કોરોનામાં જેતપુરનો સાડી ઉદ્યોગ પડી ભાંગ્યો, નાના કારખાનેદારની સ્થિતિ પણ કારીગર જેવી બની

કોરોનામાં જેતપુરનો સાડી ઉદ્યોગ પડી ભાંગ્યો, નાના કારખાનેદારની સ્થિતિ પણ કારીગર જેવી બની
  • પરપ્રાંતિય કારીગરોની વતન વાપસીથી મોટાભાગના કારખાનાઓ બંધ થયા 
  • નિકાસ થતા રાજ્યોમાં લોકડાઉનથી હાલત કફોડી, તેથી નવા ઓર્ડર પણ આવી નથી રહ્યાં 

ગૌરવ દવે/રાજકોટ :વૈશ્વિક મહામારી કોરોનાથી લોકો પોતાનો જીવ ગુમાવી રહ્યાં છે. ત્યારે ધંધા રોજગારની પરિસ્થિતિ કફોડી બની છે. જેતપુરનો જીવાદોરી સમાન સાડી ઉદ્યોગ પણ હાલ કોરોનાની ઝપટમાં આવી ગયો છે. કારખાનામાં કામ કરતા કારીગરોમાં પરપ્રાંતિય કારીગરે મોટાભાગના પરપ્રાંતિયો છે. શહેરમાં 1500થી વધુ સાડી પ્રિન્ટીંગ યુનીટમાં 30 થી 40 હજાર પરપ્રાંતિય શ્રમિકો કામ કરે છે. 

ગત વર્ષે લોકડાઉન થતાં આ પરપ્રાંતિયો પોતાના વતન જવા માટે હેરાન થયા હતા. તેથી ઉદ્યોગકારોએ પોતાના ખર્ચે તેમને વતન મોકલ્યા હતા. આ વખતે પણ લોકડાઉન થઇ જશે તો તેઓ હેરાન થશે તેવું વિચારી મોટાભાગના કારીગરો તેમના વતન જતા રહ્યા છે. તેથી હાલ કામ થઇ શકતુ નથી. ઉપરાંત જે રાજ્યોમાં શહેરની કોટન પ્રિન્ટ થઇ નિકાસ થતુ તે રાજ્યો બહાર ઓડિસા, કોલકાતા, બંગાળમાં લોકડાઉન હોય ત્યાંના વેપારીઓ ઓર્ડર આપતા નથી. 

તો બીજી તરફ કાપડ પણ આવતુ ન હોઈ હાલ માત્ર 25 ટકા જેટલા કારખાનામાં કામ ચાલે છે. તેના કારણે નાના કારખાનેદારોને વિકટ પરિસ્થિતિનો સામનો કરવાનો વારો આવ્યો છે. કેમ કે કારખાનાનું ભાડુ, લોનના હપ્તા, માણસોના પગાર પણ ચૂકવી શકાય તેટલું કામ ચાલતુ નથી. જો માલ છાપે તો તેનું ડેમેજ વધે છે. કારખાનાઓના કારણે તેની સાથે જોડાયેલ અન્ય ધંધા રોજગાર પણ ઠપ્પ થઇ ગયા છે.

એક માત્ર સાડી ઉદ્યોગ હોય મંદીનો માહોલ જોવા મળી રહ્યો છે. ડાઇંગ એસો.ના પ્રમુખ જેન્તીભાઇ રામોલીયાએ જણાવ્યું કે, નાના કારખાનેદારો મુશ્કેલીમાં મૂકાયા છે. કારખાના ઉપર જ તેમના પરિવારનું ભરણ પોષણ ચાલતુ હોય કામ બંધ થવાથી કારીગર જેવી પરિસ્થિતિ થઇ ગઇ છે. સરકાર નાના કારખાનેદારો વિશે કંઇક યોગ્ય કરે તે જરૂરી છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news