ઠાકોર પરિવારની ગરીબ દીકરીનું મુસ્લિમ દંપત્તિએ કર્યું કન્યાદાન, આ રીતે પૂરુ કર્યું વચન
પાલનપુરના ભાવીસણા ગામે મુસ્લિમ દંપત્તિએ પોતાના મૃતક પુત્રનું વચન પૂરુ કર્યું છે. તેમના પુત્રએ ગરીબ ઠાકોર પરિવારની દીકરીના લગ્ન કરાવવાનું વચન આપ્યું હતું. પરંતુ આ વચન આપનાર પુત્રનું મૃત્યુ થતાં મુસ્લિમ દંપત્તિએ ઠાકોર પરિવારની દીકરીના લગ્ન કરાવ્યા છે.
Trending Photos
અલકેશ રાવ, બનાસકાંઠાઃ પાલનપુર તાલુકાના ભાવીસણા ગામે બીમારીમાં પિતા ગુમાવી દેનાર ગરીબ ઠાકોર પરિવારની દીકરીનું પાલનપુરના મુસ્લિમ દંપતિએ કન્યાદાન કરી કોમી એખલાસનું અનોખું ઉદાહરણ પુરૂ પાડ્યું છે.
પાલનપુર અમદાવાદ હાઇવે ઉપર ગઠામણ પાટીયા નજીક સધીમાતાના મંદિર પાસે યોજાયેલા લગ્ન પ્રસંગમાં પાલનપુર ખોડા લીમડા વિસ્તારમાં રહેતા મુસ્લિમ દંપતિ મશરૂફ અહેમદ મહેબુબબક્ષ કુરેશી અને તેમના પત્નિ નસીમબાનુએ ગરીબ હિન્દૂ દીકરીનું કન્યાદાન કરી કોમી એખલાસનું ઉદાહરણ પુરૂ પાડ્યું હતું.
મહત્વની વાત એ છે કે 20 વર્ષ અગાઉ મશરુફ કુરેશીના પુત્ર વસીમે તેમના ગોડાઉનમાં ચોકીદાર તરીકે કામ કરતા ભાવીસણા ગામના અજમલજી ઠાકોરની પત્ની કેસીબેનને ધર્મની બહેન બનાવી તેમની બંને દીકરીઓના લગ્ન કરી આપવાનું વચન આપ્યું હતુ. જોકે, વસીમનું આઠ વર્ષ અગાઉ નિધન થઇ ગયું હતું અને બે વર્ષ અગાઉ કોરનામાં અજમલજી ઠાકોરનું પણ મૃત્યુ થઈ ગયું હતું.
જોકે પુત્રનું વચન નિભાવવાનું મુસ્લિમ માતા પિતાએ નક્કી કર્યુ અને ગઠામણ પાટીયા સધીમાતાના મંદિર નજીક ગોડાઉન ખાતે અજમલજી ઠાકોરની દીકરી રીંકુબેનના મુસ્લિમ પરિવારે લગ્ન કરાવી કન્યાદાન કરી પોતાના મરણ પામેલ દીકરાનું વચન નિભાવી કોમી એકતાના દર્શન કરાવ્યા હતા.
મારા દીકરાએ અહીંયા ગોડાઉનમાં વોચમેન તરીકે કામ કરતા અજમલજીની પત્નિને ધર્મની બહેન બનાવી હતી. જોકે મારો પુત્ર પણ મરણ પામતા હું તેનું વચન પાળવા આજે કન્યાદાન કર્યું છે જેની મને ખુબ જ ખુશી છે. દીકરીના લગ્ન કરાવી મશરૂફ અહેમદ કુરેશીએ આ વાત કહી હતી.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે