World Cup Squad: અશ્વિન વર્લ્ડ કપ સ્ક્વોડમાં સામેલ, BCCI એ કરી જાહેરાત, અક્ષરનું તૂટ્યું સપનું

World Cup 2023: વર્લ્ડ કપ માટે ભારતીય ટીમમાં છેલ્લી ઘડીએ મોટો ફેરફાર કરવામાં આવ્યો છે. અનુભવી ઓફ સ્પિનર રવિચંદ્રન અશ્વિન (R Ashwin) ને ઇજાગ્રસ્ત અક્ષર પટેલ (Axar Patel) ની જગ્યાએ 15 સભ્યોની ટીમમાં સામેલ કરવામાં આવ્યા છે. 

World Cup Squad: અશ્વિન વર્લ્ડ કપ સ્ક્વોડમાં સામેલ,  BCCI એ કરી જાહેરાત, અક્ષરનું તૂટ્યું સપનું

Indian Squad for World Cup 2023: અનુભવી ઓફ સ્પિનર ​​રવિચંદ્રન અશ્વિન  (Ravichandran Ashwin) ને આગામી ODI વર્લ્ડ કપ-2023 (ODI World Cup-2023) માટે ભારતીય ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે. ઇજાગ્રસ્ત અક્ષર પટેલની જગ્યાએ તેને 15 સભ્યોની ટીમમાં તક મળી હતી. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) એ ગુરુવારે આ મોટી જાહેરાત કરી હતી.

અક્ષરનું તૂટ્યું સપનું
37 વર્ષીય અશ્વિનને ઈજાગ્રસ્ત અક્ષર પટેલ (Axar Patel)ના સ્થાને પસંદગી કરવામાં આવી છે. તે તેના ડાબા ક્વાડ્રિસેપ્સની ઈજામાંથી બહાર આવી શક્યો નથી. 15 સપ્ટેમ્બરે બાંગ્લાદેશ સામેની એશિયા કપ-2023 (Asia Cup-2023) ની મેચમાં તે ઈજાગ્રસ્ત થયો હતો. આ સાથે અક્ષર પટેલનું વનડે વર્લ્ડ કપ રમવાનું સપનું પણ ચકનાચૂર થઈ ગયું. અશ્વિન પહેલાથી જ ટીમ સાથે ગુવાહાટી ગયો છે, જ્યાં 30 સપ્ટેમ્બરે પ્રેક્ટિસ મેચમાં તેનો સામનો ઈંગ્લેન્ડ સામે થશે.

ઓસ્ટ્રેલિયા સીરીઝમાં કર્યું શાનદાર પ્રદર્શન 
અશ્વિનને ઓસ્ટ્રેલિયા સામેની 3 મેચની ODI શ્રેણીમાં તક મળી જેમાં તેણે જોરદાર પ્રદર્શન કર્યું. તેણે ઈન્દોરમાં રમાયેલી સીરીઝની બીજી વનડેમાં 3 વિકેટ ઝડપી હતી. તેણે મોહાલીમાં 1 વિકેટ પણ લીધી હતી. આ રીતે, તેણે સીરીઝમાં 2 મેચ રમી અને 4 વિકેટ લીધી. રસપ્રદ વાત એ છે કે અશ્વિન લગભગ 20 મહિના પછી આ ફોર્મેટમાં પાછો ફર્યો હતો અને હવે તેને વર્લ્ડ કપની ટિકિટ મળી ગઈ છે.

અશ્વિન પાસે ઘણો અનુભવ
અશ્વિનને 115 વન-ડે ઈન્ટરનેશનલ મેચ રમવાનો અનુભવ છે. તેણે આ ફોર્મેટમાં આંતરરાષ્ટ્રીય સ્તરે 155 વિકેટ લીધી છે. તેણે ટેસ્ટમાં 94 મેચમાં 489 વિકેટ લીધી છે. આ સિવાય તેણે 65 T20 ઈન્ટરનેશનલ મેચમાં 72 વિકેટ લીધી છે.

12 વર્ષ પછી મોટી તક
ભારતીય ટીમ પાસે 12 વર્ષ બાદ ODI વર્લ્ડ કપ જીતવાની મોટી તક છે. ટીમ ઈન્ડિયાએ 2011માં તેની યજમાનીમાં ODIમાં વર્લ્ડ ચેમ્પિયન બનવાનું ગૌરવ પ્રાપ્ત કર્યું હતું. આ વખતે પણ ભારત વર્લ્ડ કપની યજમાની કરી રહ્યું છે. રોહિત શર્મા ICC ટૂર્નામેન્ટમાં ટીમનું નેતૃત્વ કરશે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news