PM મોદીના અરુણાચલ પ્રવાસથી ચીનના પેટમાં તેલ રેડાયું, કર્યો આકરો વિરોધ

 ચીને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના અરુણાચલ પ્રદેશના પ્રવાસનો 'કડક વિરોધ' વ્યક્ત કર્યો છે. 

PM મોદીના અરુણાચલ પ્રવાસથી ચીનના પેટમાં તેલ રેડાયું, કર્યો આકરો વિરોધ

બેઈજિંગ: ચીને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના અરુણાચલ પ્રદેશના પ્રવાસનો 'કડક વિરોધ' વ્યક્ત કર્યો છે. આ વિસ્તારને તે દક્ષિણ તિબ્બેટ ગણાવે છે. ચીને કહ્યું કે તે ભારત પાસે રાજનયિક વિરોધ નોંધાવશે. પીએમ મોદીએ 15 ફેબ્રુઆરી ગુરુવારના રોજ અરુણાચલ પ્રદેશની મુલાકાત લીધી હતી. તેમના અરુણાચલ પ્રવાસ અંગે જ્યારે પૂછવામાં આવ્યું તો ચીનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા ગેંગ શુયાંગે કહ્યું કે ચીન-ભારત સરહદના સવાલ પર ચીનનું વલણ નિયમિત અને સ્પષ્ટ છે. સરકારી સંવાદ સમિતિ શિન્હુઆએ ગેંગના હવાલે માહિતી આપી કે ચીનની સરકારે ક્યારેય તથાકથિત અરુણાચલ પ્રદેશને માન્યતા આપી નથી અને તે ભારતીય નેતાઓના વિવાદાસ્પદ વિસ્તારના પ્રવાસનો સંપૂર્ણ રીતે વિરોધ કરે છે. તેમણે કહ્યું કે અમે ભારતીય પક્ષ સમક્ષ આકરો વિરોધ નોંધાવીશું. 

ગેંગે કહ્યું કે વિવાદોને યોગ્ય રીતે મેનેજ કરવા માટે ભારત અને ચીન વચ્ચે મહત્વપૂર્ણ સામાન્ય સહમતિ છે અને બંને પક્ષ વાતચીત અને વિચાર-વિમર્શ દ્વારા જમીન વિવાદના ઉકેલ પર કામ કરી રહ્યાં છે. ગેંગે કહ્યું કે ચીની પક્ષ ભારતીય પક્ષને આગ્રહ કરે છે કે તેની પ્રતિબદ્ધતાઓનું સન્માન કરવામાં આવે અને ઉપયુક્ત સહમતિનું પાલન કરે. એવું કોઈ કામ કરવાથી બચે, જેનાથી સરહદ વિવાદ વધુ જટિલ બને. 

ભારત અને ચીન વચ્ચે 3488 કિમીનો વિવાદાસ્પદ વિસ્તાર
શિન્હુઆએ કહ્યું કે ભારત અને ચીન વચ્ચે મેકમોહન રેખા અને પરંપરાગત સરહદ વચ્ચે સ્થિત આ ત્રણ વિસ્તાર હંમેશાથી ચીનનો ભાગ રહ્યાં છે. તેમણે કહ્યું કે બ્રિટન દ્વારા 1914માં ખેંચવામાં આવેલી મેકમોહન રેખા આ વિસ્તારોને ભારતીય વિસ્તારમાં સામેલ કરવાનો પ્રયત્ન હતો. ચીન અરુણાચલ પ્રદેશમાં ભારતીય નેતાઓના પ્રવાસનો નિયમિત રીતે વિરોધ કરે છે અને રાજ્ય પર પોતાનો દાવો કરે છે. ભારત અને ચીન વચ્ચે 3488 કિમી વિવાદાસ્પદ વિસ્તાર છે. બંને પક્ષો વચ્ચે મુદ્દાના સમાધાન માટે વિશેષ પ્રતિનિધિના માધ્યમથી અત્યાર સુધી 20 વખત વાર્તા થઈ ચૂકી છે. 

આ અગાઉ માલદીવ સંકટ ઉપર પણ ચીને ભારતને ધમકીભર્યા અંદાજમાં કહ્યું હતું કે જો આ મામલે સૈન્ય હસ્તક્ષેપ કર્યો તો તે ચૂપચાપ બેસશે નહીં. સરકારી અખબાર ગ્લોબલ ટાઈમ્સના સંપાદકીયમાં આ વાત કરાઈ હતી. સંપાદકીયમાં કહેવાયું હતું કે માલદીવ હાલ સંકટ સામે ઝઝૂમી રહ્યું છે, આવા સંજોગોમાં ભારતે પણ સંયમથી કામ લેવું જોઈએ. 

 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news