મેગાસીટીમાં 19 હજાર દબાણ દૂર કરાયા, 48 પાર્કિંગ પ્લોટ અને 5 મલ્ટીસ્ટોરીડ પાર્કિંગ બનાવાશે
છેલ્લા એક સપ્તાહથી પોલીસ અને એએમસીએ ભેગા મળીને દબાણ હટાવ ઝુંબેશ શરૂ કરી છે તેને લઇને 19 હજારથી વધુ દબાણો દૂર કરવામાં આવ્યા છે.
Trending Photos
અર્પણ કાયદાવાદ/ અમદાવાદ: મેગાસીટી અમદાવાદમાં ચાલી રહેલી દબાણ હટાવ ઝુંબેશ અંતર્ગત અત્યાર સુધી વિવિધ પ્રકારના નાનામોટા મળીને 19000થી વધુ દબાણો દૂર કરવામાં આવ્યા છે. તો સાથે જ પાર્કિંગની સુવિધા મામલે એએમસી દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં વધુ 48 પાર્કિંગ પ્લોટ અને 5 મલ્ટીસ્ટોરીડ પાર્કિંગ બનાવવાના નિર્ણયને કારોબારી સમિતીમાં સત્તાવાર મંજૂરી આપી દેવામાં આવી છે. તો આગામી 20મી ઓગષ્ટ દશામાંના વ્રતના દિવસે વસ્ત્રાલ તળાવ ખાતે કાર્નિવલની ઉજવણી કરવાનું પણ નક્કી કરવામાં આવ્યુ છે.
શહેરની ટ્રાફીક, પાર્કિંગ અને દબાણોની સમસ્યાને દૂર કરવા મ્યુનિસિપલ તંત્ર અને પોલીસે છેલ્લા એક સપ્તાહથી કમર કસી છે. જે અંતર્ગત અત્યાર સુધી નાના મોટા અને કાચાપાકા મળીને જુદા-જુદા 19 હજારથી વધુ દબાણો દૂર કરવામાં આવ્યા છે. અને આજ કાર્યવાહી આગામી દિવસોમાં પણ ચાલુ રાખવાની કટિબધ્ધતા મ્યુનિસિપલ કોર્પોરેશનના ભાજપી શાષકોએ બતાવી છે. સાથે જ કેટલા મહીનાઓ પહેલા એએમસીને એસઆરપીની બે કંપની ફાળવી આપવા માટે રાજ્ય સરકાર સમક્ષ કરવામાં આવેલી માંગણીને સરકારે સ્વીકારી લીધી છે.
જે અંતર્ગત તાત્કાલીક અસરથી એસઆરપીની બે કંપની મ્યુનિસિપલ કોર્પોરેશનને ફાળવવામાં આવશે, જેનો તમામ ખર્ચ એએમસી ભોગવશે. નોંધનીય છેકે દબાણ હટાવ કામગીરી માટે સમયાંતરે પોલીસ વિભાગનો બંદોબસ્ત મળતો ન હોવાથી કર્મચારીઓ પર હુમલાના બનાવ બનતા હતા. જે માટે એસઆરપીની માંગણી કરવામાં આવી હતી.
તો આ તરફ જે રીતે છેલ્લા એક સપ્તાહથી પોલીસ અને એએમસીએ ભેગા મળીને દબાણ હટાવ ઝુંબેશ શરૂ કરી છે તેને લઇને 19 હજારથી વધુ દબાણો દૂર કરવામાં આવ્યા છે. તો જે રોડ પરથી દબાણો દૂર થયા ત્યાં પાર્કિંગ વ્યવસ્થા ઉપરાંત વધુ પાર્કિંગ પ્લોટ તૈયાર કરવાનો સત્તાવાર નિર્ણય પણ કારોબારી બેઠકમાં કરવામાં આવ્યો છે.
હાલ તો એએમસીના શાષકોએ ટ્રાફીક, પાર્કિંગ અને દબાણો દૂર કરવાના મામલે મોટી રાજકીય ઇચ્છાશક્તિ દર્શાવી છે અને શહેરના હીતમાં લાંબા ગાળા સુધી કામ કરવાની વાત કરી છે. ત્યારે હવે જોવાનું એ રહે છેકે તેનો વાસ્તવીક અમલ કેટલા દિવસ સુધી થાય છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે