પેટ્રોલ-ડીઝલ બાદ હવે ગુજરાતીઓને CNG અને PNGના ભાવ પણ દઝાડશે, અદાણી ગેસે ભાવ વધાર્યા

દાઝ્યા પર ડામઃ રાજ્યમાં પેટ્રોલ-ડીઝલના ભાવ દરરોજ નવી ઊંચાઈએ પહોંચી રહ્યા છે ત્યારે અદાણી ગેસ દ્વારા સીએનજીમાં પ્રતિ કિલો રૂ.1 અને પીએનજીમાં રૂ.13નો વધારો કરાયો

Updated By: Sep 8, 2018, 08:03 PM IST
પેટ્રોલ-ડીઝલ બાદ હવે ગુજરાતીઓને CNG અને PNGના ભાવ પણ દઝાડશે, અદાણી ગેસે ભાવ વધાર્યા
ફાઈલ ફોટો

અમદાવાદઃ છેલ્લા કેટલાક દિવસથી દેશમાં પેટ્રોલ-ડીઝલના ભાવમાં અસામાન્ય વધારો થઈ રહ્યો છે. દરરોજ સવાર પડતાં પેટ્રોલ-ડીઝલના ભાવ નવી ઊંચાઈએ પહોંચી રહ્યા છે. હવે, ગુજરાતની પ્રજાને માથે ગેસના ભાવનો પણ વધારો ઝીંકાયો છે. રાજ્યમાં ગેસ પુરવઠો પુરો પાડતી ખાનગી કંપની અદાણી દ્વારા અમદાવાદ અને વડોદરામાં CNG અને PNGના ભાવમાં વધારો કરાયો છે. આગામી દિવસોમાં અન્ય કંપનીઓ પણ ગેસના ભાવ વધારે તેવી શક્યતા છે. 

અદાણી ગેસ દ્વારા CNGમાં પ્રતિકિલો રૂ.1નો વધારો કરાયો છે, એટલે હવે CNGનો નવો ભાવ રૂ. 52 પ્રતિકિલો થઈ ગયો છે. આ સાથે જ ઘરેલુ વપરાશમાં લેવાતા પાઈપલાઈન્ડ ગેસ(PNG)નો ભાવ અદાણી ગેસ દ્વારા 630 પ્રતિ MMBTUમાં રૂ.13નો વધારો કરીને રૂ.643 પ્રતિ MMBTU કરવામાં આવ્યો છે. 

ડોલરની સામે રૂપિયાની કિંમતમાં થઈ રહેલા સતત ઘટાડાને પગલે ગેસના ભાવમાં વધારો કરાયો હોવાનું જાણવા મળ્યું છે. હવે, ગેસના ભાવમાં પણ વધારો થતાં પ્રજા માટે તો દાઝ્યા પર ડામ લાગ્યા જેવી સ્થિતિ સર્જાઈ છે. 

દેશમાં મોંઘવારીએ એક તરફ માઝા મુકી છે ત્યારે ઈંધણના ભાવમાં સતત થઈ રહેલો વધારો સામાન્ય પ્રજાની કમર ભાગી નાખશે.