કેવું છે અમેરિકામાં તૈયાર થયેલું દુનિયાનું સૌથી મોટું હિંદુ મંદિર? રોબિન્સવિલે માટે ભવ્ય શબ્દ પણ પડે છે ઝાંખો!
ન્યૂયોર્કના ટાઈમ્સ સ્ક્વેરથી દક્ષિણમાં 90 કિલોમીટર દૂર આવેલા આ મંદિરને પ્રાચીન ભારતની વાસ્તુકલાના આધારે ડિઝાઈન કરાયું છે. નકશીકામની સુંદરતા અને ભવ્યતા બેનમૂન છે. મંદિરમાં 10 હજાર જેટલા શિલ્પ અને મૂર્તિઓ, ભારતીય સંગીતનાં ઉપકરણો તેમજ નૃત્ય સ્વરૂપોની કોતરણી જોઈ શકાય છે.
Trending Photos
ઝી બ્યુરો/ન્યૂજર્સી: અમેરિકાના ન્યૂ જર્સીમાં દુનિયાનું સૌથી મોટું હિંદુ મંદિર બનીને તૈયાર છે. અક્ષરધામ મંદિર પોતાનામાં વાસ્તુકલાનો અજોડ નમૂનો છે. 10 દિવસ બાદ આ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવશે, ત્યારે કેવું છે મંદિર પરિસર?
દુનિયાભરમાં એવા ઘણા મંદિરો છે, જે પોતાની ભવ્યતા માટે જાણીતા છે. આ જ યાદીમાં હવે વધુ એક મંદિર ઉમેરાયું છે. અમેરિકાના ન્યૂ જર્સીના રોબિન્સવિલેમાં તૈયાર કરાયેલું અક્ષરધામ મંદિર છે, જેનું આગામી 8 ઓક્ટોબરે ઉદ્ધાટન કરવામાં આવશે. 12 વર્ષના સમયમાં તૈયાર થયેલું આ મંદિર કલા સ્થાપત્યનો અજોડ નમૂનો છે. 183 એકરની વિશાળ જગ્યામાં ફેલાયેલું આ મંદિર પરિસર વિસ્તારની દ્રષ્ટિએ કમ્બોડિયાના અંગકોરવટ પછી બીજા ક્રમે આવે છે. અંગકોરવાટ મંદિર પરિસર 500 એકરમાં ફેલાયેલું છે. જો કે ન્યૂ જર્સીનું અક્ષરધામ આધુનિક જગતમાં તૈયાર કરાયેલું દુનિયાનું સૌથી મોટું મંદિર પરિસર છે.
ન્યૂયોર્કના ટાઈમ્સ સ્ક્વેરથી દક્ષિણમાં 90 કિલોમીટર દૂર આવેલા આ મંદિરને પ્રાચીન ભારતની વાસ્તુકલાના આધારે ડિઝાઈન કરાયું છે. નકશીકામની સુંદરતા અને ભવ્યતા બેનમૂન છે. મંદિરમાં 10 હજાર જેટલા શિલ્પ અને મૂર્તિઓ, ભારતીય સંગીતનાં ઉપકરણો તેમજ નૃત્ય સ્વરૂપોની કોતરણી જોઈ શકાય છે. મંદિર પરિસરમાં એક મુખ્ય મંદિર, 12 ઉપ મંદિર, 9 શિખર અને 9 પિરામીડ શિખરનો સમાવેશ થાય છે. અક્ષરધામની વાસ્તુકલામાં અત્યાર સુધીનો સૌથી મોટો લંબગોળ ગુંબજ આ મંદિરમાં છે.
સ્વામિનારાયણ સંસ્થા BAPS દ્વારા અક્ષરધામનું નિર્માણ કાર્ય 2011માં શરૂ કરાયું હતું, 12 હજાર 500થી વધુ સ્વયંસેવકોએ મંદિરના નિર્માણમાં મદદ કરી છે. આ સ્વયંસેવકો પોતે ઈતિહાસનાં સાક્ષી બન્યા હોવાનો અહેસાસ કરે છે. મંદિર એક હજાર વર્ષ સુધી ટકી રહે તે રીતે તેની ડિઝાઇન તૈયાર કરાઈ છે. બાંધકામ માટે અંદાજે 20 લાખ ઘનફૂટ પથ્થરનો ઉપયોગ કરવામાં આવ્યો છે.
ચૂનાના પત્થર, ગુલાબી સેંડસ્ટોન, માર્બલ અને ગ્રેનાઈટનો મહત્તમ ઉપયોગ કરાયો છે. આ પથ્થરને દુનિયાભરમાંથી મંગાવવામાં આવ્યા છે. ભારતમાંથી ગ્રેનાઈટ તેમજ સેન્ડસ્ટોન, ચીનમાંથી ગ્રેનાઈટ, બલ્ગેરિયા અને તુર્કીમાંથી ચૂનાના પથ્થર, ગ્રીસ, તુર્કી અને ઇટાલીનો આરસ તેમજ યુરોપ, એશિયા અને લેટિન અમેરિકામાંથી સુશોભન માટેના પથ્થર મંગાવવામાં આવ્યા હતા.
આ દ્રશ્યોને જોતાં જરૂર કહી શકાય કે અહીં આવનાર લોકો કલા સ્થાપત્ય તેમજ ધર્મના અનોખા સમન્વયના સાક્ષી બનશે. મંદિરનું ઉદ્ઘાટન 8 ઓક્ટોબરે કરવામાં આવશે અને 18 ઓક્ટોબરથી સામાન્ય લોકો માટે મંદિર ખોલવામાં આવશે. જો કે ઉદ્ધાટન પહેલાં હજારો લોકો મંદિરના દર્શને આવે છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે