#MeToo : પિયુષ મિશ્રા પર મહિલા પત્રકારે લગાવ્યો આરોપ, સોશિયલ મીડિયા પર શેયર કરી આપવીતી
#MeTooના ઘેરામાં બોલિવૂડની અનેક સેલિબ્રિટીઓ આવી ગઈ છે
Trending Photos
નવી દિલ્હી : હાલમાં ભારતમાં #MeToo મુવમેન્ટ ભારે ચર્ચામાં છે. આ મુવમેન્ટમાં બોલિવૂડની અનેક સેલિબ્રિટીઓના નામ સંડોવાઈ ચૂક્યા છે. હવે આ મામલામાં નામ આવ્યું છે સિંગર, રાઇટર અને ડિરેક્ટર પિયુષ મિશ્રાનું. પત્રકાર રહેલી એક મહિલાએ પિયુષ મિશ્રા પર સેક્સુઅલ હેરેસમેન્ટનો આરોપ લગાવ્યો છે. આ મામલે પિયુષ મિશ્રાએ પોતાનો પક્ષ મુકી માફી માગી છે.
કેતકી જોશી નામની પત્રકારે ફેસબુક પર પોસ્ટ કરતા પોતાની આપવીતી જણાવી. તેણે લખ્યું, ‘વર્ષ 2014માં હું મારા મિત્રો સાથે એક પાર્ટીમાં ગઈ હતી, જ્યાં પિયુષ મિશ્રાને મહેમાન તરીકે બોલાવવામાં આવ્યા હતા. હું તેમની ખૂબ મોટી ફેન હતી અને તેમને આટલા નિકટથી સાંભળીને ખુશ હતી. તેમણે મને કોર્નરમાં ઊભેલી જોઈ અને કહ્યું કે હું તમારી પાસે આવીને બેસી શકું છું. એક ફેન તરીકે આ મારા માટે ખાસ હતું. વાતચીત દરમિયાન તેમણે લગભગ 20-25 લોકો સામે મારી સાથે ફ્લર્ટ કરવાનું શરૂ કરી દીધું. આ બાદ તેમણે મારી તરફ જોઈને એક ગીત પણ ગાયું. બધુ બરાબર ચાલી રહ્યું હતું. પાર્ટી દરમિયાન તેઓ દારૂ પી રહ્યા હતા અને જ્યાં સુધી પાર્ટી ખતમ થવા આવી ત્યાં સુધીમાં તેઓ નશામાં ચૂર થઈ ગયા હતા. બધા જઈ રહ્યા હતા. હું મારી મિત્ર સાથે પાર્ટીમાં આવી હતી, આથી તેના ફ્રી થવાની રાહ જોવા લાગી. પિયુષ મિશ્રા એક ખુરશીમાં બેઠા હતા. જ્યારે હું તેમની બાજુમાંથી નીકળી તો તેમણે મારો હાથ પકડી લીધો અને પોતાનો હાથ મસળવા લાગ્યા. મેં પાર્ટીના હોસ્ટ તરફ જોયું અને તે મારો ઈશારો સમજી ગઈ. તેમણે મને અવાજ આપીને કહ્યું, કેતકી મારી સાથે આવીને મને પ્લેટ્સ લાવવામાં મદદ કર. મેં જવાનો પ્રયાસ કર્યો તેમણે ફરીથી મારો હાથ પકડી લીધો. હું આમ-તેમ મદદ શોધવા લાગી. આ વચ્ચે તેઓ ઊભા થયા. મને સમજાઈ ગયું કે તેઓ મને પકડશે અથવા તો હગ કરશે. આ સ્થિતિથી બચવા માટે મેં જોરથી તેમને કહ્યું, તમે પ્લીઝ બેસી જાઓ. મારો અવાજ સાંભળીને ત્યાં ઉપસ્થિત લોકો આવ્યા અને પિયુષ મિશ્રાને દૂર કર્યા.
પિયુષ મિશ્રાએ પીટીઆઈ સાથે વાતચીત દરમિયાન આ મામલે માફી માગી છે. તેમણે કહ્યું કે તેમને અન્ય લોકો દ્વારા પોસ્ટ અને આરોપો વિશે જાણ થઈ. તેમણે આગળ કહ્યું, હું કદાચ દારુના નશામાં હતો આથી મને આ પ્રકારની ઘટના વિશે યાદ નથી. જોકે મારી કોઈ વાત અથવા હરકતથી હેરાનગતિ થઈ હોય તો હું મહિલાની માફી માગું છું.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે