World Cup 2019: બાંગ્લાદેશે વિન્ડીઝને પ્રથમવાર હરાવ્યું, 7 વિકેટથી જીત્યું, આ વિશ્વકપનો સૌથી મોટો રનચેઝ

બાંગ્લાદેશે શાનદાર પ્રદર્શન કરતા વેસ્ટ ઈન્ડિઝને 7 વિકેટે પરાજય આપ્યો છે. 322 રનનો લક્ષ્ય માત્ર 41.3 ઓવરમાં હાસિલ કરી લીધો હતો. 
 

World Cup 2019: બાંગ્લાદેશે વિન્ડીઝને પ્રથમવાર હરાવ્યું, 7 વિકેટથી જીત્યું, આ વિશ્વકપનો સૌથી મોટો રનચેઝ

ટોનટનઃ શાકિબ અલ હસન (124*)ની શાનદાર સદી અને લિટન દાસ (94*)ની ઈનિંગ્સની મદદથી બાંગ્લાદેશે અહીં રમાયેલી આઈસીસી વિશ્વકપ 2019ની 23મી મેચમાં રેકોર્ડ રન ચેઝ કરીને વેસ્ટ ઈન્ડિઝને 7 વિકેટે પરાજય આપ્યો છે. આ વિશ્વકપમાં આ અત્યાર સુધીનો સૌથી મોટો સફળ રનચેઝ છે. વેસ્ટ ઈન્ડિઝે પ્રથમ બેટિંગ કરતા 50 ઓવરમાં 8 વિકેટે 321 રન બનાવ્યા હતા. જેના જવાબમાં બાંગ્લાદેશની ટીમે માત્ર 41.3 ઓવરમાં 3 વિકેટ ગુમાવી 322 રન બનાવી મેચ પોતાના નામે કરી લીધી હતી. આ સાથે બાંગ્લાદેશે વિશ્વકપના ઈતિહાસમાં પ્રથમ વખત વેસ્ટ ઈન્ડિઝને પરાજય આપ્યો છે. 

શાકિબ-લિટન દાસ વચ્ચે વિજયી ભાગીદારી
બાંગ્લાદેશે 133 રન પર ત્રીજી વિકેટ ગુમાવી હતી. ત્યારબાદ શાકિબ અલ હસન અને લિટન દાસે ચોથી વિકેટ માટે માત્ર 135 બોલમાં 189 રનની અણનમ ભાગીદારી કરી હતી. શાકિબ અલ હસન 99 બોલમાં 16 ચોગ્ગા સાથે 124 રન બનાવી અણનમ રહ્યો હતો. લિટન દાસે 69 બોલમાં 8 ચોગ્ગા અને 4 છગ્ગાની મદદથી અણનમ 94 રન ફટકાર્યા હતા. 

શાકિબની વિશ્વકપમાં બીજી સદી, વનડેમાં પૂરા કર્યાં 6000 રન
બાંગ્લાદેશના સ્ટાર ખેલાડી શાકિબ અલ હસનનું વિશ્વકપમાં શાનદાર પ્રદર્શન ચાલું છે. તેણે આ વિશ્વકપમાં પોતાની સતત બીજી સદી ફટકારી હતી. આ તેના વનડે કરિયરની 9મી સદી છે. શાકિબે માત્ર 83 બોલમાં પોતાની સદી પૂરી કરી હતી. આ સાથે તેણે પોતાના વનડે કરિયરમાં 6000 રન પૂરા કરવાની સિદ્ધિ મેળવી હતી. 

આ જીત સાથે બાંગ્લાદેશની ટીમ પાંચ પોઈન્ટ સાથે પોઈન્ટ ટેબલમાં પાંચમાં સ્થાને પહોંચી ગઈ છે. પાંચ મેચોમાં બાંગ્લાદેશને બે જીત અને બે હાર મળી છે. તેની એક મેચ વરસાદને કારણે રદ્દ થઈ હતી. તો વેસ્ટ ઈન્ડિઝનો ટૂર્નામેન્ટમાં આ ત્રીજો પરાજય છે. તેના પાંચ મેચોમાં ત્રણ પોઈન્ટ છે. 

તમિમ-સરકારે બાંગ્લાદેશને અપાવી શાનદાર શરૂઆત
વેસ્ટ ઈન્ડિઝે આપેલા પહાડી લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી બાંગ્લાદેશની ટીમને ઓપનર તમીમ ઇકબાલ અને સૌમ્ય સરકારે સારી શરૂઆત અપાવી હતી. બંન્નેએ પ્રથમ વિકેટ માટે 8.2 ઓવરમાં 52 રન જોડ્યા હતા. ટીમે સૌમ્ય સરકાર (29)ના રૂપમાં પ્રથમ વિકેટ ગુમાવી હતી. તેને આંદ્રે રસેલે આઉટ કર્યો હતો. સરકારે 23 બોલમાં 2 ચોગ્ગા અને બે છગ્ગા ફટકાર્યા હતા. ત્યારબાદ તમીમે શાકિબ સાથે બીજી વિકેટ માટે 69 રનની ભાગીદારી કરી હતી. તમીમ ઇકબાલ 53 બોલમાં 48 રન બનાવી રનઆઉટ થયો હતો. મુશફિકુર રહીમ 1 રન બનાવી આઉટ થયો હતો. 

મુસ્તફિઝુર-સૈફુદ્દીને ઝડપી 3-3 વિકેટ
બાંગ્લાદેશે આ મેચમાં ટોસ જીતીને પ્રથમ ફીલ્ડિંગનો નિર્ણય કર્યો હતો. વેસ્ટ ઈન્ડિઝે 50 ઓવરમાં 8 વિકેટ પર 321 રન બનાવ્યા હતા. તેના માટે સૌથી વધુ રન શાઈ હોપે બનાવ્યા હતા. તેણે 121 બોલ પર 96 રન ફટકાર્યા હતા. આ સિવાય ઇવિન લેવિસે 70 અને શિમરોન હેટમાયરે 50 રન બનાવ્યા હતા. બાંગ્લાદેશ માટે મુસ્તફિઝુર રહમાન અને મોહમ્મદ-સૈફુદ્દીને 3-3 વિકેટ ઝડપી હતી. 

હેટમાયરે 25 બોલમાં ફટકારી અડધી સદી 
હેટમાયરે 25 બોલમાં અડધી સદી ફટકારી હતી. તે મુસ્તફિઝુરના બોલ પર આઉટ થયો હતો. હેટમાયરે પોતાની ઈનિંગમાં ચાર ચોગ્ગા અને ત્રણ છગ્ગા ફટકાર્યા હતા. તેણે હોપની સાથે ચોથી વિકેટ માટે 83 રનની ભાગીદારી કરી હતી. આ પહેલા ઇવિન લેવિસ 70 રન બનાવીને આઉટ થયો હતો. શાકિબના બોલ પર રહમાને તેનો કેચ ઝડપ્યો હતો. લેવિસે હોપની સાથે બીજી વિકેટ માટે 116 રનની ભાગીદારી કરી હતી. નિકોલન પૂરન 30 બોલમાં 25 રન બનાવીને શાકિબના બોલ પર આઉટ થયો હતો. કેપ્ટન જેસન હોલ્ડર 15 બોલમાં 33 અને ડેરેન બ્રાવો 15 બોલમાં 19 રન બનાવી આઉટ થયા હતા. 

શૂન્ય પર આઉટ થયા ગેલ અને રસેલ
ઓપનિંગ બેટ્સમેન ક્રિસ ગેલ ત્રીજી ઓવરમાં ખાતું ખોલાવ્યા વિના આઉટ થયો હતો. તેણે સૈફુદ્દીને વિકેટકીપર મુશફિકુરના હાથથી કેચ કરાવ્યો હતો. આંદ્રે રસેલ શૂન્ય પર મુસ્તફિઝુરના બોલ પર આઉટ થયો હતો. 
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news