Vinesh Phogat ને WFI એ સસ્પેન્ડ કરી, સ્ટાર રેસલર પર લાગ્યા આ ગંભીર આરોપ

ભારતની સ્ટાર રેસલર વિનેશ ફોગાટને ભારતીય કુશ્તી મહાસંઘે સસ્પેન્ડ કરી છે.

Vinesh Phogat ને WFI એ સસ્પેન્ડ કરી, સ્ટાર રેસલર પર લાગ્યા આ ગંભીર આરોપ

નવી દિલ્હી: ભારતની સ્ટાર રેસલર વિનેશ ફોગાટને ભારતીય કુશ્તી મહાસંઘે સસ્પેન્ડ કરી છે. ભારતીય કુશ્તી મહાસંઘે આજે કહ્યું કે ટોક્યો ઓલિમ્પિક ખેલોમાં અભિયાન દરમિયાન અનુશાસનહીનતા બદલ સ્ટાર પહેલવાન વિનેશ ફોગાટને 'અસ્થાયી રીતે સસ્પેન્ડ' કરવામાં આવી છે અને સાથે સાથે દુર્વ્યવહાર બદલ યુવા સોનમ મલિકને નોટિસ ફટકારવામાં આવી છે. 

વિનેશ ફોગાટ સસ્પેન્ડ
એવું જાણવા મળ્યું છે કે ટોક્યો ઓલિમ્પિકની ક્વાર્ટર ફાઈનલમાં હારીને બહાર થયેલી વિનેશ ફોગાટને નોટિસનો જવાબ આપવા માટે 16 ઓગસ્ટ સુધીનો સમય આપવામાં આવ્યો છે. જેમાં અનુશાસનહીનતાના 3 આરોપ લગાવવામાં આવ્યા છે. 

વાત જાણે એમ છે કે કોચ વોલેર એકોસ સાથે હંગરીમાં ટ્રેનિંગ કરી રહેલી વિેનેશ ફોગાટ ત્યાંથી સીધી ટોક્યો પહોંચી હતી જ્યાં તેણે ઓલિમ્પિક વિલેજમાં રહેવા અને ભારતીય ટીમના અન્ય સભ્યો સાથે ટ્રેનિંગ કરવાની ના પાડી દીધી હતી. આ સાથે જ તેણે ભારતીય દળના અધિકૃત પ્રાયોજક શિવ નરેશનો પોષાક પહેરવાનો ઈન્કાર કરતા પોતાની મેચો દરમિયાન નાઈકીનો પોષાક પહેર્યો. 

ઓલિમ્પિકમાં વિનેશની અનુશાસનહીનતા
WFI સૂત્રએ પીટીઆઈને જણાવ્યું કે આ અનુશાસનહીનતા છે. તેને અસ્થાયી રીતે સસ્પેન્ડ કરાઈ છે અને કુશ્તી સંલગ્ન તમામ ગતિવિધિઓથી પ્રતિબંધિત કરાઈ છે. જવાબ ન આપે ત્યાં સુધી કોઈ પણ રાષ્ટ્રીય કે અન્ય ઘરેલુ સ્પર્ધાઓમાં તે ભાગ લઈ શકશે નહીં અને WFI અંતિમ નિર્ણય કરશે.

સૂત્રએ કહ્યું કે WFI ને IOA એ ફટકાર લગાવી છે કે તેઓ પોતાના ખેલાડીઓને કંટ્રોલ કરી શકતા નથી. ટોક્યોમાં રહેલા અધિકારીઓએ પીટીઆઈને જણાવ્યું કે વિનેશને જ્યારે ભારતીય ટીમની તેની અન્ય સાથી ખેલાડીઓ સોનમ, અંશુ મલિક અને સીમી બિસ્લા નજીક રૂમ આપવામાં આવ્યો તો તેણે હોબાળો મચાવી દીધો અને કહ્યું કે તે કોરોના વાયરસથી સંક્રમિત થઈ શકે છે  કારણ કે આ પહેલવાન ભારતથી ટોક્યો આવ્યા છે. 

અધિકારીએ કહ્યું કે તેણે કોઈ ભારતીય પહેલવાન સાથે ટ્રેનિંગ કરી નથી. એવું લાગ્યું કે તે હંગરીની ટીમ સાથે આવી છે અને ભારતીય દળ સાથે તેને કોઈ લેવાદેવા નથી. એક દિવસ તેની ટ્રેનિંગનો સમય ભારતીય છોકરીઓ સાથે ટકરાઈ રહ્યો હતો તો તેણે તેમની સાથે એક જ જગ્યાએ ટ્રનિંગ ન લેવાનો નિર્ણય લીધો. 

સીનિયર ખેલાડીઓનો દુર્વ્યવહાર સ્વીકાર્ય નથી!
અધિકારીએ કહ્યું કે આ સ્વીકાર્ય નથી. સીનિયર પહેલવાનો પાસેથી આ પ્રકારના વર્તનની અપેક્ષા ન હોય. વિનેશ ટોક્યો ઓલિમ્પિકમાં ગોલ્ડ મેડલ માટે પ્રબળ દાવેદાર ગણાતી હતી પરંતુ બેલારૂસની વેનેસાએ તેને પટકી દીધી. આ બાજુ 19 વર્ષને સોનમને દુર્વ્યવ્હાર માટે નોટિસ ફટકારવામાં આવી છે. 

અધિકારીએ કહ્યું કે આ બાળકોને એવું લાગે છે કે તેઓ સ્ટાર પહેલવાન બની ગયા છે અને કઈ પણ કરી શકે છે. ટોક્યો રવાના થતા પહેલા સોનમ કે તેના પરિવારે WFI કાર્યાલયથી પાસપોર્ટ લેવાનો હતો. પરંતુ તેણે સાઈ અધિકારીઓને તેના માટે પાસપોર્ટ લાવવાનો આદેશ આપ્યો. આ સ્વીકાર્ય નથી. તેમણે કઈ પણ મેળવ્યું નથી અને તેઓ જે કરી રહ્યા છે તે સ્વીકાર્ય નથી. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news