ભુજમાં 21 ફૂટ ઊંચી ઈકોફ્રેન્ડલી ગણેશજીની મૂર્તિનું સ્થાપન, ગુજરાતની સૌથી મોટી મૂર્તિ હોવાનો દાવો
શહેરના ફ્રેન્ડ્સ ગ્રુપ દ્વારા આ મૂર્તિ ઘાસ, વાંસ અને માટીના મિશ્રણથી બનાવવામાં આવી છે, સમુદ્રમાં 5-6 કિમી ઊંડે જઈને વિસર્જન કરવામાં આવશે
Trending Photos
ભુજઃ ભુજના ટીનસીટી ગ્રાઉન્ડ ખાતે ફ્રેન્ડ્સ ગ્રુપ દ્વારા 21 ફૂટ ઊંચી ઇકોફ્રેન્ડલી ગણેશજીની મૂર્તિનું સ્થાપન કરવામાં આવ્યું છે. આ મૂર્તિ કચ્છની જ નહિ પરંતુ ગુજરાતમાં સૌથી મોટી ગણેશજીની ઇકોફ્રેન્ડલી મૂર્તિ હોવાનો આયોજકો દ્વારા દાવો કરવામાં આવ્યો છે. ગ્રૂપના રાહુલ ગોરે જણાવ્યું કે, સતત 18 માં વર્ષે ફ્રેન્ડ્સ ગ્રુપ દ્વારા ભુજમાં ગણેશોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે.
મૂર્તિની વિશેષતા અંગે રાહુલભાઈએ જણાવ્યું કે, ગણેશજીની 21 ફૂટ ઊંચી ઇકોફ્રેન્ડલી મૂર્તિ ઘાસ, વાંસ અને માટીથી બનાવવામાં આવી છે. આ મૂર્તિ માટે વિશેષ પંડાલ પણ તૈયાર કરવામાં આવ્યો છે. આ ગણેશજીના દર્શન માટે ભક્તો ભુજ ઉપરાંત આસપાસના ગામડાઓ અને તાલુકાઓમાંથી ઉમટી પડે છે. દર્શનાર્થીઓ માટે વિશેષ વોટરપ્રુફ ડોમ તૈયાર કરવામાં આવ્યો છે.
અંદાજીત 10000 જેટલા ભાવિક ભક્તોનો સમાવેશ થઈ શકે તેવો વિશાળ ડોમ તૈયાર કરવામાં આવ્યો છે. ગણેશોત્સવમાં દરરોજ મહાઆરતી સાથે અનેક વિધ કાર્યક્રમોનું પણ આયોજન કરાયું છે.
વિસર્જન અંગે તેમણે જણાવ્યું કે, બુધવારે સવારે 10:30 કલાકે ભુજથી માંડવી દરિયાકીનારે ગણેશજીની પ્રતિમાને વિસર્જન માટે પ્રસ્થાન કરવામાં આવશે. મૂર્તિનું વિસર્જન પણ સમુદ્રમાં 5થી 6 કિમી ઊંડે જઈને સમુદ્રની વચ્ચે કરવામાં આવે છે જેથી પર્યાવરણને કોઈ જાતનું નુકસાન પહોંચતું નથી. વળી, ઘાસ-માટીથી બનેલી હોવાથી મૂર્તિ સમુદ્રના પાણીમાં ઓગળી જાય છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે