પૈસા પડાવવા ટ્રાફીક પોલીસ અને TRB જવાને રિંગરોડ પરથી વાહન ચાલકનું કર્યું અપહરણ , પોલીસ કર્મી જ બન્યો ગુનેગાર

શહેરમાં રામોલ બાદ નરોડા વિસ્તારમાં અપહરણની ઘટના સામે આવી છે. જેમાં આરોપી કોઈ ગુનેગાર નહીં પરંતુ અમદાવાદ શહેર ટ્રાફિક પોલીસમાં ફરજ બજાવતા કોન્સ્ટેબલ અને એક ટ્રાફિક બ્રિગેડના જવાન છે. રાજસ્થાનની આઈટી કંપનીના કર્મચારી એસપી રીંગ રોડ પરથી પસાર થઇ રહ્યા હતા, તે સમયે ડ્રિન્ક એન્ડ ડ્રાઈવનો કેસ કરવાની ધમકી આપી યુવક પાસેથી 30 હજાર રૂપિયા પડાવનાર બંને કર્મચારીઓની નરોડા પોલીસે ધરપકડ કરી છે.

પૈસા પડાવવા ટ્રાફીક પોલીસ અને TRB જવાને રિંગરોડ પરથી વાહન ચાલકનું કર્યું અપહરણ , પોલીસ કર્મી જ બન્યો ગુનેગાર

મૌલિક ધામેચા/અમદાવાદ : શહેરમાં રામોલ બાદ નરોડા વિસ્તારમાં અપહરણની ઘટના સામે આવી છે. જેમાં આરોપી કોઈ ગુનેગાર નહીં પરંતુ અમદાવાદ શહેર ટ્રાફિક પોલીસમાં ફરજ બજાવતા કોન્સ્ટેબલ અને એક ટ્રાફિક બ્રિગેડના જવાન છે. રાજસ્થાનની આઈટી કંપનીના કર્મચારી એસપી રીંગ રોડ પરથી પસાર થઇ રહ્યા હતા, તે સમયે ડ્રિન્ક એન્ડ ડ્રાઈવનો કેસ કરવાની ધમકી આપી યુવક પાસેથી 30 હજાર રૂપિયા પડાવનાર બંને કર્મચારીઓની નરોડા પોલીસે ધરપકડ કરી છે.

નરોડા પોલીસની કસ્ટડીમાં રહેલા આરોપીઓના નામ રોહિત સોલંકી અને વિજય તળપદા છે. પકડાયેલા આરોપીઓમાંથી રોહિત સોલંકી ટ્રાફિક પોલીસમાં LRD જવાન તરીકે ફરજ બજાવે છે, જ્યારે વિજય તળપદા TRB જવાન તરીકે સેવા આપે છે. આ બંને આરોપીઓની ધરપકડ અપહરણ અને પૈસા પડાવવાના ગુનામાં કરવામાં આવી છે. રાજસ્થાનના ઉદયપુરના રહેવાસી નીમિશ બોલ્યા નામનો વ્યક્તિ આઇટી કંપનીમાં નોકરી કરે છે તે કંપનીના કામથી સાણંદ આવ્યો હતો. સાણંદથી પરત ઉદયપુર જઈ રહ્યો હતો તે સમયે નરોડા એસપી રિંગ રોડ પાસે બે ટ્રાફિક જવાનોએ તેની ગાડીને રોકી હતી. 

દારૂ પીને ગાડી ચલાવો છો તેમ કહીને ડ્રિન્ક એન્ડ ડ્રાઇવનો કેસ થશે તેમ કહીને ધોલધપાટ કરી હતી. આ ઉપરાંત તેને ડરાવી-ધમકાવી અપહરણ કરી લઈ જઈ ATM માંથી 30 હજારથી વધુ રોકડ રકમ કઢાવી લીધી હતી. પૈસા પડાવ્યા બાદ બંને કર્મચારીઓએ યુવક અને તેના ડ્રાઇવરને રીંગ રોડ ઉપર છોડી દીધા હતા. ત્યાર બાદ આઇટી કંપનીના કર્મચારીએ રાજસ્થાન ખાતે જઈને અમદાવાદ શહેર પોલીસ કમિશનરને ઇ મેઇલ કર્યો હતો. જેમાં તેઓએ પોતાની સાથે બનેલી ઘટના જણાવતા આ સમગ્ર મામલે શહેર પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવે ત્વરિત પગલાં લઈને જી ડિવિઝન એસીપીને આ મામલે તપાસ સોંપી હતી. જે તપાસ દરમિયાન યુવકને અપહરણ કરી જઇ પૈસા પડાવનાર બે ઈસમોમાંથી એક શહેર ટ્રાફિક પોલીસમાં એલઆરડી તરીકે ફરજ બજાવતો હોવાનું સામે આવ્યું હતું.

No description available.
(આરોપી પોલીસ કોન્સ્ટેબલ અને ટીઆબી જવાન)

જ્યારે બીજો આરોપી TRB જવાન તરીકે ફરજ બજાવતો હતો. બંને આરોપીઓએ એસપી રિંગ રોડ પર કરાઈ જવાના ચાર રસ્તા પાસે ચોકી પાસેથી ફરિયાદીને રોકીને સમગ્ર ઘટના આચરી હતી. જેથી પોલીસ કોન્સ્ટેબલ રોહિત સોલંકી તેમજ ટીઆરબી જવાન વિજય તળપદાની ધરપકડ કરી છે. હાલ તો આ મામલે બંને આરોપીઓની પોલીસે સઘન પૂછપરછ શરૂ કરી છે. આ ઉપરાંત આ પ્રકારનાં ગુનાઓ તેઓ વારંવાર આચરી ચુક્યા છે કે કેમ તે અંગે પણ તપાસ ચલાવાઇ રહી છે. કોર્ટમાં રજૂ કરીને બન્ને આરોપીઓના રિમાન્ડ મેળવી અગાઉ કેટલા વાહનચાલકો પાસેથી આ પ્રકારે પૈસા પડાવ્યા છે? તેમજ ચોકીના અન્ય કોઈ પોલીસ કર્મચારીઓ તેઓની સાથે આ ગુનામાં સામેલ છે કે કેમ તે દિશામાં નરોડા પોલીસે તપાસ શરૂ કરી છે. જોકે અવારનવાર અમદાવાદના રિંગ રોડ ઉપર પોલીસ દ્વારા વાહન ચાલકોને રોકીને હેરાન કરવામાં આવતા હોવાના આક્ષેપ થતા હોવાથી ટ્રાફિક જેસીપીએ થોડા સમય પહેલાં જ રીંગરોડ પરથી TRB જવાનોને હટાવી દીધા હતા. તેમ છતાં  વાહન ચાલકો પાસે પૈસા પડાવવા કેટલા સમયથી આ ગેંગ સક્રિય હતી તે બાબતની પણ પોલીસ તપાસ કરી રહી છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news