લંડન સરકાર પાન-મસાલા ખાનાર ગુજરાતીઓ સામે આકરા પાણીએ, આપી ચેતવણી

ગુજરાતીઓ અને માવો એકબીજાના પૂરક છે. ગુજરાતી યુવકોની પાન-પડીકી-માવો ખાઈને થૂંકવાની ગંદી આદતોથી હવે બ્રિટિશરો પણ પરેશાન થઈ ગયા છે. આ ગંદી આદતથી ઈંગ્લેન્ડવાસીઓ એટલા કંટાળી ગયા છે કે, ઈંગ્લેન્ડના Leicester શહેરમાં એક ગુજરાતીમાં બોર્ડ લગાવવામાં આવ્યું છે.

Updated: Apr 17, 2019, 04:23 PM IST
લંડન સરકાર પાન-મસાલા ખાનાર ગુજરાતીઓ સામે આકરા પાણીએ, આપી ચેતવણી

દિપ્તી સાવંત/અમદાવાદ :ગુજરાતીઓ અને માવો એકબીજાના પૂરક છે. ગુજરાતી યુવકોની પાન-પડીકી-માવો ખાઈને થૂંકવાની ગંદી આદતોથી હવે બ્રિટિશરો પણ પરેશાન થઈ ગયા છે. આ ગંદી આદતથી ઈંગ્લેન્ડવાસીઓ એટલા કંટાળી ગયા છે કે, ઈંગ્લેન્ડના Leicester શહેરમાં એક ગુજરાતીમાં બોર્ડ લગાવવામાં આવ્યું છે.

શું લખ્યું છે બોર્ડમાં...
Leicester શહેરમાં એક બોર્ડ લગાવવામાં આવ્યું છે, જે ખાસ કરીને ગુજરાતીઓને ઉદ્દેશીને મૂકાયુ છે. ગુજરાતીમાં લખાણ સાથે આ બોર્ડ પર લખ્યુ છે કે, પાન ખાઈને સ્ટ્રીટ પર થૂંકવુ એ આરોગ્ય માટે નુકશાનકારક અને અસામાજિક છે, આપને 150 યુરોનો દંડ થઈ શકે છે. 

આ બોર્ડ ગુજરાતીઓ માટે ખરેખર શરમજનક કહેવાય. અંગ્રેજી ભાષા ઉપરાંત માત્ર ગુજરાતીમાં જ આ બોર્ડ લગાવાયુ છે, જે બતાવે છે કે ઈંગ્લેન્ડના લોકો ગુજરાતીઓની આ આદતથી કેટલા કંટાળેલા હશે. ગુજરાતીઓની પાન-પડીકી ખાઈને થૂંકવાની આદતથી હવે બ્રિટિશરો પણ ત્રાહિમામ પોકારી ગયા છે. 

સ્થાનિક પોલીસના જણાવ્યા અનુસાર, આ વિસ્તારમાં ભારતીયોની સંખ્યા વધુ છે. 2014માં લંડન કાઉન્સિલે આવુ કરવા સામે 80 યુરો દંડનો નિયમ બનાવ્યો હતો. એક રિપોર્ટ અનુસાર, અહીં સાફ-સફાઈ માટે 20,000 યુરોનો ખર્ચ કરવો પડે છે. હાલ ઈંગ્લેન્ડમાં 12 લાખ ભારતીયો રહે છે, જેમાંથી 6 લાખ ગુજરાતીઓ છે. 

આવુ પહેલીવાર નથી થયું, બ્રિટનમાં સાર્વજનિક સ્થાનો પર થૂંકવા બદલ વારંવાર ચેતવણી આપવામાં આવી છે. 2016માં, લિસેસ્ટર સિટી કાઉન્સિલે તેમજ અધિકારીઓએ સાર્વજનિક સ્થાન સુરક્ષા આદેશ અનુસાર આ સમસ્યાને નાબૂદ કરવાનો પ્રયાસ કર્યો હતો. 2016ના વર્ષમાં આ આદત ધરાવતા ભારતીયો પર 80 પાઉન્ડ દંડ ફટકારવામાં આવ્યો હતો. પણ હજી પણ લગાવવામાં આવેલુ આ બોર્ડ બતાવે છે કે, તમે એક ભારતીયને આ દેશમાંથી બહાર લઈ જઈ શકો છો, પણ તેમના પાન પ્રેમને નહિ.