બાળપણની સખીએ કર્યો મોટો ખુલાસો, શ્રીદેવીએ દુબઈ જતા પહેલા ફોન પર કરી હતી વાત
લગ્નમાં ગયા પહેલા શ્રીદેવીના એક ફોનકોલની વિગતો સામે આવી છે. જે મુજબ શ્રીદેવીની તબિયત દુબઈ જતા પહેલા સારી નહતી.
- દુબઈ જતા પહેલા શ્રીદેવીએ કર્યો હતો સહેલીને ફોન
- ફ્રેન્ડે કહ્યું કે શ્રીદેવીને હતો તાવ, લઈ રહી હતી એન્ટીબાયોટિક
- ફોન પર શ્રીદેવીએ કહ્યું હતું કે થાક મહેસૂસ કરી રહી છે
Trending Photos
નવીદિલ્હી: શ્રીદેવી કે જે બે દિવસ પહેલા થયેલા લગ્નમાં ઠુમકા મારી મારીને નાચી રહી હતી, એકદમ સ્વસ્થ હતી, સજીધજેલી જોવા મળી હતી તેનું અચાનક જ શનિવારે નિધન થઈ ગયું તે હકીકત પચાવવી અઘરી પડી રહી છે. શનિવારે અચાનક જ તેના નિધનના સમાચારથી બોલિવૂડ સહિત દેશ સ્તબ્ધ થઈ ગયો છે. સોમવારે દુબઈના ફોરેન્સિક વિભાગના પોસ્ટમોર્ટમ રિપોર્ટ મુજબ શ્રીદેવીનું મોત બાથટબમાં દુર્ઘટનાના કારણે ડૂબી જવાથી થયું છે. શ્રીદેવીના નિધન બાદ બોની કપૂરના ભાઈ સંજય કપૂરે પણ કહ્યું હતું કે તે લગ્નમાં જોશભેર ભાગ લેતી હતી અને તેને કોઈ બીમારી નહતી. પરંતુ આ લગ્નમાં ગયા પહેલા શ્રીદેવીના એક ફોનકોલની વિગતો સામે આવી છે. જે મુજબ શ્રીદેવીની તબિયત દુબઈ જતા પહેલા સારી નહતી.
આ વાતની જાણકારી શ્રીદેવીની એક અંગત સખીએ આપી છે. જેની સાથે શ્રીદેવીએ દુબઈ જતા પહેલા ફોન પર વાત કરી હતી. મિડ ડેના અહેવાલ મુજબ પિંકી રેડ્ડી, શ્રીદેવીના બાળપણની સખી છે. દુબઈમાં ભાણીયા મોહિત મારવાહના લગ્નમાં જતા પહેલા પિંકી રેડ્ડી સાથે ફોન પર વાત કરતા શ્રીદેવીએ પોતાની બીમારી અંગે જણાવ્યું હતું. પિંકી રેડ્ડીએ મિડ ડેને જણાવ્યું કે મેં એક નાની બહેન ગુમાવી છે. અમે ખરાબ રીતે તૂટી ગયા છીએ. દુબઈ જતા પહેલા મારી તેની સાથે વાત થઈ હતી. તેને તાવ હતો અને તે એન્ટીબાયોટિક્સ લેતી હતી. બહુ થાક તે મહેસૂસ કરી રહી હતી. પરંતુ તેણે જણાવ્યું હતું કે તેણે લગ્નમાં જવું જ પડશે.
પિંકી રેડ્ડીએ શ્રીદેવીના મોતના કારણો પર લગાવવામાં આવતી અટકળો ઉપર પણ તેણે નારાજગી વ્યક્ત કરી. તેણે કહ્યું કે લોકો શ્રીદેવીના મોતની મજાક બનાવી રહ્યાં છે તેનાથી તેને ખુબ નારાજગી છે. અત્રે જણાવવાનું કે શ્રીદેવીના અંતિમ સંસ્કાર આજે બપોરે 3.30 વાગે વિલે પાર્લેના સેવા સમાજ શ્મસાન ભૂમિ ખાતે કરવામાં આવશે. તેનું પાર્થિવ શરીર મુંબઈના લોખંડવાલા સ્થિત સેલીબ્રેશન સ્પોર્ટ્સ ક્લબમાં રાખવામાં આવ્યો છે. જેથી કરીને લોકો અંતિમ દર્શન કરી શકે. શ્રીદેવીના અંતિમ દર્શન માટે સમગ્ર બોલિવૂડ ઉમટી પડ્યું છે. તેના ફેન્સ લાંબી લાઈન લગાવી રહ્યાં છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે