્રીલંકાએ 9મી ઓવરમાં 58 રનના સ્કોર પર 5 વિકેટ ગુમાવી દીધી હતી. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news