મહિન્દાના રાજીનામા બાદ રાષ્ટ્રપતિ ગોટબાયા રાજપક્ષેની મુશ્કેલીમાં થયો વધારો

પ્રાપ્ત વિગત અનુસાર ગોટબાયા રાજપક્ષેના દબાવમાં આવીને મહિન્દા રાજપક્ષેએ રાજીનામુ આપ્યું છે. મહિન્દાનું રાજીનામુ લીધા બાદ પણ ગોટબાયાની મુશ્કેલી ઓછી થવાની નથી. 
 

મહિન્દાના રાજીનામા બાદ રાષ્ટ્રપતિ ગોટબાયા રાજપક્ષેની મુશ્કેલીમાં થયો વધારો

કોલંબોઃ આર્થિક સંકટનો સામનો કરી રહેલાં શ્રીલંકાની સ્થિતિ દિવસેને દિવસે ખરાબ થઈ રહી છે. સોમવારે મહિન્દા રાજપક્ષેએ પ્રધાનમંત્રી પદેથી રાજીનામુ આપી દીધુ હતું. હવે તે સામે આવ્યું નથી કે તેમનું રાજીનામુ સ્વીકારી લેવામાં આવ્યું કે નહીં. નિષ્ણાંતો કહી રહ્યાં છે કે મહિન્દાના રાજીનામા બાદ રાષ્ટ્રપતિ ગોટબાયા રાજપક્ષેની મુશ્કેલી ઓછી થવાની નથી પરંતુ વધવાની છે. 

રાજકીય વિરોધનું કોઈ સમાધાન નહીં
દેશમાં આર્થિક સંકટ વચ્ચે રાજધાની કોલંબો સહિત અન્ય જગ્યાએ લોકો વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. પ્રદર્શનકારીઓ રાષ્ટ્રપતિનું પણ રાજીનામુ માંગી રહ્યાં છે. આ રાજકીય વિરોધનું હજુ કોઈ સમાધાન થયું નથી. પ્રદર્શન કરી રહેલા લોકો મહિન્દાના રાજીનામાથી ખુશ નથી. દેશમાં છેલ્લા 24 કલાકમાં પ્રદર્શન હિંસક બની ગયું છે અને ઘણા લોકોને ઈજા પહોંચી છે. આ વચ્ચે એક સાંસદ સહિત અન્ય લોકોના મોત પણ થયા છે. 

સંયુક્ત સરકાર બનાવવાનો પ્રયાસ નિષ્ફળ
શ્રીલંકામાં વિરોધ કરી રહેલા લોકો રાષ્ટ્રપતિના રાજીનામાની માંગ કરી રહ્યાં છે. આ વચ્ચે ગોટબાયા રાજપક્ષેએ 7 મેથી ફરી દેશમાં આપાતકાલ લગાવી દીધો છે. રિપોર્ટ પ્રમાણે ઇમરજન્સીને જલદી હટાવવામાં આવી શકે છે. રાષ્ટ્રપતિ પોતાને રાજીનામુ આપવું ન પડે તેવો માર્ગ શોધી રહ્યાં છે, જેથી તેમણે એક સંયુક્ત સરકાર બનાવવાનો પ્રયાસ કર્યો પરંતુ તે નિષ્ફળ રહ્યો છે. 

શું અવિશ્વાસ પ્રસ્વાત લાવશે વિપક્ષ?
શ્રીલંકાની વિપક્ષી પાર્ટીએ સરકાર વિરુદ્ધ બે અવિશ્વાસ પ્રસ્તાવ રજૂ કર્યા છે. શ્રીલંકામાં રાષ્ટ્રપતિ સીધા જ ચૂંટાતા હોવાથી, સરકારની સંસદીય હકાલપટ્ટી તેમની સ્થિતિને સખત અસર કરશે નહીં પરંતુ ચોક્કસપણે તેમની સત્તાને નબળી પાડશે. તેવામાં રાષ્ટ્રપતિ રાજપક્ષેની મુશ્કેલી વધી શકે છે, કારણ કે પ્રદર્શનકારી પીછેહટ કરવાના મૂડમાં નથી. 

મોટા આર્થિક સંકટનો સામનો કરી રહ્યું છે શ્રીલંકા
રાષ્ટ્રપતિ પદ છોડવા માંગતા નથી અને તે વાત પણ સામે આવી રહી છે કે મહિન્દાને પોતાનું રાજીનામુ પરત લેવા અને ફરી પીએમની ખુરશી સંભાળવાની મંજૂરી આપવામાં આવી શકે છે. મહત્વનું છે કે આઝાદી બાદના સૌથી મોટા આર્થિક સંકટનો સામનો કરી રહેલાં શ્રીલંકાની સ્થિતિ સતત ખરાબ થઈ રહી છે. આઈએમએફની સાથે દેશની વાતચીત ચાલી રહી છે. ભારતે પણ શ્રીલંકાને મદદ કરી છે. તો શ્રીલંકાની સરકાર ચીન પાસે પણ મદદ માંગી રહી છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news