હવે ધનિક દેશોને પણ નડી મોંઘવારી! ખાદ્ય સામગ્રીની આયાતમાં થયો મોટા પ્રમાણમાં ઘટાડો

દુનિયાભરમાં મોંઘવારીએ માજા મુકી છે. વધતી જતી મોંઘવારીને કારણે વેપાર-ધંધાને માઠી અસર પહોંચી છે. 2022-23માં ઘઉંનું ઉત્પાદન રેકોર્ડ 78.4 કરોડ ટન સુધી પહોંચવાની અપેક્ષા છે. એની સામે ખાદ્ય સામગ્રીની આયાતમાં ઘટાડો થયો છે. રિપોર્ટ પ્રમાણે 2022-23માં ઘઉંનું ઉત્પાદન રેકોર્ડ 78.4 કરોડ ટન સુધી પહોંચવાની આશા છે. કેનેડા અને રશિયામાં સારા પાકને કારણે આવું થશે. વધુ ઉત્પાદનને કારણે ઘઉંનો સ્ટોક રેકોર્ડ સ્તરે પહોંચશે પરંતુ આ સ્ટોક મુખ્યત્વે ચીન અને રશિયામાં હશે. આ વર્ષે બાકીના વિશ્વમાં ઘઉંના સ્ટોકમાં 8%નો ઘટાડો થવાની ધારણા છે.

હવે ધનિક દેશોને પણ નડી મોંઘવારી! ખાદ્ય સામગ્રીની આયાતમાં થયો મોટા પ્રમાણમાં ઘટાડો

નવી દિલ્હીઃ માત્ર ભારતમાં જ મોંઘવારી વધી છે એવું નથી. અમેરિકા, ચાઈના અને જાપાન સહિતના સમૃદ્ધ દેશોને પણ મોંઘવારીની અસર નડી રહી છે. તેની સીધી અસર વ્યાપાર ક્ષેત્રે સ્પષ્ટ જોઈ શકાય છે. વધતી જતી મોંઘવારીને કારણે દુનિયાભરના સમૃદ્ધ દેશોએ પણ કેટલી બાબતોમાં પોતાના ખર્ચમાં મોટ કાપ મુકવાનું નક્કી કર્યું છે. જેમાં ખાદ્ય સામગ્રીની આયાતનો પણ સમાવેશ થાય છે. બીજા દેશો પાસેથી મંગાવવામાં આવતી ખાદ્ય સામગ્રી પર મોટો ખર્ચ થતો હોવાથી સમૃદ્ધ દેશોએ પણ આયાત પર રોક લગાવવાનું નક્કી કર્યું છે.

વર્ષ 2022માં વિશ્વના વિવિધ દેશોનું ખાદ્ય આયાત બિલ 1.94 લાખ કરોડ ડોલર સુધી પહોંચવાનો અંદાજ છે. સંયુક્ત રાષ્ટ્રના ફૂડ એન્ડ એગ્રીકલ્ચર ઓર્ગેનાઈઝેશન (FAO)એ પોતાના નવા રિપોર્ટમાં આ વાત જણાવી છે. આ ફૂડ આઉટલુક પ્રમાણે 2021માં પણ ખાદ્ય આયાત બિલ સર્વકાલીન ઉચ્ચ સ્તરે હતું. પરંતુ આ વર્ષે તેમાં વધુ 10%નો વધારો થવાની ધારણા છે. જો કે, આયાત બિલમાં વૃદ્ધિનો દર ગયા વર્ષના 18% કરતા ઓછો રહેશે. આના બે મુખ્ય કારણો છે. એક- ખાદ્ય ચીજવસ્તુઓના ભાવમાં ઘણો વધારો થયો છે અને બીજું- અમેરિકી ડોલરની સરખામણીમાં વિવિધ દેશોની કરન્સીમાં ઘણો ઘટાડો થયો છે. આ બંને કારણોથી ખાદ્ય આયાત કરતા દેશોની ક્ષમતાને અસર કરશે અને તેઓ ઓછા ખોરાકની આયાત કરશે.

આ વર્ષે ખાદ્ય આયાત બિલમાં વધારો મુખ્યત્વે ઉચ્ચ આવક ધરાવતા દેશોને કારણે થયો છે. તે દેશોએ ઉંચી કિંમતે ખાદ્યપદાર્થોની મોટી માત્રામાં આયાત કરી છે. આર્થિક રીતે નબળા દેશો ભાવ વધારાથી વધુ પ્રભાવિત થાય છે. ઉદાહરણ તરીકે ઓછી આવક ધરાવતા દેશોનું ખાદ્ય આયાત બિલ ગયા વર્ષ જેટલું જ રહેવાનો અંદાજ છે જ્યારે માત્રા પ્રમાણે તેમની આયાત ગયા વર્ષની તુલનામાં 10% ઓછી હશે. આ પરથી જાણી શકાય કે, આ દેશોની ક્ષમતા કેટલી પ્રભાવિત થઈ છે.

રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, ખાદ્ય સુરક્ષાના દૃષ્ટિકોણથી ચિંતાજનક સંકેતો છે. આયાત કરતા દેશોને વૈશ્વિક બજારમાં વધતા ભાવે ખાદ્ય ચીજો ખરીદવામાં મુશ્કેલી પડી રહી છે. તે એક સંકેત પણ છે કે, તે દેશો સંભવતઃ ઊંચા ભાવો સામે ઝઝૂમી રહ્યા છે. ફૂડ આઉટલુક રિપોર્ટ વિવિધ ખાદ્ય પદાર્થોના જૂથો અને પેટર્ન વિશે પણ માહિતી પ્રદાન કરે છે. તેમાં કહેવામાં આવ્યું છે કે, ઉચ્ચ આવક ધરાવતા દેશો તમામ પ્રકારની ખાદ્ય ચીજોની આયાત કરે છે જ્યારે વિકાસશીલ દેશોએ માત્ર દૈનિક ઉપયોગમાં લેવાતી મુખ્ય ખાદ્ય ચીજો પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે. આ સંદર્ભમાં FAO એ ઇન્ટરનેશનલ મોનેટરી ફંડ (IMF) ની ફૂડ શોક વિન્ડોનું સ્વાગત કર્યું છે. તે ઓછી આવક ધરાવતા દેશો માટે ખાદ્ય આયાતની ફાઈનેન્સિંગ માટે છે. 

ફૂડ આઉટલુક રિપોર્ટ ખાતરો અને અન્ય આયાતી કૃષિ ઇનપુટ્સ પર વિશ્વવ્યાપી ખર્ચને પણ માપે છે. અહેવાલ પ્રમાણે 2022માં વિશ્વભરમાં ઈનપુટ્સની આયાત 424 અબજ ડોલર સુધી પહોંચવાની અપેક્ષા છે. તે 2021 કરતા 48% વધુ અને 2020 કરતા 112% વધુ હશે. આમાં સૌથી વધુ વધારો ઊર્જા અને ખાતરની આયાતમાં થશે. ઉર્જા આયાત બિલ 2021માં 125.2 અબજ ડોલરથી વધીને 197.5 અબજ ડોલર અને ખાતરનું 107.5 અબજ ડોલરથી 168 અબજ ડોલર થવાનો અંદાજ છે. ઉર્જા અને ખાતર હંમેશા ખાદ્ય આયાત બિલનો મોટો હિસ્સો રહ્યો છે. તેમના આયાત બિલમાં વધારો ઓછી આવક અને મધ્યમ આવક ધરાવતા દેશોની ચાલુ ખાતાની ખાધને અસર કરશે. તેથી કેટલાક દેશોને કૃષિ ઈનપુટ્સની આયાત ઘટાડવાની ફરજ પડી શકે છે. પરંતુ તેનાથી તેમની ઉત્પાદકતા પર અસર પડશે અને ઘરના સ્તરે ખાદ્ય ચીજોની ઉપલબ્ધતામાં પણ ઘટાડો થશે. તેથી FAO એ ચેતવણી આપી છે કે, વૈશ્વિક કૃષિ ઉત્પાદન અને ખાદ્ય સુરક્ષાની નકારાત્મક અસર 2023 સુધી ચાલુ રહેશે.

 

તેલીબિયાંનું ઉત્પાદન 2022-23 માર્કેટિંગ વર્ષમાં રેકોર્ડ સ્તરે વધવાની અપેક્ષા છે. આ વર્ષે સૂર્યમુખીના ઉત્પાદનમાં થયેલા ઘટાડાને સોયાબીન અને રેપસીડના ઊંચા ઉત્પાદન દ્વારા સરભર કરવાની અપેક્ષા છે. તેલીબિયાંનું કુલ ઉત્પાદન 65.45 કરોડ ટન થશે. જે 2021-22ની સરખામણીમાં 7% વધુ હશે. વિશ્વમાં ખાંડનું ઉત્પાદન પણ વધવાનો અંદાજ છે. તેનું એક કારણ બ્રાઝિલમાં શેરડીમાંથી ખાંડની વસૂલાતમાં નોંધપાત્ર વધારો છે. બીજું, ચીન અને થાઈલેન્ડમાં મોટા વિસ્તાર પર શેરડીની ખેતી કરવામાં આવી છે. તેનાથી વિપરીત, ખાંડના વપરાશમાં વધારો થવાનો દર ઘટ્યો છે. 2022-23માં વૈશ્વિક ખાંડનું ઉત્પાદન 17.96 કરોડ ટન રહેવાનો અંદાજ છે જે ગયા વર્ષ કરતાં 2.6% વધુ હશે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news