હાટકેશ્વર બ્રિજ! કરોડોના કૌભાંડમાં ‘પાપનું ઠીકરું કોના માથે ફોડવું’?, રેલો આવશે

Ahmedabad Hatkeshwar Bridge : આ બ્રિજ બનતો હતો ત્યારે આ બંને અધિકારી અમદાવાગમાં એ સમયમાં કાર્યરત હતા. હવે એમના હાથતળે આ મામલાની તપાસો ચાલી રહી છે. સરકાર આ મામલે ચૂપકીદી સાધી રહી છે પણ આ બાબતે દોષનો ટોપલો કોની પર ઢોળવો એ માથાની હાલમાં શોધ ચાલી રહી છે

હાટકેશ્વર બ્રિજ! કરોડોના કૌભાંડમાં ‘પાપનું ઠીકરું કોના માથે ફોડવું’?, રેલો આવશે

Ahmedabad Hatkeshwar Bridge : અમદાવાદમાં એક એજન્સીના તળિયાં ચાટવાં હવે અધિકારીઓને ભારે પડે તેમ છે.  હાટકેશ્વર બ્રિજમાં કરોડોનો ભ્રષ્ટાચાર છાપરે ચડીનો પોકારી ઊઠ્યો છે અને હવે મ્યુનિ. અધિકારીઓ અને શાસકપક્ષ ભાજપ મૂંઝવણમાં મુકાઈ ગયા છે. સીએમ સુધી આ મામલો પહોંચ્યો છે. આ કેસમાં કોઈકે તો બલિનો બકરો બનવું પડશે.  આ કરોડોના કૌભાંડમાં ‘પાપનું ઠીકરું કોના માથે ફોડવું' એવો યક્ષપ્રશ્ન સર્જાયો છે. હાટકેશ્વર બ્રિજ તૈયાર કરાયો ત્યારે હાલના કમિશનર એમ. થેન્નારસન ડેપ્યુટી મ્યુનિ. કમિશનર હતાં અને શહેરના બ્રિજ પ્રોજેક્ટનો ચાર્જ તેમની પાસે હતો. આ બ્રિજ તૈયાર કરાયા પછી ‘સબ સલામત’નું સર્ટિફિકેટ અપાયા પછી. તત્કાલીન પૂર્વ કમિશનર મુકેશકુમારના કાર્યકાળમાં હાટકેશ્વર બ્રિજના કોન્ટ્રાક્ટરને કરોડોનું પેમેન્ટ કરવામાં આવ્યું હતું. આમ એ વખતે પણ ચકાસણી થઈ નહોતી. હાલમાં મુકેશકુમાર શહેરી વિકાસ વિભાગના અગ્રસચિવ છે અને આ પદની રૂએ જ તેમણે કમિશનર થેન્નારસન સાથે કૌભાંડ બહાર આવ્યા પછી તાજેતરમાં હાટકેશ્વર બ્રિજની મુલાકાત લીધી હતી. આમ એક શહેરી વિભાગમાં અગ્રસચિવ અને બીજા મ્યુન્સિપલ કમિશ્નર પદે બિરાજમાન છે. આ બ્રિજ બનતો હતો ત્યારે આ બંને અધિકારી અમદાવામાં એ સમયમાં કાર્યરત હતા. હવે એમના હાથતળે આ મામલાની તપાસો ચાલી રહી છે. સરકાર આ મામલે ચૂપકીદી સાધી રહી છે પણ આ બાબતે દોષનો ટોપલો કોની પર ઢોળવો એ માથાની હાલમાં શોધ ચાલી રહી છે. ઉંડાણપૂર્વક તપાસ થાય તો આ કેસનો રેલો ઘણા અધિકારીઓ અને નેતાઓના પગતળે આવે તેમ છે કારણ કે બ્રિજ બનાવનાર એજન્સીના અનેક દોષોને નેતાઓએ અને અધિકારીઓએ આંખા કાન કરીને દબાવ્યા છે. 

અમદાવાદમાં ઓપનિંગના પાંચ વર્ષમાં જ ખખડધજ બની ગયેલા હાટકેશ્વર બ્રિજ મામલે ZEE 24 કલાક એક બાદ એક મોટા ખુલાસા કરી રહ્યું છે. કારણ કે લોકોને પડતી હાલાકી અને જનતાના પૈસાથી બનેલો બ્રિજની વાસ્તવિકતા બતાવવા એ અમારી નૈતિક જવાબદારી છે. ત્યારે આજે ZEE 24 કલાક તમને હાટકેશ્વર બ્રિજનો વધુ એક રિપોર્ટ બતાવવા જઈ રહ્યું છે. આ રિપોર્ટ ન માત્ર કોંક્રિટ પણ સિમેન્ટ, વોટર એબ્સોર્પશન, કોમ્પ્રેસિવ સ્ટ્રેન્થ અંગે પણ ખુલાસો કરે છે. રિપોર્ટમાં બ્રિજના બાંધકામમાં એક નહીં પણ અડઢક ખામીઓનો ઉલ્લેખ થયો છે. વર્ષ 2023 ના જાન્યુઆરી મહિનામાં 15 જાન્યુઆરી સુધીમાં ટેસ્ટિંગનું ફિલ્ડવર્ક પૂરું કરવામાં આવ્યું છે અને હાલમાં જ NDT એટલે કે નોન ડિસ્ટ્રક્ટિવ ટેસ્ટનો રિપોર્ટ આવ્યો છે. આ ટેસ્ટ મુંબઈ બેઝ ઈ ક્યુબ કોન્ક્રીટ કન્સલ્ટીંગ કંપની દ્વારા કરવામા આવ્યો છે. આ ટેસ્ટમાં બ્રિજના કોર સેમ્પલ લઇ તેનું અલ્ટ્રા પલ્સ વેલોસીટી ટેસ્ટ, કોર ડેન્સિટી, વોટર એબ્સોર્પશન, કોમ્પ્રેસિવ સ્ટ્રેન્થ, સિમેન્ટ કોન્ટેન્ટ જેવા વિવિધ ટેસ્ટ કરવામાં આવ્યા છે.

આ પણ વાંચો : 

હવે ચાલો વાત કરીયે અલ્ટ્રા સોનિક પલ્સ વેલોસીટી ટેસ્ટની. આ ટેસ્ટમાં કોંક્રિટની વજન સહેવાની ક્ષમતાનો ખ્યાલ આવે છે. સામાન્ય રીતે M45 ગ્રેડનો બ્રિજની વજન સહેવાની ક્ષમતા વધુ હોય છે. પણ રિપોર્ટમાં કોંક્રિટની વજન સહવાની ક્ષમતા શંકાસ્પદ મળી આવી છે. બ્રિજના સ્પાન H1-H2 માંથી લેવાયેલા 20 સેમ્પલમાંથી 10 સેમ્પલ શંકાસ્પદ આવ્યા છે. જ્યારે કે, સ્પાન H2-H3 ના 20 માંથી 15 સેમ્પલ શંકાસ્પદ આવ્યા છે. કુલ 40 સેમ્પલમાંથી એક પણ સેમ્પલ એક્સિલન્ટ નથી આવ્યું.

આ સાથે બ્રિજ મટીરીયલના કોર ટેસ્ટમાં પણ વજન સહવાની ક્ષમતા ખુબ જ ઓછી છે. જ્યાં બ્રિજ માટેનું બજેટ M45 ગ્રેડ માટે ફાળવવામાં આવ્યું છે. ત્યાં બજેટના અડધા ભાગની પણ મજબૂતી નથી મળી. બ્રિજની ડિઝાઇન જે મુજબની હતી તે પ્રમાણે બ્રિજની સ્ટ્રેન્થ 45 ન્યુટન પર મીલીમીટર સ્ક્વેરની હોવી જોઈતી હતી. પણ NDT ટેસ્ટમાં બ્રિજની સ્ટ્રેન્થ જુદી જુદી જગ્યાએ માત્ર 9 ન્યુટન પર મીલીમીટર સ્ક્વેરથી લઇ 20 ન્યુટન પર મીલીમીટર સ્ક્વેર આવી રહી છે. કુલ 40 સેમ્પલમાંથી 29 સેમ્પલની વજન સહેવાની ક્ષમતા 9 થી 15 ન્યુટન પર મીલીમીટર સ્ક્વેર જ આવી છે. બ્રિજ માત્ર પલ્સ વેલોસીટી ટેસ્ટ અને કોર ટેસ્ટમાં જ ગંભીર ભૂલો નથી આવી, પણ વોટર એબ્ઝોર્પશનમાં પણ ક્ષતિઓ જોવા મળી છે. સામાન્ય રીતે M45 ગ્રેડમાં પાણી શોષવાની ક્ષમતા માત્ર 2 થી 3 ટકા હોવી જોઈએ પણ બ્રિજના ટેસ્ટિંગમાં આ ક્ષમતા 5.5 % થી 9.9 ટકા સુધી આવી છે. આ સાથે જ રિપોર્ટમાં એ પણ ખુલાસો થયો છે કે M45 ગ્રેડના બ્રીજ બનાવવામાં જેટલી સિમેન્ટ જોઈએ તેના કરતા ઓછું વપરાયું છે. રિપોર્ટ મુજબ સિમેન્ટ અને એગ્રીગેટ વચ્ચે બોન્ડિંગ જ નથી થયું જેના કારણે સિમેન્ટ અને એગ્રીગેટ વચ્ચે ગેપ જોવા મળ્યા છે પરિણામે બ્રીજના કોન્ક્રીટની સ્ટ્રેન્થ ઓછી આવી છે.

આ પણ વાંચો : 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news