રાજકોટમાં સ્વાઇન ફ્લૂથી 27 વર્ષીય યુવતીનું મોત

રાજ્યમાં આ સિઝનમાં સ્વાઇન ફ્લૂથી આ પ્રથમ મોત છે. 

Updated: Sep 12, 2018, 10:11 PM IST
રાજકોટમાં સ્વાઇન ફ્લૂથી 27 વર્ષીય યુવતીનું મોત

રાજકોટઃ સ્વાઇન ફ્લૂએ રાજ્યમાં કાળો કેર વર્તાવ્યો છે. રાજકોટ સિવિલ હોસ્પિટલમાં સ્વાઇન ફ્લૂની સારવાર લઈ રહેલી 27 વર્ષીય એક યુવતીનું મોત થયું છે. આ યુવતી ગીરસોમનાથ જિલ્લાના ભાલકા ગામની છે. આ સાથે રાજકોટ સિવિલ હોસ્પિટલના સ્વાઇન ફ્લૂ વોર્ડમાં સાત દર્દીઓ સારવાર લઈ રહ્યાં છે. 

મહત્વનું છે કે, રાજકોટમાં આજે વધુ બે સ્વાઇન ફ્લૂના કેસ પોઝિટિવ આવ્યા હતા. તેમાંથી એક કેસ રાજકોટ અને એક અન્ય જિલ્લાનો હતો. ધોરાજીના એક દર્દીની સ્થિતિ ગંભીર હોવાથી તેને વેન્ટિલેટર પર રાખવામાં આવ્યો છે. 

સુરત જિલ્લામાં પણ આજે એક સ્વાઇન ફ્લૂનો કેસ નોંધાયો હતો. આ સાથે જિલ્લામાં અત્યાર સુધી કુલ 11 સ્વાઇન ફ્લૂના કેસ નોંધાયા છે. આ કેસ સામે આવતા તંત્ર જાગ્યું છે. સુરત સરકારી હોસ્પિટલમાં સ્વાઇન ફ્લૂને લઈને એક વોર્ડ પણ ઉભો કરવામાં આવ્યો છે. 

આ સાથે અમદાવાદ અને વડોદરામાં પણ સ્વાઇન ફ્લૂના કેસ સામે આવ્યા છે. વડોદરામાં સિઝનનો પ્રથમ કેસ સામે આવ્યો છે. પહેલો સ્વાઇન ફલુ નોંધતા વડોદરાનું આરોગ્ય વિભાગ હરકતમાં આવ્યુ છે. ત્યારે હોસ્પિટલમાં આઇશોલેશન વોર્ડની વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે.