જયા જ્યારે બચ્ચન નહોતી! જન્મદિવસે જાણો તેના પિયરની ખાસ વાતો
આજે જયા બચ્ચનનો જન્મદિવસ છે
Trending Photos
મુંબઈ : 9 એપ્રિલ, 1948ના દિવસે જબલપુર ખાતે જન્મેલી એક્ટ્રેસ જયા બચ્ચનનો આજે જન્મદિવસ છે. જયા બચ્ચન અત્યારે તો અમિતાભ બચ્ચનના પત્ની અને રાજકારણી તરીકે જાણીતા છે. જોકે અમિતાભ સાથેના લગ્ન પહેલાં જ્યારે તેઓ જયા ભાદુરી હતા ત્યારે એક કાબેલ અને સશક્ત એક્ટ્રેસ તરીકે જાણીતા હતા. જયા બચ્ચન એક્ટ્રેસ તરીકે ફેમસ હતા પણ તેમના પિયર વિશે આજે પણ બહુ ઓછી માહિતી છે.
જયાના પિતાનું નામ તરુણ ભાદુરી હતું અને માતાનું નામ ઈંદિરા. જયાના દાદા ઈન્દ્રભૂષણના વખતથી ભાદુરી પરિવાર અંગ્રેજોની સામે આઝાદીની ચળવળમાં ભાગ લેતો આવ્યો હતો. ત્રીજી પેઢીએસુધાંશુ ભૂષણ નામના યુવાને પણ લડતમાં સક્રિય ભાગ લીધો હતો, પણ એ અંગ્રેજોની નજરે ચડી ગયો. એની ધરપકડ કરવામાં આવી. જેલમાં દાખલ થતી વખતે એણે પોતાનું સાચું નામ છુપાવ્યું. સુધાંશુને બદલે તરુણકુમાર લખાવી દીધું. જેલમાંથી જ્યારે તે છૂટ્યા ત્યારે બધાંએ આ જ નામથી એને બોલાવવાનું ચાલુ કરી દીધું. આ તરૂણકુમાર એટલે જયાના પિતા.
તરૂણે પત્રકાર તરીકે કારકિર્દી શરૂ કરી દીધી. શરૂમાં તેઓ નાગપુરમાં હતા અને ત્યાંના ‘નાગપુર ટાઈમ્સ’માં પત્રકાર તરીકે કામ કરતા હતા. તેમના પિતાની બદલી પછી ભોપાલ થઈ એટલે ‘સ્ટેટસમેન’ના પત્રકાર બન્યા. એ પછી બે-પાંચ વર્ષને બાદ કરતાં તરુણકુમારે આખી જિંદગી ભોપાલમાં જ વિતાવી દીધી. 1944માં તરુણકુમારનાં લગ્ન પટણામાં રહેતા ગોસ્વામી પરિવારની કન્યા ઈંદિરા સાથે થયા. તેમના સંતાનો એટલે જયા, નીતા અને રીટા. આમાં જયા ભાદુરી સૌથી મોટી દીકરી.
જયાને ફિલ્મોમાં બ્રેક મળ્યો સત્યજિત રાયની બંગાળી ફિલ્મથી. એક દિવસ રવિ ઘોષ નામનાં એક બંગાળી કલાકાર જયાના પિતા તરુણકુમાર ભાદુરીને મળવા માટે આવ્યા. અને એમના હાથમાં એક ચિઠ્ઠી મુકી દીધી. ચિઠ્ઠી સત્યજિત રાયે સ્વહસ્તે લખેલી હતી. તેમણે પરિવારને પોતાના ઘરપે ભોજન માટે આમંત્રણ પાઠવ્યું હતું અને સાથે મોટી દીકરી જયાને ખાસ લઈને જવાનો ભારપૂર્વક આગ્રહ કરેલો હતો. તરુણકુમારને સત્યજિત રાયની સાથે એવો ખાસ સંબંધ કે મિત્રતા હતી નહીં, પણ એમને લાગ્યું એ જો પોતે ડિનર માટે નહીં જાય તો આવડા મોટા માણસનું અપમાન થયું કહેવાશે. એ સાંજે ડિનરટેબલ પર સત્યજિત રાયે પ્રસ્તાવ મૂક્યો, ''હું એક નવી ફિલ્મની શરૂઆત કરી રહ્યો છું. એમાં હું જયાને લેવા માંગું છું.'' આ ફિલ્મ એટલે જયા ભાદુરીની પહેલી ફિલ્મ 'મહાનગર'.
માત્ર સોળ વર્ષની જયા જ્યારે પૂનાની ફિલ્મ ઈન્સ્ટિટ્યુટમાં એડમિશન લેવા માટે ગઈ હતી ત્યારે મૌખિક ઈન્ટર્વ્યુ લેવા માટે ધૂરંધરોની સમિતિ બેઠી હતી. આ સમિતિમાં અભિનેતા બલરાજ સહાની અને કામિની કૌશલે તેમની પસંદગી કરી હતી.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે