મહારાષ્ટ્રના 2 દિગગજ નેતાઓની ગુજરાત મુલાકાત બાદ રાજકીય અટકળોનું બજાર ગરમ

શુક્રવારે રાત્રે NCP ના ચીફ શરદ પવાર અને પૂર્વ કેન્દ્રીય મંત્રી પ્રફુલ પટેલ અમદાવાદ (Ahmedabad) પહોંચ્યા અને એક જાણીતા ઉદ્યોગપતિને ત્યાં રાત્રી રોકાણ પણ કર્યું અને શનિવારે સવારે મુંબઇ જવા રવાના થયા.

મહારાષ્ટ્રના 2 દિગગજ નેતાઓની ગુજરાત મુલાકાત બાદ રાજકીય અટકળોનું બજાર ગરમ

બ્રિજેશ દોશી, ગાંધીનગર: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે (Amit Shah) દિલ્લી (Delhi) માં આજે કરેલી પ્રેસ કોંફરન્સ દરમિયાન શરદ પવાર સાથેની મુલાકાતના અહેવાલોને સાર્વજનિક ન કરવાની વાત કહેતા અટકળોએ જોર પકડયું છે. કેન્દ્રીય ગૃહમંત્રીના અમદાવાદ (Ahmedabad) પ્રવાસ દરમિયાન તેમણે મહારાષ્ટ્ર (Maharashtra) ના 2 દિગગજ નેતાઓ સાથે મુલાકાત કરી હોવાની રાજકીય અટકળો એ જોર પકડયું હતું. જે અંગે આજે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ (Amit Shah) ને દિલ્લી માં સવાલ પૂછવામાં આવ્યો હતો જેનો તેમણે મોઘમમાં જવાબ આપ્યો હતો. તેમણે મુલાકાત થયાની વાતને નકારી પણ નહોતી જેના કારણે આ અટકળોએ વધુ જોર પકડયું છે. 

શુક્રવારે રાત્રે NCP ના ચીફ શરદ પવાર અને પૂર્વ કેન્દ્રીય મંત્રી પ્રફુલ પટેલ અમદાવાદ (Ahmedabad) પહોંચ્યા અને એક જાણીતા ઉદ્યોગપતિને ત્યાં રાત્રી રોકાણ પણ કર્યું અને શનિવારે સવારે મુંબઇ જવા રવાના થયા. શુક્રવારે રાત્રે આ બંને નેતાઓના અમદાવાદ પહોંચ્યા બાદ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ (Amit Shah) પણ અમદાવાદ આવ્યા હતા. જેના કારણે આ ત્રણેય નેતાઓની મુલાકાત થઈ હોવાની અટકળો વહેતી થઈ હતી. 

જો કે એનસીપી તરફથી આ મામલે સ્પષ્ટતા કરવામાં આવી હતી કે આવી કોઈ મુલાકાત કે બેઠક થઈ નથી. મહારાષ્ટ્ર સરકારના મંત્રી નવાબ મલિકે  આવી કોઈ બેઠક કે મુલાકાત ને નકારી કાઢી હતી. 

એન્ટિલિયા કેસ બાદ મહારાષ્ટ્ર (Maharashtra) ની મહા વિકાસ અઘાડી સરકાર પર સંકટના વાદળ છવાયા છે ત્યારે આ સરકારના રચનાકાર એનસીપી સુપ્રીમો શરદ પવારની ગુપ્ત ગુજરાત મુલાકાતે રાજકીય અટકળોનો જન્મ આપ્યો છે. જો કે એનસીપીના સૂત્રો દાવો કરી રહ્યા છે કે આ ગુજરાત પ્રવાસ દરમિયાન કેન્દ્રીય ગૃહમંત્રી સાથે બંને નેતાઓની મુલાકાત થઈ નથી. શરદ પવારને રાજકારણ ના અઠંગ ખેલાડી માનવામાં આવે છે અને વર્ષ 2014માં મહારાષ્ટ્રમાં ભાજપની સરકાર બનાવવા તેમણે બહારથી મદદ કરી હતી જેના કારણે શિવસેના વગર જ ભાજપની સરકાર બની હતી. 

જો કે આ વખતે શરદ પવારે ઉદ્ધવ ઠાકરે સાથે મળીને ત્રણ પક્ષોની મહા વિકાસ અઘાડી સરકાર બનાવી છે જે બની ત્યારથી જ ભાજપને ખટકી રહી છે અને તેના કારણે આ ખીચડી સરકાર પર સંકટ તોળાતું રહ્યું છે. એન્ટિલિયા કાંડમાં NIA ની તપાસ બાદ મહાવિકાસ અઘાડી સરકાર પર ફરી એક વાર સંકટ છે. જો કે એનસીપી સુપ્રીમો શરદ પવાર અને શિવસેના સાંસદ સંજય રાઉત આ વાતને નકારી ચૂક્યા છે. ત્યારે એનસીપીના બંને નેતાઓની ગુજરાત મુલાકાત બાદ ફરી એકવાર ભાજપ-એનસીપી ગઠબંધનની શક્યતાઓ રાજકીય પંડિતો ચકાસી રહ્યા છે . 

પણ એનસીપીના સુત્રોનો દાવો સાચો માનીએ તો હાલની સ્થિતિએ આ પ્રકારનું કોઈ ગઠબંધનની જરૂર નથી. એનસીપી સુપ્રીમો  શરદ પવારના પ્રધાનમંત્રી મોદી સાથેના સંબંધો થી તમામ.લોકો માહિતગાર છે અને ક્યારેય કોઈ જરૂર પડે તો બંને નેતાઓ એકબીજાનો સીધો સંપર્ક કરી શકે તેમ છે એટલે ભાજપના બીજા કોઈ નેતાઓએ સાથે શરદ પવારને મળવાની જરૂર ન પડે તેવો એનસીપી સુત્રોનો દાવો છે. 

 હાલની સ્થિતિમાં મહારાષ્ટ્ર સરકારને કોઈ સંકટ નથી પણ ગુજરાતની ગુપ્ત મુલાકાત બાદ મહારાષ્ટ્રના રાજકારણમાં કોઈ નવાજુની થવાની અટકળોને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના આજના નિવેદન બાદ વધુ એક વાર બળ મળશે તે નિશ્ચિત છે. આવા સંજોગોમાં જોવાનું એ રહેશે કે 5 રાજ્યોની ચૂંટણી બાદ મહારાષ્ટ્ર માં કોઈ નવાજુની થશે કે પછી ગુપ્ત મુલાકાતનો એજન્ડા ગુપ્ત જ રહી જશે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news