જેને ગર્લફ્રેન્ડ બનાવવા આખા ભારતના યુવાનો હતા તલપાપડ, તેનો દીકરો હવે બની ગયો છે હીરો!
આ નવોદિત એક્ટરની ફિલ્મ ટોરેન્ટો ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ 2018 (TIFF)માં વર્લ્ડ પ્રીમિયર માટે પસંદગી પામી છે
Trending Photos
નવી દિલ્હી : બોલિવૂડની આગામી ફિલ્મ 'મર્દ કો દર્દ નહીં હોતા'ની પસંદગી ટોરન્ટો ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ (TIFF)માં વર્લ્ડ પ્રીમિયર માટે કરવામાં આવી છે. આ ફિલ્મ એવા યુવાનની વાર્તા છે જેને કોઈ દર્દ નથી થતું. ડિરેક્ટર વસન વાળાની આ ફિલ્મમાં નવોદિત કલાકારો અભિમન્યુ દાસાણી અને રાધિકા મદાન મુખ્ય ભુમિકા ભજવી રહ્યા છે. નોંધનીય છે કે અભિમન્યુ ફેમસ ફિલ્મ 'મૈંને પ્યાર કિયા'ની હિરોઇન ભાગ્યશ્રીનો દીકરો છે. આ ફિલ્મ પછી ભાગ્યશ્રી યુવાનોમાં એટલી લોકપ્રિય થઈ ગઈ હતી કે આખા ભારતના યુવાનોમાં તે ફેવરિટ બની ગઈ હતી.
49 વર્ષની ભાગ્યશ્રી શાહી મરાઠી પરિવાર સાથે સંબંધ ધરાવે છે અને તેનું આખું નામ ભાગ્યશ્રી પટવર્ધન છે. 'મેંને પ્યાર કિયા' માટે જ્યારે તેની પસંદગી કરવામાં આવી ત્યારે તેની ઉંમર માત્ર 18 વર્ષની હતી. તેણે અમોલ પાલેકરના ટીવી શો 'કચ્ચી ધૂપ'થી પોતાની કરિયરની શરૂઆત કરી હતી. આજે પણ લોકોના દિલમાં ભાગ્યશ્રીની યાદ તાજી છે.
'મેંને પ્યાર કિયા' હિટ સાબિત થયા પછી તેણે પોતાના બાળપણના મિત્ર અને બિઝનેસમેન હિમાલય દાસાણી સાથે લગ્ન કરી લીધા હતા. લગ્ન પછી તેણે પતિ સાથે 'કેદ મેં હૈં બુલબુલ', 'પાયલ' અને 'ત્યાગી' જેવી ફિલ્મોમાં કામ કર્યું હતું પણ સફળતા નહોતી મળી. ભાગ્યશ્રી રિયલ લાઇફમાં અભિમન્યુ અને અવંતિકા નામના બે સંતાનોની માતા છે. 50ની નજીક હોવા છતાં પણ તે આજે પણ ફિટ અને ખૂબસુરત લાગે છે તેમજ સોશિયલ મીડિયામાં તેના ચાહકોની સંખ્યા ઘણી વધારે છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે