Hajj 2024: ગરમીનો કાળો કહેર? 1000થી વધુ હજયાત્રીઓના મોત, શું મૃતકોને સાઉદી અરબમાં જ દફનાવવામાં આવશે?

ભીષણ ગરમી પડી રહી છે. આ દરમિયાન આયોજિત થયેલી હજ યાત્રામાં મૃતકોની સંખ્યા હવે 1000ને પાર થઈ ગઈ છે. આમાંથી અડધાથી વધુ નોંધણી વગરના શ્રદ્ધાળુઓ હતા. એએફપીના જણાવ્યાં મુજબ લગભગ 10 દેશોએ વાર્ષિક તીર્થયાત્રા દરમિયાન 1081 લોકોના મોત થયાની સૂચના આપી છે.

Hajj 2024: ગરમીનો કાળો કહેર? 1000થી વધુ હજયાત્રીઓના મોત, શું મૃતકોને સાઉદી અરબમાં જ દફનાવવામાં આવશે?

ભીષણ ગરમી પડી રહી છે. આ દરમિયાન આયોજિત થયેલી હજ યાત્રામાં મૃતકોની સંખ્યા હવે 1000ને પાર થઈ ગઈ છે. આમાંથી અડધાથી વધુ નોંધણી વગરના શ્રદ્ધાળુઓ હતા. એએફપીના જણાવ્યાં મુજબ લગભગ 10 દેશોએ વાર્ષિક તીર્થયાત્રા દરમિયાન 1081 લોકોના મોત થયાની સૂચના આપી છે. મૃત તીર્થયાત્રીઓને દફનાવવાની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. નિયમો મુજબ તેમને સાઉદી અરબમાં જ દફનાવવામાં આવી રહ્યા છે. 

68 ભારતીયોના મોત
એએફપીના જણાવ્યાં મુજબ સાઉદી અરબમાં એક ડિપ્લોમેટે બુધવારે કહ્યું કે હજ યાત્રા દરમિયાન 68 ભારતીય નાગરિકોના મોત થયા છે. નામ ન જણાવવાની શરતે વાત કરતા કહ્યું કે અમે લગભગ 68 લોકોના મોતની પુષ્ટિ કરી છે. કેટલાક મોતો કુદરતી કારણે થયા છે અને અમારી પાસે કેટલાક વૃદ્ધ હજયાત્રીઓ પણ હતા. કેટલાકના મોત હવામાનની સ્થિતિના કારણે થયા છે એવું અમારું અનુમાન છે. હજ ઈસ્લામના પાંચ સ્તંભોમાંથી એક છે અને તમામ મુસલમાનોએ ઓછામાં ઓછી એકવાર હજયાત્રા કરવી જોઈએ એવું મનાય છે. 

મક્કામાં પારો 51 પાર
હજના સમયે ચંદ્ર ઈસ્લામી કેલેન્ડર મુજબ નિર્ધારિત હોય છે. આ વર્ષે ફરીથી ભીષણ ગરમી વખતે હજયાત્રા થઈ. નેશનલ હવામાન વિજ્ઞાન કેન્દ્રએ મક્કાની ગ્રાન્ડ મસ્જિદમાં આ સપ્તાહે 51.8 ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધ્યું. હજયાત્રા દરમિયાન અનેક કારણોસર યાત્રાળુઓના મોત થતા હોય છે. જેમાં કેટલાક ભીડમાં કચડાઈને, બીમારી કે ગરમીથી થનારા મોત સામેલ છે. આ વખતે રેકોર્ડતોડ  ગરમીના કરાણે વધુ મોત થયા હોવાનું કહેવાય છે. 

અધિકૃત જાણકારી નહીં
જો કે સાઉદી અરબે અધિકૃત રીતે મોતોની  જાણકારી આપી નથી. ફક્ત રવિવારે ભીષણ ગરમીથી પીડાયેલા 2700થી વધુ મામલાઓની સૂચના આપી છે. એએફપીના જણાવ્યાં મુજબ અરબ રાજનયિકે કહ્યું કે ગુરુવારે રિપોર્ટ કરાયેલા નવા મોતમાં 58 મિસ્ત્રના લોકો સામેલ છે. તેમણે કહ્યું કે મૃતકોમાં 658 ઈજિપ્તવાસીઓમાંથી 630 નોંધણી વગરના હતા. ડિપ્લોમેટે કહ્યું કે ઈજિપ્તના તીર્થયાત્રીઓના મોતનું મુખ્ય કારણ ગરમી છે. જેનાથી હાઈ બીપી અને અન્ય સમસ્યાઓ સંલગ્ન મુશ્કેલીઓ પેદા થઈ રહી છે. 

મૃતકોની અંતિમ વિધિ
સવાલ એ ઉઠે છે કે હજ દરમિયાન તીર્થયાત્રીઓના મોત થાય તો મૃતદેહોને તેમના વતન મોકલાય છે કે પછી અંતિમ સંસ્કાર ત્યાં જ સાઉદી અરેબિયામાં થાય છે. બીબીસીના એક રિપોર્ટ મુજબ સાઉદી અરબના હજ સંબંધિત કાનૂનમાં એ સ્પષ્ટ છે કે જો હજ દરમિયાન કોઈ વ્યક્તિનું મોત થઈ જાય તો તેનો મૃતદેહ તેમના દેશમાં મોકલવામાં ન આવે. તેમને સાઉદી અરબમાં જ દફનાવવામાં આવે છે. 

હજ યાત્રા દરમિયાન દરેક વ્યક્તિ હજ સંબંધિત એક આવેદન પત્ર પર સહી કરે છે. તેમાં લખેલું હોય છે કે સાઉદી અરબની જમીન પર કે આકાશમાં તેમનું મોત થાય તો તેમના મૃતદેહને ત્યાં જ દફનાવવામાં આવશે. તેમના પરિવારને કે પરિજનોને કોઈ આપત્તિ સ્વીકારવામાં આવશે નહીં. 

બે રાજનયિકોએ ગુરુવારે એએફપીને જણાવ્યું કે સાઉદી અરબના અધિકારીઓએ મૃત તીર્થયાત્રીઓને દફનાવવાની પ્રક્રિયા શરૂ કરી દીધી છે. જેમાં મૃતદેહોને સાફ કરવા, તેમને સફેદ કપડામાં વીટાળવાં અને તેમને અલગ અલગ કબરમાં દફનાવવા સામેલ છે. 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news