Amazon Prime Video ફરી મુશ્કેલીમાં, આ અભિનેત્રીના ફોટાનો એસ્કોર્ટ તરીકે થયો ઉપયોગ
સ્ટ્રીમિંગ પ્લેટફોર્મ અમેઝોન પ્રાઈમ વીડિયો (Amazon Prime Video) ની મુશ્કેલીઓ ઓછી થવાનું નામ જ નથી લેતી. તાંડવ વેબ સિરીઝને લઈને ઉઠેલા વિવાદ બાદ હવે વધુ એક વિવાદ ઊભો થયો છે.
Trending Photos
નવી દિલ્હી: સ્ટ્રીમિંગ પ્લેટફોર્મ અમેઝોન પ્રાઈમ વીડિયો (Amazon Prime Video) ની મુશ્કેલીઓ ઓછી થવાનું નામ જ નથી લેતી. તાંડવ વેબ સિરીઝને લઈને ઉઠેલા વિવાદ બાદ હવે વધુ એક વિવાદ ઊભો થયો છે. હવે બોમ્બે હાઈકોર્ટે અભિનેત્રી સાક્ષી મલિકની ફરિયાદ પર અમેઝોન પ્રાઈમ વીડિયોને ફટકાર લગાવી છે. કોર્ટે અમેઝોન પ્રાઈમ વીડિયોને તેલુગુ ફિલ્મ વી (V) ને OTT પ્લેટફોર્મથી હટાવવાનો આદેશ આપ્યો છે. અભિનેત્રીનો દાવો છે કે તેની તસવીરને ફિલ્મમાં ખોટી રીતે ઉપયોગમાં લેવાઈ છે. આ માટે તેણે બદનક્ષીનો કેસ દાખલ કર્યો છે.
આ કારણે કરાયો કેસ
મોડલ-અભિનેત્રી સાક્ષી મલિકે વેન્કટેશ્વર ક્રિએશન્સ પ્રાઈવેટ લિમિટેડ વિરુદ્ધ બોમ્બે હાઈકોર્ટમાં કેસ દાખલ કર્યો હતો. સાક્ષીનું કહેવું છે કે ફિલ્મમાં તેની તસવીરનો ઉપયોગ મંજૂરી વગર કરાયો છે. સાક્ષીના વકીલ સુવીન બેદીએ કહ્યું કે ફિલ્મમાં સાક્ષીના ફોટાનો એસ્કોર્ટ તરીકે ઉપયોગ થયો છે. હાઈકોર્ટે આદેશ બહાર પાડીને કહ્યું કે મંજૂરી વગર કોઈની અંગત તસવીરનો ઉપયોગ પહેલી નજરે અસ્વીકાર્ય, ગેરકાયદેસર છે.
જસ્ટિસે કહી આ વાત
જસ્ટિસ ગૌતમ પટેલે આ કેસના ચુકાદામાં કહ્યું કે આ ફોટાનો ગેરકાયદે ઉપયોગ કરવો સંપૂર્ણ રીતે ખોટું છે. ફોટાનું નિમ્નસ્તરે ઉપયોગ વધુ ખરાબ છે. કોર્ટે ઓટીટી પ્લેટફોર્મ અમેઝોન (Amazon Prime Video) ને 24 કલાકની અંદર ફિલ્મને હટાવવાનો આદેશ આપ્યો છે. કહેવાયું કે જ્યાં સુધી ફિલ્મથી ફોટો હટાવવામાં ન આવે ત્યાં સુધી તેને ઓટીટી પ્લેટફોર્મથી હટાવવાનું રહેશે. સાક્ષીના વકીલે પોતાનો પક્ષ રજુ કરતા કહ્યું કે અભિનેત્રીના સોશિયલ મીડિયા પર ઘણો ફેન ફોલોઈંગ છે. તે બોલીવુડ ફિલ્મોમાં પણ નજરમાં આવેલી છે. આવામાં તેની છબી પર ખરાબ અસર પડી શકે છે. અત્રે જણાવવાનું કે તેલુગુ ફિલ્મ વી (V) 5 સપ્ટેમ્બર 2020ના રોજ અમેઝોન પર રિલીઝ થઈ હતી.
સાક્ષીનો દાવો
સાક્ષીનું કહેવું છે કે તેણે ઓગસ્ટ 2017માં પોતાનો એક પોર્ટફોલિયો શૂટ કરાવ્યો હતો. તેની તસવીરો ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર પોસ્ટ કરી હતી. તેમાંથી એક ફોટો વી (V) ના એક સીનમાં એસ્કોર્ટ વર્કર તરીકે દેખાડવામાં આવી. તેણે કહ્યું કે આ તેની પ્રાઈવસી પર હુમલો છે અને એસ્કોર્ટ તરીકે દેખાડવું અપમાનજનક છે.
નિર્માણ કંપનીનો દાવો
સાક્ષીની તસવીરના ઉપયોગ મુદ્દે નિર્માણ કંપનીએ કહ્યું કે તેમણે આ તસવીર માટે એક એજન્સીને કોન્ટ્રાક્ટ આપ્યો હતો. આ સાથે જ કહ્યું કે તેમને એવું લાગ્યું હતું કે એજન્સીએ પહેલેથી આ મંજૂરી લઈ રાખી છે. આ જવાબને કોર્ટે સ્વીકાર્યો નહી. કોર્ટે આ સાથે જ કહ્યું કે ફેરફાર કર્યા બાદ સાક્ષી અને તેના વકીલને બતાવવું પડશે. ત્યારબાદ જ અમેઝોન ફિલ્મને OTT પ્લેટફોર્મ (Amazon Prime Video) પર રજુ કરી શકે છે. આ મામલે આગામી સુનાવણી 8 માર્ચે થવાની છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે