2023માં કોરોના બાદ હવે તોળાઈ રહ્યું છે આ મોટું જોખમ, એક વર્ષમાં લઈ શકે છે 1 કરોડ લોકોના જીવ
કોરોના મહામારી દરમિયાન થોડા દિવસ પહેલા અમેરિકામાં ઝડપથી ફેલાઈ રહેલા સુપરબગના કારણે થઈ રહેલા મોતની સંખ્યા સતત વધી રહી છે. મેડિકલ જર્નલ લાન્સેટના સ્ટડીમાં આ ચોંકાવનારી વાત સામે આવી છે.
Trending Photos
છેલ્લા બે વર્ષથી સમગ્ર દુનિયામાં કોરોનાનો પ્રકોપ છે. એક બાજુ જ્યાં દર વર્ષે આ વાયરસ નવા વેરિએન્ટ સાથે હુમલો કરીને લોકોને ફક્ત શારીરિક રીતે જ નહીં પરંતુ માનસિક રીતે પણ નબળા કરી રહ્યો છે ત્યાં બીજી બાજુ અમેરિકામાં માણસો વચ્ચે ઝડપથી ફેલાઈ રહેલા સુપરબગે સમગ્ર દુનિયાને ફરી એકવાર ચિંતામાં મૂકી છે.
મેડિકલ સાયન્સ માટે આ બેક્ટેરિયા સુપરબગ છેલ્લા કેટલાક વર્ષમાં એક મોટો પડકાર બનીને સામે આવ્યા છે. આવામાં કોવિડ-19નું સંક્રમણ તેને વધુ જોખમી બનાવી રહ્યું છે. મેડિકલ જર્નલ લાન્સેટમાં પ્રકાશિત સ્ટડી દર્શાવે છે કે જો આ સુપરબગ આ જ ઝડપથી ફેલાતો ગયો તો તેના કારણે દર વર્ષે એક કરોડ લોકોના મોત થઈ શકે છે. હાલના સમયમાં આ સુપરબગના કારણે દુનિયાભરમાં દર વર્ષે 13 લાખ લોકોના જીવ જઈ રહ્યા છે. લાન્સેટના સ્ટડીમાં ખુલાસો થયો છે કે સુપરબગ પર એન્ટીબાયોટિક અને એન્ટી ફંગલ દવાઓ પણ અસર કરતી નથી. શું આ સુપરબગ દુનિયા માટે એક નવા પ્રકારનું જોખમ ઊભું કરી રહ્યો છે?
સુપરબગ શું છે?
સુપરબગની વાત કરીએ તો તે બેક્ટેરિયાનું જ એક સ્વરૂપ છે. કેટલાક બેક્ટેરિયા હ્રુમન ફ્રેન્ડલી હોય છે જ્યારે કેટલાક માણસો માટે અત્યંત ખતરનાક હોય છે. આ સુપરબગ માણસો માટે ઘાતક છે. આ બેક્ટેરિયા, વાયરસ અને પેરાસાઈટનો સ્ટ્રેન છે. જ્યારે બેક્ટેરિયા, વાયરસ, ફંગસ કે પેરાસાઈટ્સ સમય સાથે બદલાતા જાય છે તો તે સમયે તેમના પર દવા અસર કરવાનું બંધ કરી દે છે. આનાથી તેમનામાં એન્ટીમાઈક્રોબોયલ રેજિસ્ટન્સ પેદા થાય છે.
એન્ટીમાઈક્રોબોયલ રેજિસ્ટન્સ પેદા થયા બાદ તે સંક્રમણનો ઈલાજ ઘણો મુશ્કેલ બને છે. સરળ ભાષામાં સમજીએ તો સુપરબગ એક એવી સ્થિતિ છે જ્યારે દર્દીના શરીરમાં રહેલા બેક્ટેરિયા, વાયરસ અને પેરાસાઈટ્સની સામે દવાઓ બેઅસર થઈ જાય છે. સુપરબગ કોઈ પણ એન્ટીબાયોટિક દવા કે તેના વધુ ઉપયોગ કે કારણ વગર એન્ટીબાયોટિક દવા ઉપયોગ કરવાથી પેદા થાય છે. ડોક્ટરોનું માનીએ તો ફ્લૂ જેવા વાયરસ સંક્રમણ થવા પર એન્ટીબાયોટિક લેવામાં આવે તો સુપરબગ બનાવાના આસાર વધુ રહે છે. જે ધીરે ધીરે બીજા લોકોને પણ સંક્રમિત કરે છે.
ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ મુજબ આપણા દેશમાં પણ ન્યૂમોનિયા અને સેપ્ટીસીમિયાની સારવાર માટે ઉપયોગમાં લેવાતી દવાઓ કાર્બેપનેમ મેડિકલ હવે બેક્ટેરિયા પર બેઅસર થઈ ચૂકી છે. આ કારણસર આ દવાઓ બનાવવા પર રોક લગાવવામાં આવી.
કેવી રીતે ફેલાય છે આ ખતરનાક બગ
સુપરબગ એક વ્યક્તિમાંથી બીજા વ્યક્તિની ત્વચા સંપર્ક, ઘા થવા પર , લાળ અને શારીરિક સંબંધથી ફેલાય છે. એકવાર સુપરબગ માણસના શરીરમા થવા પર દર્દી પર દવાઓ અસર કરવાનું બંધ કરી દે છે. હાલ સુપરબગની કોઈ દવા નથી પરંતુ યોગ્ય રીતો અપનાવીને તેના પર રોકથામ કરી શકાય છે.
કોરોના અને સુપરબગની જુગલબંધીથી કોહરામ
કોરોના મહામારી વચ્ચે થોડા દિવસ પહેલા જ સુપરબગના કારણે થઈ રહેલા મોત પર લાન્સેટે સ્ટડી કર્યો છે. રિપોર્ટ મુજબ વર્ષ 2021માં ICMR એ 10 હોસ્પિટલોમાં અભ્યાસ કર્યો અને જાણ્યું કે કોરોના વાયરસ બાદ લોકો વધુ એન્ટીબાયોટિકનો ઉપયોગ કરી રહ્યા છે. એન્ટીબાયોટિકના વધુ ઉપયોગ અને સુપરબગના કારણે હાલાત વધુ ખરાબ થયા છે. કોરોનાથી સંક્રમિત થનારા લગભગ 50 ટકાથી વધુ કોવિડ દર્દીઓને સારવાર દરમિયાન કે પછી બેક્ટેરિયા કે ફંગસના કારણે ઈન્ફેક્શન થયું અને તેમના મોત થયા. સ્ટડીનું માનીએ તો દુનિયામાં એન્ટીબાયોટિક્સનો ઉપયોગ આ જ ઝડપથી વધતો રહ્યો તો મેડિકલ સાયન્સની તમામ પ્રગતિ શૂન્ય થઈ જશે.
એન્ટીબાયોટિકનો ઉપયોગ સતત વધી રહ્યો છે
સ્કોલર એકેડેમિક જર્નલ ઓફ ફાર્મસીના રિપોર્ટ મુજબ છેલ્લા 15 વર્ષોમાં દુનિયાભરમાં એન્ટીબાયોટિકનો ઉપયોગ 65 ટકા વધી ગયો છે. કોરોના મહામારીથી બચવા અને પોતાની નબળી ઈમ્યુનિટીથી ડરેલા લોકો હવે સામાન્ય શરદી અને ઉધરસમાં પણ એન્ટીબાયોટિકનો ઉપયોગ કરી રહ્યા છે. અમેરિકાને આ સુપરબગના કારણે 5 અબજ ડોલરનું નુકસાન થઈ રહ્યું છે.
એન્ટીબાયોટિક વધુ ખતરનાક!
લાન્સેટના આ અભ્યાસમાં જણાવવામાં આવ્યું છે કે કઈ રીતે કોરોના મહામારીના કારણે હોસ્પિટલોમાં દર્દીઓએ એએમઆરના બોજને વધાર્યું છે. તેનું એક કારણ છે કે કોરોનાની સારવાર દરમિયાન વધુ દર્દીઓને એન્ટીબાયોટિક અપાઈ.
સુપરબગથી કઈ બીમારીઓ થાય છે
વર્ષ 2021માં અમરિકાએ 10થી વધુ રિસર્ચમાં જાણ્યું કે સુપરબગના કારણે પ્રીમેચ્યોર બર્થનું જોખમ વધે છે. જ્યારે પુરુષોને પેશાબ સંબંધિત પરેશાનીઓ થાય છે. જો કે તેનાથી માણસો પર લાંબા સમય સુધી થનારા દુષ્પ્રભાવો પર હજુ વધુ રિસર્ચ થઈ રહ્યું છે.
આ વીડિયો પણ ખાસ જુઓ...
કઈ રીતે બચવું
સુપરબગથી બચવા માટે સૌથી પહેલા હાથને સાબુ અને પાણીથી ધોવા જોઈએ. હાથ ધોવા માટે હેન્ડ સેનેટાઈઝરનો ઉપયોગ પણ કરી શકાય. ભોજનના સામાનને સ્વચ્છ જગ્યા પર રાખો. ભોજન સારી રીતે પકાવવું અને સ્વચ્છ પાણીનો ઉપયોગ કરવો. બીમાર લોકોના સંપર્કથી બચો. ડોક્ટરની સલાહ લીધા બાદ જ કોઈ એન્ટીબાયોટિક દવાનો ઉપયોગ કરવો. એન્ટીબાયોટિક દવાઓ બીજા સાથે શેર કરવી ન જોઈએ.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે