કેનેડા-ઓસ્ટ્રેલિયામાં ભણતા ગુજરાતી વિદ્યાર્થીઓ માટે આઘાતજનક સમાચાર! ભારે પડી જશે આ બદલાયેલા નિયમ

જો તમે પણ હવે ઓસ્ટ્રેલિયા કે કેનેડા ભણવા જવાનું વિચારતા હોવ કે ત્યાં ભણતા હોવ તો આ સમાચાર તમને આઘાત આપશે. કારણ કે સરકારે નિયમોમાં જે ફેરફાર કર્યો છે તેના કારણે તમારા ખિસ્સા પર અસર પડશે. જાણો વિગતો. 

કેનેડા-ઓસ્ટ્રેલિયામાં ભણતા ગુજરાતી વિદ્યાર્થીઓ માટે આઘાતજનક સમાચાર! ભારે પડી જશે આ બદલાયેલા નિયમ

ભારતીયોને જે દેશોમાં સૌથી વધુ જવું ગમે છે તેમાં સામેલ છે કેનેડા અને ઓસ્ટ્રેલિયા. પરંતુ હવે આ બંને દેશોએ કઈક એવું કર્યું છે કે જેના કારણે ભારતીયોને મોટો ફટકો પડવા જઈ રહ્યો છે. વાત જાણે એમ છે કે કેનેડા સરકાર ભારત સહિત અન્ય દેશોથી આવતા વિદેશી વિદ્યાર્થીઓ માટે એક નવો નિયમ લાવી જે સપ્ટેમ્બર મહિનાથી થઈ રહ્યો છે. આ ઉપરાંત ઓસ્ટ્રેલિયામાં પણ કઈક આવી જ સ્થિતિ જોવા મળી છે. 

કેનેડાની સરકારનો નવો નિયમ
કેનેડાની સરકાર જે નવો નિયમ લાવી છે તે નિયમ હેઠળ હવે આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ અઠવાડિયામાં ફક્ત 24 કલાક જ કોલેજ કેમ્પસથી બહાર જઈને કામ કરી શકશે. આ નિયમ સપ્ટેમ્બર મહિનાથી લાગૂ થઈ રહ્યો છે. એટલે કે હવે કેનેડામાં ભણતા વિદેશી વિદ્યાર્થીઓ નવા નિયમ મુજબ ઓફ કેમ્પસ વર્ક એટલે કે યુનિવર્સિટી કેમ્પસ બહાર કામ કરવાના કલાકો પર મર્યાદા મૂકાશે અને અઠવાડિયામાં 24 કલાક જ કામ કરી શકશે. જેને કારણે કેનેડાના ટોરેન્ટો જેવા મોંઘાદાટ શહેરોમાં રહેતા ભારતીય વિદ્યાર્થીઓ માટે જીવનનિર્વાહ મુશ્કેલ બની શકે છે. કોરોના મહામારી વખતે નિયમમાં જે છૂટ અપાઈ હતી હવે તો તે પણ 30 એપ્રિલે પૂરી થઈ ગઈ છે. એક વાત નોંધવી કે ઉનાળા અને શિયાળાની રજાઓ દરમિયાન કામના કલાકો પર મર્યાદા મૂકાઈ નથી. 

અત્રે જણાવવાનું કે વર્ષ 2022માં કેનેડામાં અંદાજે 5.5 લાખ વિદેશી વિદ્યાર્થીઓ હતા જેમાંથી 2.26 લાખ ભારતીયો હતા. હાલ કુલ 3.2 લાખ ભારતીય વિદ્યાર્થીઓ ગીગ વર્કર તરીકે કામ કરીને કેનેડાની ઈકોનોમીમાં યોગદાન આપી રહ્યા છે. યુનિવર્સિટી બહાર નોકરીઓ કરીને વિદ્યાર્થીઓ પોતાનો ખર્ચો કાઢતા હોય છે. મોટાભાગે આઠ કલાકની શિફ્ટ હોય પરંતુ નવા નિયમો મુજબ વિદ્યાર્થીઓ હવે દર અઠવાડિયે ત્રણ જ પાર્ટ ટાઈમ શિફ્ટમાં કામ કરી શકશે. જેના કારણે મુશ્કેલી વધશે. 

ઓસ્ટ્રેલિયામાં પણ લદાઈ મર્યાદા
ભારતીય વિદ્યાર્થીઓને પસંદગીના શહેરોમાં ઓસ્ટ્રેલિયા પણ સામેલ છે. હવે ઓસ્ટ્રેલિયા જવા ઈચ્છતા ભારતીય વિદ્યાર્થીઓ માટે પણ મુશ્કેલીઓ વધી શકે છે કારણ કે વિઝા ફીમાં વધારો, લઘુત્તમ બચતની જરૂરિયાત જેવા કપરાં પગલાં બાદ હવે ત્યાંની સરકારે વિદેશી વિદ્યાર્થીઓના એનરોલમેન્ટ પર નિયંત્રણ મૂકવાની પણ જાહેરાત કરી દીધી છે. એટલેકે 2025માં ઓસ્ટ્રેલિયા હવે ફક્ત 2.70 લાખ વિદેશી વિદ્યાર્થીઓને સ્વીકાર કરશે. આ મર્યાદા ઓસ્ટ્રેલિયામાં ઉચ્ચ અભ્યાસ અને વોકેશનલ કોર્સીસ કરવા જનારા પર લાગૂ પડશે અને તે નવા વિદેશી વિદ્યાર્થીઓને લાગૂ થશે. એવા વિદ્યાર્થીઓ કે જે 2025માં પહેલીવાર ત્યાં ભણવાની શરૂઆત કરશે. આ મર્યાદા હેઠળ જો કે પોસ્ટ ગ્રેજ્યુએટ રિસર્ચ સ્ટુડન્ટ્સ, અને કેટલાક ઈંગ્લીશ ભાષાના વિદ્યાર્થીઓને બાકાત રાખાયા છે. ઓસ્ટ્રેલિયાની જાહેર યુનિવર્સિટીમાં નવા વિદેશી વિદ્યાર્થીઓ માટે મર્યાદા 1.45 લાખ રખાઈ છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news