ગુજરાતની આ સરકારી શાળામાં એડમિશન માટે થાય છે પડાપડી, ગરીબની સાથે ધનાઢ્યો પણ લગાવે છે લાઈન

ગુજરાતમાં એક સરકારી સ્કૂલ એવી છે જ્યાં પ્રવેશ મેળવવા માટે લાઈનો લાગે છે. ગરીબ હોય કે પૈસાદાર દરેકની ઈચ્છા પોતાના બાળકોને આ સ્કૂલમાં ભણાવવાની હોય છે. જાણો કઈ છે આ સ્કૂલ...
 

ગુજરાતની આ સરકારી શાળામાં એડમિશન માટે થાય છે પડાપડી, ગરીબની સાથે ધનાઢ્યો પણ લગાવે છે લાઈન

સુરતઃ આપણા સૌની એક માનસિક્તા રહી છે કે સરકારી શાળામાં શિક્ષણ સારુ નથી મળતું. ખાનગી શાળામાં શિક્ષણનું સ્તર સારુ હોય છે. તેથી દરેક વ્યક્તિ પોતાના સંતાનોને ખાનગી શાળામાં અભ્યાસ કરાવવા માગે છે. જો કે ખાનગી શાળાઓએ શિક્ષણનું કેવું વ્યાપારીકરણ કરી દીધું છે તે જોઈ શકાય છે. ખાનગી શાળાની મસમોટી ફી ગરીબ વાલીઓ ફરી શકે તેમ હોતા નથી. જેના કારણે તેઓ પોતાના સંતાનને ન છૂટકે સરકારી શાળામાં અભ્યાસ કરાવવા મજબૂર હોય છે. પરંતુ અમે આપને એક એવી શાળાની વાત કરવા જઈ રહ્યા છીએ જે શાળા સરકારી છે. પરંતુ તેની સુવિધાઓ અને શિક્ષણનું સ્તર ખાનગી શાળાને પણ ટક્કર મારે છે. આ શાળામાં ધનાઢ્ય મા-બાપના સંતાનો પણ એડમિશન માટે પડાપડી કરે છે...ત્યારે કઈ છે આધુનિક સુવિધાથી સજ્જ આ સરકારી શાળા?...જુઓ આ અહેવાલમાં.

દરેક વાલી પોતાના સંતાનનું ઉજળું ભવ્ય ઈચ્છે છે. અને ઉજળા ભવિષ્ય માટે તે સંતાનને સારી શાળામાં ભણાવતો હોય છે. સરકારી શાળાની સરખામણીએ ખાનગી શાળાઓ શ્રેષ્ઠ હોય છે તેવો લોકોનો મત હોય છે. જો કે ખાનગી શાળાઓની જે ફી હોય છે અધધ હોય છે. દરેક મા-બાપ ખાનગી શાળામાં પોતાના બાળકોને અભ્યાસ નથી કરાવી શક્તા. પરંતુ દ્રશ્યોમાં તમે જે લાઈન જોઈ રહ્યા છો તે લાઈન કોઈ ખાનગી નહીં પરંતુ સરકારી શાળાની છે. સામાન્ય રીતે એડમિશન માટે આવી લાઈનો ખાનગી શાળાઓમાં જ હોય છે. પરંતુ અહીં તો ગરીબ અને તવંગર સહિત તમામ વાલીઓ પોતાના સંતાનો માટે વેઈટિંગમાં છે. દરેકની ઈચ્છા છે કે મારા સંતાનનું એડમિશન આ શાળામાં થઈ જાય...સૌથી અલગ અને અદ્યતન આ શાળા મહાનગર સુરતમાં આવેલી છે. સુરતના ઉત્રાણ વિસ્તારમાં આવેલી આ શાળાનું સંચાલન સુરત કોર્પોરેશન દ્વારા થાય છે. હાલ એડમિશન ચાલુ થતાં અહીં એડમિશન માટે રીતસરની પડાપડી જોવા મળી રહી છે..

ગુજરાતની સરકારી શાળાઓમાં કોઈ એડમિશન લેવા માટે આવતું નથી. ત્યાં સુરતની આ મહારાજા કૃષ્ણકુમારસિંહજી પ્રાથમિક શાળામાં 2થી 3 હજાર વિદ્યાર્થીઓનું વેઈટિંગ બોલાય છે. હજુ તો એડમિશન શરૂ થયાના પ્રથમ દિવસે જ 600થી 700 ફોર્મ પણ ભરાઈ ગયા છે. શાળામાં એડમિશનની ક્ષમતા 3500ની છે પરંતુ 5થી 6 હજાર કુલ અરજીઓ આવે છે. અહીં એડમિશન માટે પડાપડી રહે છે તેનું કારણ અહીંનું શિક્ષણ અને આધુનિક સુવિધાઓ તો છે જ...સાથે સાથે અહીં વિદ્યાર્થીઓમાં સંસ્કારોનું પણ સિંચન કરવામાં આવે છે. બાળકના જન્મદિવસે કેક નહીં પરંતુ ધાર્મિક્તાની રીતે ઉજવણી કરવામાં આવે છે. અહીં તમામ વિદ્યાર્થીઓ એક પરિવારના હોય તે રીતે રહે છે. આ શાળામાં આચાર્યને ગુરુ અને શિક્ષકને દીદી તરીકે વિદ્યાર્થીઓ બોલાવે છે. તો અહીં ખાનગી શાળાઓમાં પણ ન હોય તેવી તમામ આધુનિક સુવિધાઓ છે. જેના કારણે ગરીબ કે ધનાઢ્ય વાલીઓ પણ લાઈનમાં બેસીને પોતાના સંતાનને એડમિશન અપાવવા માટે તલપાપડ હોય છે. 

  • સુરતની મહારાજા કૃષ્ણકુમારસિંહજી પ્રાથમિક શાળા
  • 2થી 3 હજાર વિદ્યાર્થીઓનું વેઈટિંગ બોલાય છે
  • પ્રથમ દિવસે જ 600થી 700 ફોર્મ પણ ભરાઈ ગયા
  • એડમિશનની ક્ષમતા 3500, પરંતુ 5થી 6 હજાર અરજીઓ આવે છે
  • શિક્ષણ, આધુનિક સુવિધાઓ, વિદ્યાર્થીઓમાં સંસ્કારોનું સિંચન થાય છે
  • બાળકના જન્મદિવસે કેક નહીં પરંતુ ધાર્મિક્તાની રીતે ઉજવણી કરાય છે
  • તમામ વિદ્યાર્થીઓ એક પરિવારના હોય તે રીતે રહે છે
  • આચાર્યને ગુરુ અને શિક્ષકને દીદી તરીકે વિદ્યાર્થીઓ બોલાવે છે
  • અહીં ખાનગી શાળાઓમાં પણ ન હોય તેવી તમામ આધુનિક સુવિધાઓ છે

સુરત કોર્પોરેશન દ્વારા ચાલતી આ શાળા વર્ષ 2017માં શરૂ કરવામાં આવી છે. શરૂઆતમાં અહીં માત્ર 257 વિદ્યાર્થી હતા. પરંતુ સારા શિક્ષણને કારણે આજે સંખ્યા વધીને 3500 થઈ ગઈ છે. વિદ્યાર્થીઓ વધતાં શાળામાં નવા ઓરડા પણ બાંધવામાં આવ્યા. અહીં એડમિશન માટે કોઈ જ ઓળખાણ ચાલતી નથી. જેટલા પણ ફોર્મ ભરાયા હોય તેમાંથી ડ્રો કરીને એડમિશન આપી દેવાય છે. સુરતની આ શાળાએ સરકારી શાળા પ્રત્યે લોકોની જે નકારાત્મક માનસિક્તા હોય છે તેને દૂર કરી નાંખી છે.

સુરતની આ શાળાની સાથે ગુજરાતના અલગ અલગ શહેરોમાં આવી ઘણી શાળાઓ છે જેમણે પોતાના શિક્ષણના સ્તર અને આધુનિક સુવિધાને કારણે અલગ નામના મેળવી છે. પરંતુ આવી શાળાઓ આંગળીના વેઢે ગણી શકાય તેટલી જ છે. સરકાર દરેક શહેર અને ગામમાં સ્માર્ટ શાળાઓ વિકસાવે તે જરૂરી છે. આવી શાળાઓ બનશે તો જ શિક્ષણનું સ્તર ઉચ્ચુ આવશે અને કોઈ ગરીબ મા-બાપનું સંતાન શિક્ષણથી વંચિત નહીં રહી જાય....સંતાન સારુ શિક્ષણ મેળવશે તો તેનો સીધો ફાયદો દેશને થશે. ત્યારે આપણે સૌ આશા રાખીએ કે, સરકાર વધુમાં વધુ સંખ્યામાં આવી શાળાઓનું નિર્માણ કરે.

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news