World cup 2019: આજથી ક્રિકેટના મહાકુંભનો પ્રારંભ, આફ્રિકા અને ઈંગ્લેન્ડ ઉદ્ઘાટન મેચમાં ટકરાશે
વિશ્વકપ-2019માં ટાઇટલ જીતવાની પ્રબળ દાવેદાર યજમાન ઈંગ્લેન્ડની ટીમ વિશ્વકપમાં પોતાનો પ્રારંભ સાઉથ આફ્રિકા સામે રમીને કરશે. આ મેચ ભારતીય સમયાનુસાર બપોરે 3 કલાકે શરૂ થશે.
Trending Photos
લંડનઃ છેલ્લા ઘણા દિવસથી ક્રિકેટ પ્રેમીઓ જેની રાહ જોઈ રહ્યાં હતા તે આઈસીસી ક્રિકેટ વિશ્વ કપ 2019નો આજથી પ્રારંભ થઈ રહ્યો છે. કેનિંગટોન ઓવલના મેદાન પર આજે યજમાન ઈંગ્લેન્ડ અને સાઉથ આફ્રિકા વચ્ચે ટક્કર થશે. આ સાથે વિશ્વકપની 12મી સિઝનનો પ્રારંભ થઈ જશે. યજમાન ઈંગ્લેન્ડ આ વિશ્વકપમાં પ્રબળ દાવેદારના રૂપમાં મેદાનમાં ઉતરી રહ્યું છે. તો સાઉથ આફ્રિકાની ટીમ પ્રથમ મેચમાં વિજયી પ્રારંભ કરીને ચોકર્ચનો ટેગ દૂર કરવા માટે મેદાનમાં ઉતરશે.
ડેલ સ્ટેન બહાર
વિશ્વકપના પ્રથમ મેચ પહેલા સાઉથ આફ્રિકાને મોટો ઝટકો લાગ્યો છે. તેનો સ્ટાર બોલર ડેલ સ્ટેન ઈજાને કારણે પ્રથમ મેચમાં રમશે નહીં.
ઈંગ્લેન્ડની બેટિંગ મજબૂત
ઈંગ્લેન્ડની ટીમ આઈસીસી વનડે રેન્કિંગમાં પ્રથમ સ્થાને છે. તેની બેટિંગ ખુબ મજબૂત લાગી રહી છે. ઈંગ્લેન્ડ પાસે જોની બેયરસ્ટો અને જેસન રોયના રૂપમાં શાનદાર ઓપનિંગ જોડી છે. તો જો રૂટની પાસે મોટી ઈનિંગ રમવાની ક્ષમતા છે. ચાર નંબર પર કેપ્ટન ઇયોન મોર્ગન જરૂરીયાત પ્રમાણે આક્રમક બેટિંગ કરી શકે છે. તો જોસ બટલર છેલ્લા ઘણા સમયથી લયમાં છે અને તે મેચનું પરિણામ બદલી દેવામાં માહેર છે. બેન સ્ટોક્સ અને મોઇન અલી ફિનિશરની ભૂમિકામાં જોવા મળશે.
રબાડા પર આફ્રિકાનો આધાર
કગિસો રબાડા શાનદાર ફોર્મમાં છે. પ્રથમ મેચમાં ડેલ સ્ટેનની ગેજરાજરીમાં રબાડા પર મોટી જવાબદારી હશે. તે આફ્રિકાના બોલિંગ આક્રમણની આગેવાની કરશે. તેની સાથે લુંગિ એન્ગિડી અને ઇમરાન તાહિર હશે. તાહિરનો આ અંતિમ વિશ્વકપ છે અને તે આ વિશ્વકપનો સૌથી મોટી ઉંમરનો ખેલાડી પણ છે.
તો સાઉથ આફ્રિકાના બેટિંગની જવાબદારી ઓપનર હાશિમ અમલા, ડિ કોક અને કેપ્ટન ફાફ ડુ પ્લેસિસના માથે હશે. આ સિવાય અનુભવી ડેવિડ મિલર અને જેપી ડ્યુમિની મીડલ ઓર્ડરમાં પોતાની ભૂમિકા ભજવવા માટે તૈયાર છે.
ક્યાં અને ક્યારે શરૂ થશે મેચ
આ મેચ ભારતીય સમયાનુસાર બપોરે 3 કલાકે શરૂ થશે. ટોસ બપોરે 2.30 કલાકે થશે. સ્ટાર સ્પોર્ટ્સ અને હોટસ્ટાર પર મેચનું લાઇવ પ્રસારણ જોઈ શકાશે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે