T20: વેસ્ટઈન્ડિઝને હરાવી ભારતની ક્લીન સ્વીપ, ધવન-પંત છવાયા
ભારતીય ઓપનર શિખર ધવને શાનદાર બેટિંગ કરતા 62 બોલમાં 92 રન ફટકાર્યા હતા.
Trending Photos
ચેન્નઈઃ ટીમ ઈન્ડિયાએ ચેન્નઈમાં રમાયેલી ત્રીજી ટી-20 મેચમાં વેસ્ટ ઈન્ડિઝને 6 વિકેટ હરાવીને યજમાન ટીમને 3 મેચોની શ્રેણીમાં 3-0થી ક્લીન સ્વીપ કરી છે. આ મેચમાં ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતા વેસ્ટ ઈન્ડિઝની ટીમે 20 ઓવરમાં 3 વિકેટ ગુમાવીને 181 રન બનાવ્યા હતા. ભારતે અંતિમ બોલ પર વિજય મેળવ્યો હતો. શિખર ધવને 62 બોલમાં 92 રન ફટકાર્યા હતા. જેમાં 2 સિક્સ અને 10 ચોગ્ચા સામેલ છે. આ ઉપરાંત યુવા બેટ્સમેન રિષભ પંતે 38 બોલમાં 58 રન બનાવ્યા હતા.
મોટા લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી યજમાન ટીમને પ્રથમ ઝટકો 13 રનના ટીમ સ્કોર પર કેપ્ટન રોહિત શર્મા (4)ના રૂપમાં લાગ્યો હતો. તેનો કીમો પોલના બોલ પર કાર્લોસ બ્રેથવેટે કેચ કર્યો હતો. રોહિતે 6 બોલમાં એક બાઉન્ડ્રી ફટકારી હતી. ત્યારબાદ શિખર ધવને લોકેશ રાહુલ (17)ની સાથે બીજી વિકેટ માટે 32 રન જોડ્યા હતા. રાહુલ વિકેટકીપરના હાથે કેચઆઉટ થયો હતો. તેની વિકેટ થોમસે ઝડપી હતી. તેણે 10 બોલમાં ચાર બાઉન્ડ્રી ફટકારી હતી.
ત્યારબાદ રિષભ પંત મેદાનમાં આવ્યો હતો. તેણે અને શિખર ધવને ત્રીજી વિકેટ માટે 130 રનની ભાગીદારી કરી હતી. આ દરમિયાન શિખર ધવન અને પંત બંન્નેએ પોતાની અડધી સદી પૂરી કરી હતી. રિભષ પંતની ટી-20 આંતરરાષ્ટ્રીયમાં આ પ્રથમ અડધી સદી છે. ટીમ જીતની નજીક પહોંચી ત્યારે રિષભ પંત 38 બોલમાં 58 રન બનાવી આઉટ થયો હતો. તેણે 5 ચોગ્ગા અને 3 છગ્ગા ફટકાર્યા હતા.
વેસ્ટ ઈન્ડિઝે ભારતને આપ્યો 182 રનનો લક્ષ્ય
ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતા વેસ્ટ ઈન્ડિઝની ટીમે 20 ઓવરમાં 3 વિકેટ ગુમાવીને 181 રન બનાવ્યા અને ભારતને જીતવા માટે 182 રનનો લક્ષ્ય આપ્યો હતો. યજમાન ટીમ માટે નિકોલસ પૂરને સૌથી વધુ 53 રન બનાવ્યા જ્યારે ડેરેન બ્રાવોએ 43 રનનું યોગદાન આપ્યું હતું.
નિકોલસ પૂરન (અણનમ 53)ની વિસ્ફોટક અડધીસદીની મદદથી વેસ્ટ ઈન્ડિઝે ભારતની સામે આ લક્ષ્ય રાખ્યો હતો. પૂરને 25 બોલ પર સર્વાધિક 53 અને ડેરેન બ્રાવોએ અણનમ 43 રનનું યોગદાન આપ્યું હતું. બંન્ને બેટ્સમેનોએ ચોથી વિકેટ માટે 87 રનની ભાગીદારી કરી હતી. ભારત તરફથી યુજવેન્દ્ર ચહલે બે અને વોશિંગટન સુંદરે એક વિકેટ તેના નામે કરી હતી.
વેસ્ટ ઈન્ડિઝને પ્રથમ ઝટકો સાતમી ઓવરમાં લાગ્યો હતો. યુજવેન્દ્ર સહલે શાઈ હોપને વોશિંગટન સુંદરના હાથે કેચઆઉટ કરાવ્યો હતો. હોપ 24 રન બનાવી આઉટ થયો હતો. 9મી ઓવરમાં ચહલે શિમરોન હેટમેયરને ક્રુણાલ પંડ્યાના હાથે કેચઆઉટ કરાવીને યજમાન ટીમને બીજો ઝટકો આપ્યો હતો.
હેટમેયર 21 બોલમાં 26 રન બનાવી આઉટ થયો હતો. તેની ઈનિંગમાં ચાર ફોર અને એક સિક્સ સામેલ હતી. વેસ્ટ ઈન્ડિઝની ત્રીજી વિકેટ 94 રનના સ્કોરે પડી હતી. દિનેશ રામદીનને વોશિંગટન સુંદરે બોલ્ડ કર્યો હતો.
ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે ત્રણ મેચોની ટી20 શ્રેણીનો અંતિમ મેચ ચેન્નઈમાં રમાઈ રહ્યો છે. વિન્ડિઝ ટીમે ટોસ જીતીને પ્રથમ બેટીંગ કરવાનો નિર્ણય લીધો છે. ટીમ ઈન્ડિયામાં જસપ્રીત બુમરાહ અને કુલદીપ યાદવના સ્થાને વોશિંગટન સુંદર અને યુજવેન્દ્ર ચહલને સામેલ કરવામાં આવ્યા છે.
શ્રેણીમાં 2-0થી આગળ ભારતીય ટીમનો ઈરાદો વિશ્વ ચેમ્પિયન વેસ્ટ ઈન્ડિઝ વિરુદ્ધ 3-0થી ક્લીન સ્વીપ કરવાનો છે, પરંતુ આ કામ પડકારજનક છે. તો કાર્લોસ બ્રેથવેટ આ મેચમાં સન્માનજનક વિદાય ઈચ્છી રહ્યો છે.
વિન્ડિઝ ટીમના કેપ્ટન કાર્લોસ બ્રેથવેટે સ્વીકાર કર્યો કે, તેણે ઉપલબ્ધ ખેલાડીઓની સાથે શ્રેણીનો અંત સાંત્વના ભરી જીતની સાથે કરવો પડશે. કાયરન પોલાર્ડ, ડેરેન બ્રાવો અને દિનેશ રામદીન જેવા અનુભવી ખેલાડીઓ નિષ્ફળ રહ્યાં જ્યારે ઉપરના ક્રમે તક મળ્યા બાદ શિમરોન હેટમેયર પણ આશા પ્રમાણે પ્રદર્શન કરી શક્યો નથી.
ભારતીય ટીમઃ રોહિત શર્મા, શિખર ધવન, રાહુલ, મનીશ પાંડે, દિનેશ કાર્તિક, રિષભ પંત, ક્રુણાલ પંડ્યા, ચહલ, વોશિંગટન સુંદર, ખલીલ અહમદ.
વેસ્ટ ઈન્ડિઝઃ કાર્લોસ બ્રેથવેટ, ફાબિયાન એલન, ડારેન બ્રાવો, શિમરોન હેટમેયર, કીમો પોલ, ખૈરી પિએરે, કેરન પોલાર્ડ, નિકોલસ પૂર્ણ, દિનેશ રામદીન, શાઈ હોપ, ઓશાને થોમસ.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે