વિશ્વકપ 2019 બાદ વનડે ક્રિકેટમાંથી નિવૃતી લેશે ક્રિસ ગેલ

વેસ્ટ ઈન્ડિઝ ક્રિકેટે રવિવારે ટ્વીટ કરીને આ વાતની જાણકારી આપી હતી. 

વિશ્વકપ 2019 બાદ વનડે ક્રિકેટમાંથી નિવૃતી લેશે ક્રિસ ગેલ

નવી દિલ્હીઃ વેસ્ટઈન્ડિઝનો તોફાની બેટ્સમેન ક્રિસ ગેલ વિશ્વકપ બાદ આંતરરાષ્ટ્રીય વનડે ક્રિકેટમાંથી નિવૃતી લેશે. વેસ્ટઈન્ડિઝ ક્રિકેટે ટ્વીટ કરીને આ જાણકારી આપી છે. વિશ્વકપ મેથી જુલાઈ વચ્ચે ઈંગ્લેન્ડ અને વેલ્સમાં રમાશે. 1999માં પર્દાપણ કરનાર ગેલ વેસ્ટઈન્ડિઝ તરફથી સૌથી વધુ સદી ફટકારનાર બેટ્સમેન છે. તે બ્રાયન લારા બાદ સૌથી વધુ રન બનાવનાર બીજો વેસ્ટઈન્ડિઝ બેટ્સમેન છે. 

ગેલ 10 હજારના આંકડાથી 273 રન દૂર
ગેલે અત્યાર સુધી 284 વનડે મેચમાં 9727 રન બનાવ્યા છે, જેમાં 23 સદી અને 49 અડધી સદી સામેલ છે. બ્રાયન લારાના નામે વનડેમાં 10,405 રન નોંધાયેલા છે. 39 વર્ષના ગેલે 2015ના વિશ્વકપમાં ઝિમ્બાબ્વે વિરુદ્ધ 215 રન ફટકાર્યા હતા. આ વનડેમાં વેસ્ટઈન્ડિઝના કોઈપણ બેટ્સમેનનો સર્વોચ્ચ સ્કોર છે. ગેલને ઈંગ્લેન્ડ વિરુદ્ધ શરૂ થનારી વનડે સિરીઝના પ્રથમ બે મેચો માટે ટીમમાં સ્થાન મળ્યું છે. 

— Windies Cricket (@windiescricket) February 17, 2019

વનડેમાં ગેલના નામે 165 વિકેટ
ગેલ બોલિંગ અને ફીલ્ડિંગથી પણ મહત્વનું યોગદાન આપે છે. ગેલે અત્યાર સુધી 165 વિકેટ ઝડપી છે. તેણે ત્રણવાર ચાર અને એકવાર પાંચ વિકેટ પણ પોતાના નામે કરી છે. 46 રન આપીને 5 વિકેટ તેનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન છે. ફીલ્ડિંગમાં પણ ગેલે 120 કેચ ઝડપ્યા છે. તે દેશ માટે સર્વાધિક કેચ ઝડપનાર કાર્લ હૂપર અને બ્રાયન લારાની સાથે સંયુક્ત રૂપે પ્રથમ સ્થાને છે. 

આઈપીએલમાં સર્વાધિક રન બનાવનાર બીજો વિદેશી
ગેલ ઈન્ડિયન પ્રીમિયર લીગમાં કિંગ્સ ઇલેવન પંજાબ તરફથી રમે છે. ગેલ આ ટૂર્નામેન્ટની 11માંથી 10 સિઝનમાં રમ્યો છે. પ્રથમ સિઝન (2008)માં તે કોઈપણ ટીમમાં નહતો. 10 સિઝનમાં તેણે 112 મેચમાં 3994 રન બનાવ્યા છે. ગેલ આઈપીએલમાં સર્વાધિક રન બનાવનાર બીજો વિદેશી છે. તેનાથી વધુ ઓસ્ટ્રેલિયાના ડેવિડ વોર્નર (4014) રન બનાવ્યા છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news