'અમારા ઘરની સાંકળ કેમ ખખડાવી...', યુવકને માથામાં ધારીયાનો ઘા કરી બે ફાડચા કર્યા! કરૂણ મોત

આણંદ તાલુકાના વડોદ ગામમાં પાંચ માથાભારે ઈસમોએ ધારીયા વડે હુમલો કરી 23 વર્ષીય યુવકની હત્યા કરી હોવાની ઘટના બની છે. આ પાંચેય આરોપીઓએ ઝઘડામાં મિત્રને છોડાવવા માટે વચ્ચે પડેલાં આ યુવક ઉપર ધારીયા વડે હુમલો કર્યો હતો. 

'અમારા ઘરની સાંકળ કેમ ખખડાવી...', યુવકને માથામાં ધારીયાનો ઘા કરી બે ફાડચા કર્યા! કરૂણ મોત

બુરહાન પઠાણ/આણંદ: આણંદનાં વડોદ ગામમાં મિત્રના ઝઘડામાં વચ્ચે છોડાવવા પડેલા યુવકને માથામાં ધારીયું મારી કરપીણ હત્યા કર્યાનો બનાવ વાસદ પોલીસ મથકે નોંધાતા પોલીસે હત્યા કરનાર પાંચ આરોપીઓની ધરપકડ કરી છે.

વડોદ ગામમાં ખોડિયાર માતા વાળા ફળિયામાં રહેતો 23 વર્ષનો વંદનસિંહ બળવંતસિંહ છાસટીયા રાત્રીના સુમારે પોતાના મિત્ર કિરપાલ સાથે ગામમાં તળાવ પાસે પાનનાં ગલ્લા પર મસાલો લેવા ગયા હતા. આ સમયે ગામમાં રહેતા શૈલેષ જાદવ એ અમારા ઘરના દરવાજાની સાંકળ કેમ ખખડાવી હતી, તેમ કહી કિરપાલ સાથે ઝઘડો કરી શૈલેષ સહિત પાંચ જણાએ લાકડીઓ લઈ હુમલો કર્યો હતો. 

આ સમયે વંદનસિંહ પોતાના મિત્ર કિરપાલને છોડાવવા વચ્ચે પડતા શૈલેષ જાદવએ વંદનસિંહને માથામાં ધારીયું મારતા વંદનસિંહ લોહીલુહાણ થઈ ફસડાઈ પડ્યો હતો. આ ઘટનાને લઈને આસપાસના લોકો દોડી આવ્યા હતા અને વચ્ચે પડી મામલો થાળે પાડી ઘાયલ વંદનસિંહને ત્વરિત સારવાર માટે આણંદની જનરલ હોસ્પિટલમાં ખસેડતા જ્યાં તબીબોએ તેને તપાસી મૃત જાહેર કર્યો હતો. 

ઘટનાની જાણ થતાં વાસદ પોલીસ ઘટના સ્થળે દોડી ગઈ હતી અને ગામમાં ચાંપતો બંદોબસ્ત ગોઠવી હત્યાની ઘટના અંગે પાંચ આરોપીઓ વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધી તેઓની ઘરપકડ કરી હતી. મૃતક વંદનસિંહનાં મૃતદેહનાં પોસ્ટમોર્ટમ બાદ મૃતદેહને તેના ઘરે લાવવામાં આવતા તેની વિધવા માતા અને બે બહેનોએ ભારે કલ્પાંત મચાવ્યુ હતું. ત્યારબાદ અંતિમયાત્રા નીકળતા પોલીસ દ્વારા આ ઘટનાના પ્રત્યાઘાત પડે નહીં તે માટે ગામમાં ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દીધો હતો. 

મૃતક વંદનસિંહનાં પિતા તે નાનો હતો ત્યારે જ મૃત્યુ પામ્યા હતા અને વિધવા માતાએ તેને ઉછેરીને મોટો કર્યો હતો. વિધવા માતાની ઘડપણનો સહારો એક માત્ર વંદનસિંહ હતો. તે ખાનગી ફાયરબ્રિગેડમાં નોકરી કરતો હતો. જ્યારે બે બહેનોનો એકનો એક ભાઈ હતો. જેને લઈને વિધવા માતા અને બે બહેનોએ ભારે આક્રંદ કર્યું હતું. 

પોલીસે હત્યા કરનાર આરોપીઓ શૈલેષભાઈ રમણભાઈ જાદવ, રવિ ઉર્ફે બુધો અર્જુનભાઈ જાદવ, જયેશભાઈ ઉફે મખ્ખી કનુભાઈ જાદવ, જગદીશભાઈ ઉફે તગારી અમરસિંહ જાદવ તથા અર્જુનભાઈ રમણભાઈ જાદવ સહિત પાંચ આરોપીઓની ધરપકડ કરી હતી. મૃતક યુવાન છાસટીયા જ્ઞાતિનો હોઈ તેમજ આરોપીઓ જાદવ સમાજનાં હોઈ ગામમાં તંગદિલી પ્રસરી ગઈ હતી. જો કે પોલીસ દ્વારા સમગ્ર વિસ્તારમાં ચાંપતો પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news