પાકિસ્તાને મુલાકાત કરાવી કે મજાક? કુલભૂષણના જારી કરાયેલા વીડિયોથી થયો મોટો ખુલાસો

 પાકિસ્તાનની જેલમાં કથિત જાસૂસી આરોપમાં બંધ ભારતીય કેદી કુલભૂષણ જાધવે સોમવારે પાકિસ્તાનના વિદેશ મંત્રાલયમાં માતા અને પત્નીની મુલાકાત કરી.

  • પાકિસ્તાનની જેલમાં બંધ  કુલભૂષણ જાધવને મળ્યા માતા અને પત્ની
  • પાકિસ્તાન વિદેશ મંત્રાલયે જારી કર્યો મુલાકાતનો વીડિયો
  • વીડિયોમાં તેઓ પાક વિદેશ મંત્રાલયને વ્યક્ત કરી રહ્યાં છે આભાર

Trending Photos

પાકિસ્તાને મુલાકાત કરાવી કે મજાક? કુલભૂષણના જારી કરાયેલા વીડિયોથી થયો મોટો ખુલાસો

નવી દિલ્હી: પાકિસ્તાનની જેલમાં કથિત જાસૂસી આરોપમાં બંધ ભારતીય કેદી કુલભૂષણ જાધવે સોમવારે પાકિસ્તાનના વિદેશ મંત્રાલયમાં માતા અને પત્નીની મુલાકાત કરી. પરંતુ આ મુલાકાત દરમિયાન તેમની વચ્ચે કાચની દીવાલ હતી. ગત વર્ષ માર્ચમાં ધરપકડ કરાયા બાદ જાધવની તેમની સાથે આ પહેલી મુલાકાત છે. પાકિસ્તાની વિદેશ મંત્રાલય દ્વારા આ મુલાકાતનો એક વીડિયો જારી કરાયો જેનાથી ખુલાસો થયો છે કે કુલભૂષણ પર અત્યાચાર થયા છે. સૂત્રોના હવાલે કહેવાઈ રહ્યું છે કે કુલભૂષણ જાધવનીની મુલાકાત તેમની માતા અને પત્ની સાથે એક શિપિંગ કન્ટેઈનરમાં કરાવવામાં આવી. એ પણ કહેવાઈ રહ્યું છે કે શિપિંગ કન્ટેઈનરમાં પડદા અને કેમરા પણ  લગાવવામાં આવ્યાં હતાં. આ મુલાકાત વખતે આ શિપિંગ  કન્ટેઈનર કોઈ ઊંચી બિલ્ડિંગના બેઝમેન્ટમાં રાખવામાં આવ્યું હતું. વિશેષજ્ઞોના કહેવા મુજબ શિપિંગ કન્ટેઈનરમાં કેદીઓને ત્યારે જ રાખવામાં આવે છે જ્યારે તેમના ઉપર અત્યાચાર કરવાના હોય છે. શિપિંગ કન્ટેઈનરને લોખંડના લેયરથી તૈયાર કરવાં આવે છે. તે બિલકુલ સાઉન્ડ પ્રુફ હોય છે. 

કુલભૂષણ જાધવના પરિવારને પાકિસ્તાને આપી માનસિક યાતનાઓ

પાકિસ્તાને માનવતાના આધારે ભારતીય નેવીના પૂર્વ અધિકારી કુલભૂષણ જાધવને માતા અને પત્નીને મળવા દીધા. પરંતુ આ મુલાકાત પર હવે અનેક સવાલો ઊભા થઈ રહ્યાં છે. માનવતાના આધારે એક માતાને તેના પુત્ર અને એક પત્નીને તેના પતિને સીધા મળવા કેમ ન દેવાયા? તેઓ સામ સામે જરૂર બેઠા હતાં પરંતુ તેમની વચ્ચે કાચની દીવાલ હતી. ત્રણેય જણ પરસ્પર વાતો કરી શકે તે માટે ઈન્ટરકોમની વ્યવસ્થા કરાઈ હતી. કુલભૂષણ જાધવની તસવીરો જોઈને કહી શકાય કે તેમને પાકિસ્તાનમાં કઈ રીતની યાતનાઓ અપાઈ છે. 

વીડિયોમાં કુલભૂષણ જાધવ પહેલા કરતા ખુબ કમજોર જોવા મળી રહ્યાં છે. એવું લાગી રહ્યું છે કે તેમની માતા અને પત્ની સામે તેમને લાવતા પહેલા મેકઅપ કરાયો હોય. કુલભૂષણના માથાં પર સફેદ રંગની આકૃતિ જોવા મળી હતી. સામાન્ય રીતે આ પ્રકારના નિશાન ત્યારે થાય જ્યારે લોહી જામી જાય. એવું બની શકે કે કઈંક છૂપાવવા માટે તેમના માથા પર કશું લગાવવામાં આવ્યું હોય. 

જે વખતે મુલાકાત ચાલી રહી હતી તે સમયે બંધ રૂમમાં વીડિયો રેકોર્ડિંગ પણ કરવામાં આવી રહી હતી. આ દરમિયાન પાકિસ્તાનને એ વાતનો પણ ડર હતો કે ક્યાંક કુલભૂષણ જાધવ માતા અને પત્ની સામે પાકિસ્તાનના જુઠ્ઠાણાનો પર્દાફાશ ન કરી નાખે. એ પણ કહેવાઈ રહ્યું છે કે પાકિસ્તાનની સરકારે જાણી જોઈને જાધવના પરિવારને પાક મીડિયા સામે ખુલ્લો મૂક્યો. પાક પત્રકારોએ તેમને ખુબ જ આપત્તિજનક સવાલો કર્યા હતાં. 

જાસૂસીના આરોપમાં પાકિસ્તાનની જેલમાં કેદ ભારતના પૂર્વ નેવી કમાન્ડર કુલભૂષણ જાધવે આજે ક્રિસમસના અવસરે માતા અને પત્ની સાથે મુલાકાત કરી. કુલભૂષણના માતા અને પત્ની બપોરે 12 વાગ્યે મુંબઈથી ઈસ્લામાબાદ પહોંચ્યા. ઈસ્લામાબાદમાં સૌથી પહેલા તેઓ ભારતીય દૂતાવાસ ગયાં. ત્યારબાદ વિશેષ સુરક્ષા વચ્ચે તેમને વિદેશ મંત્રાલય લાવવામાં આવ્યાં. અહીં તેમણે લગભગ 30 મિનિટ સુધી જાધવ સાથે મુલાકાત કરી. આ દરમિયાન ડેપ્યુટી હાઈકમિશનર જે પી સિંહ પણ હાજર રહ્યાં હતાં. કુલભૂષણ અને પરિવાર વચ્ચે મુલાકાત ક્યાં અને કેવી રીતે થશે તે તમામ બાબતે રવિવારે ભારત અને પાકિસ્તાન વચ્ચે વિચાર વિમર્શ થયો હતો. 

અત્રે જણાવવાનું કે કુલભૂષણ જાધવ ભારતીય નેવીના પૂર્વ કમાન્ડર છે. પાકિસ્તાન સરકારે તેમની 3 માર્ચ 2016ના રોજ બલુચિસ્તાનથી ધરપકડ કરી હતી. જો કે ભારતનું કહેવું છે કે જાધવ રિટાયર્ડમેન્ટ બાદ ઈરાનમાં પોતાનો કારોબાર કરી રહ્યાં હતાં. પાકિસ્તાને તેમનું ઈરાનમાંથી અપહરણ કર્યુ હતું. પાકિસ્તાની સેનાએ તેમના પર બલુચિસ્તાનમાં તોફાનો કરાવવાના અને જાસૂસીના આરોપમાં ફાંસીની સજા કરી છે. પરંતુ મે મહિનામાં ઈન્ટરનેશનલ કોર્ટ ઓફ જસ્ટિસે ભારતની અપીલ પર આ સજા પર રોક લગાવી દીધી હતી.

પાકિસ્તાને એક વીડિયો જારી કર્યો હતો જેમાં જાધવે કહ્યું હતું કે તે મુંબઈમાં રહે છે. અને હજુ પણ ભારતીય સેનામાં અધિકારી છે. તેમની 2022માં સેવાનિવૃત્તિ છે. તેમણે કહ્યું હતું કે વર્ષ 2001માં ભારતીય સંસદ પર હુમલા બાદ જાસૂસી વિભાગમાં કામ કરવાનું શરૂ કર્યુ હતું. ત્યારબાદ તેમણે ઈરાનમાં નાના પાયે વ્યાપાર શરૂ કર્યો. જેના કારણે તેમને પાકિસ્તાન જવા આવવામાં સરળતા રહેવા લાગી અને વર્ષ 2013માં તેમણે રો એજન્ટ બનીને કામગીરી કરવા માંડી. તેમના જણાવ્યાં મુજબ 3 માર્ચના રોજ ઈરાનથી પાકિસ્તાનમાં ઘૂસવાની કોશિશ દરમિયાન તેમની ધરપકડ થઈ.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news