China યુદ્ધની તૈયારી કરી રહ્યું છે? નાગરિકોને જરૂરી સાધનસામગ્રીનો સ્ટોક કરવાનું કહ્યું
અનેક રાજ્યોમાં સ્થાનિક પ્રશાસને સપ્લાય જાળવી રાખવા અને કિંમતોમાં અસામાન્ય વધારો ઓછો કરવા માટે ભારે જદ્દોજહેમત કરવી પડી રહી છે.
Trending Photos
બેઈજિંગ: શું આગામી કેટલાક દિવસોમાં ચીન અને તાઈવાન વચ્ચે યુદ્ધ છેડાવવાનું છે? આ સવાલ ચીનની તૈયારીઓ જોઈને પૂછવામાં આવી રહ્યો છે. ચીનની કમ્યુનિસ્ટ સરકારે પોતાના નાગરિકોને દૈનિક વપરાશની ચીજવસ્તુઓનો સ્ટોક કરવાનું કહ્યું છે, ત્યારબાદ દેશમાં રાશન, મીઠું, કેરોસિન જેવી વસ્તુઓ ખરીદનારાઓની સંખ્યા એકદમ વધી ગઈ છે. પરિણામ સ્વરૂપે ચીનના અનેક ભાગોમાં દૈનિક વપરાશની વસ્તુઓના અછત થઈ ગઈ છે. અનેક રાજ્યોમાં સ્થાનિક પ્રશાસને સપ્લાય જાળવી રાખવા અને કિંમતોમાં અસામાન્ય વધારો ઓછો કરવા માટે ભારે જદ્દોજહેમત કરવી પડી રહી છે.
સરકારની દલીલ અને લોકોની ચિંતા
ચીન અને તાઈવાન વચ્ચે લાંબા સમયથી તણાવ ચાલી રહ્યો છે અને હાલના દિવસોમાં સ્થિતિ વધુ બગડી છે. ચીન તેને વારંવાર ધમકી આપ્યા કરે છે. આવામાં તેનું આ પગલું અનેક સવાલ પેદા કરે છે. સોમવારની મોડી રાતે ચીનના વાણિજ્ય મંત્રાલયે પરિવારોને કહ્યું કે તેઓ કટોકટીની સ્થિતિમાં જરૂરી ચીજવસ્તુઓનો સ્ટોક કરે. આમ તો ચીનની સરકારનું કહેવું હતું કે કોવિડ-19નો પ્રકોપ અને અસામાન્ય રીતે ભારે વરસાદના કારણે શાકભાજી અને અન્ય ઉત્પાદનોના ભાવમાં વધારાના એંધાણ છે. આથી આમ કહેવાયું છે. પરંતુ ચીની લોકોએ સોશિયલ મીડિયા વીવો પર ચિંતા વ્યક્ત કરતા કહ્યું કે તેનો સંબંધ પાડોશી તાઈવાન સાથે વધતા તણાવ સાથે પણ હોઈ શકે છે.
શોપિંગ માટે ભીડ ઉમટી
વીવો પર એક યૂઝરે લખ્યું કે જેવા આ ખબર સામે આવ્યા કે મારી આસપાસના તમામ વડીલો સુપરમાર્કેટમાં ખરીદી કરવા માટે પહોંચી ગયા. સ્થાનિક મીડિયાએ હાલમાં જ બિસ્કિટ અને ઈન્સ્ટન્ટ નૂડલ્સ, વિટામીન, રેડિયો અને ફ્લેશલાઈટ સહિત ઘર પર સ્ટોક કરવા માટે જરૂરી સમાનની સૂચિ પ્રકાશિત કરી છે. લોકોની ભાગદોડ જોતા ચીનના સરકારી મીડિયાએ સ્પષ્ટતા કરવાની પણ શરૂ કરી દીધી છે. ચીની કમ્યુનિસ્ટ પાર્ટી સમર્થિત અખબાર ધ ઈકોનોમિક ડેઈલીએ લોકોને કારણ વગર ટેન્શન ન લેવા જણાવ્યું છે.
સરકાર તરફથી મીડિયા કરી રહ્યું છે સ્પષ્ટતા
અખબારે કહ્યું કે આ આદેશનો હેતુ એવું સુનિશ્ચિત કરવાનો હતો કે જો તેમના વિસ્તારમાં લોકડાઉન થાય તો લોકોને કોઈ વસ્તુની અછત ન રહે. જ્યારે પીપલ્સ ડેઈલીએ કહ્યું કે મંત્રાલય દર વર્ષે આ પ્રકારની નોટિસ બહાર પાડે છે. પરંતુ આ વર્ષની શરૂઆતમાં કુદરતી આફતો, શાકભાજીના ભાવમાં ઉછાળો અને હાલમાં જ કોરોના મહામારીના કેસના કારણે તેને જલદી બહાર પાડવી પડી છે. સોમવારે મોડી રાતે મંત્રાલયે પોતાના નિવેદનમાં સ્થાનિક અધિકારીઓને જરૂરી વસ્તુઓની આપૂર્તિ અને ભાવોમાં સ્થિરતા સુનિશ્ચિત કરવાનો આગ્રહ કર્યો. મંત્રાલયે એમ પણ કહ્યું કે તમામ અધિકારીઓ પોત પોતાના વિસ્તારોમાં આપૂર્તિ સંબંધિત પરેશાનીઓ દૂર કરવાનું કામ કરે.
કઈક મોટું થયું તો વર્લ્ડ વોર પણ શક્ય
ચીન અને તાઈવાન વચ્ચે તણાવ હાલ ચરમસીમાએ છે. ચીની વાયુસેનાના ફાઈટર વિમાનો છાશવારે તાઈવાનના હવાઈ વિસ્તારમાં ઘૂસણખોરી કરી રહ્યા છે. જ્યારે રાષ્ટ્રપતિ શી જિનપિંગે પણ ગત મહિને તાઈવાનને શાંતિપ્રિય રીતે પોતાના દેશમાં ભેળવવાની વાત કરી હતી, ત્યારબાદ તાઈવાની રાષ્ટ્રપરતિ ત્સાઈ ઈન વેંગે કહ્યું હતું કે ચીન અમારા ભાગ્યનું નિર્ધારણ કરી શકે નહીં. તેમણે ચેતવણી આપતા કહ્યું હતું કે જો ચીને હુમલો કર્યો તો ખુબ જ ભયાનક ઘટના ઘટશે. અત્રે જણાવવાનું કે તાઈવાનને અમેરિકાનું સમર્થન મળેલું છે. જો આવામાં ચીન કોઈ મોટું પગલું ભરે તો તે માત્ર બે દેશોનો મુદ્દો નહીં રહે. આ જ કારણે વિશ્વ યુદ્ધની આશંકા પણ પેદા થઈ જશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે