રાજ્યના 17 મંત્રાલયો કરતાં વધારે બજેટના વહીવટ માટે રસાકસી, ભાજપમાં ઘમાસાણ
Ahmedabad News : અમદાવાદમાં મેયરનું પદ ભલે હોદામાં મોટું હોય પણ પાવર તો સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પાસે હોય છે... ભાજપના તમામ જૂથોની નજર આ પદ પર છે. હિતેશ બારોટ રીપિટ નહીં થાય તો ભાજપ માટે આ પદ માટે નવો ઉમેદવાર શોધવો એ માથાનો દુખાવો બની જશે
Trending Photos
AMC new standing committee chairman : ગુજરાતમાં કેબિનેટ મંત્રી જેવો મોભો અને વહીવટ ધરાવતું કોઈ પદ હોય તો અમદાવાદના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનનું પદ છે. 8500 કરોડનું બજેટ ધરાવતા અમદાવાદના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનનો મોભો કંઈ ઓછો નથી હોતો. ગુજરાતના 23 મંત્રાલયોમાંથી 17 મંત્રાલયોના બજેટ કરતાં અમદાવાદનું બજેટ વધારે હોય છે. જેનો પાવર સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનના હાથમાં હોય છે. તમે આંકડાઓની તુલના કરો તો કૃષિ મંત્રાલયનું આ વર્ષે બજેટ 7,736 કરોડ હતું. વન અને પર્યાવરણ વિભાગનું 1,821 કરોડ, ખાધ્ય અને નાગરિક પુરવઠા વિભાગનું બજેટ પણ 1,525 કરોડ રૂપિયા હોય છે. આ જ પ્રકારે ઉદ્યોગ અને ખાણ વિભાગનું બજેટ 7,029 કરોડ રૂપિયા અને ગૃહમંત્રાલયનું બજેટ 8,334 તેમજ મહેસૂલ વિભાગનું બજેટ 4,394 કરોડ રૂપિયા હતું.
મંત્રી કરતા પણ મોટું કદ
ગુજરાતમાં શિક્ષણ, ઉર્જા, આરોગ્ય, માર્ગ -મકાન અને શહેરી મંત્રાલયને છોડી દઈએ તો તમામ મંત્રાલયોનું બજેટ અમદાવાદ મનપાના બજેટ કરતાં ઓછું હોય છે. આમ કેબિનેટમાં મંત્રી ન બનવા છતાં અમદાવાદ પાલિકાના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનનું પદ કેબિનેટ મંત્રી કરતાં પણ વધારે પાવર ધરાવે છે. એટલે જ અમદાવાદ પાલિકામાં સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન માટે સૌથી વધારે રસાકસી હોય છે. હાલમાં સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન હિતેશ બારોટ છે. જેઓ અમિત શાહ ગ્રૂપના હોવાનું કહેવાય છે. જેઓની પણ મેયરની સાથે ટર્મ પૂર્ણ થઈ રહ્યું છે. અમદાવાદમાં મેયરનું પદ ભલે હોદામાં મોટું હોય પણ પાવર તો સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પાસે હોય છે.
મેયર કરતા સ્ટેન્ડિંગ કમિટિના ચેરમેન બનવામાં રસ
ભાજપ મોવડી મંડળ દ્વારા એક સપ્ટેમ્બરથી નવા મેયર સહિતના હોદ્દા માટે પેનલ બનાવવા પર ચર્ચા કરવામાં આવશે. ભાજપ મોવડી મંડળ દ્વારા મેયર, ડેપ્યુટી મેયર, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન, પક્ષના નેતા અને દંડકના હોદ્દા માટે ચારથી પાંચ કોર્પોરેટરના નામની પેનલ બનાવશે. જેના પર મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ભાજપ પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલ આખરી નિર્ણય લેશે. ગુજરાતના સીએમ ભૂપેન્દ્ર પટેલ પણ અમદાવાદ મનપામાં સક્રિય રસ ધરાવતા હોવાથી આ પદની નિમણુંક સહેલી નહીં હોય. ભાજપના તમામ જૂથોની નજર આ પદ પર છે. હિતેશ બારોટ રીપિટ નહીં થાય તો ભાજપ માટે આ પદ માટે નવો ઉમેદવાર શોધવો એ માથાનો દુખાવો બની જશે. આ પદ માટે કમલમથી લઈને દિલ્હી સુધી લોબિગ શરૂ થયું છે. અમદાવાદના મેયર કોણ બનશે એના કરતાં સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન કોણ બનશે એ માટે ભાજપના તમામ જૂથોને રસ છે.
કોના કોના નામ રેસમાં છે
હિતેશ બારોટની ટર્મ પૂર્ણ થઈ રહી છે. જેથી ઘાટલોડિયાના કોર્પોરેટર જતીન પટેલ, પાલડીના કોર્પોરેટર જૈનિક વકીલના નામ આ રેસમાં સૌથી આગળ છે. એટલું જ નહીં વર્તમાન રોડ કમિટી ચેરમેન અને ભૂતકાળમાં હાઉસિંગ કમિટીના ચેરમેન રહેલા સિનીયર કોર્પોરેટર મહાદેવ દેસાઇ પણ પોતાના ગોડફાધરની મદદથી સ્ટેન્ડીંગ કમિટીના ચેરમેન બનવાના પ્રયાસો કરી રહ્યા છે. જો કે પાટીદાર, વણિક-જૈન સમાજના કોર્પોરેટરને પણ સ્ટેન્ડિંગ કમિટીનું ચેરમેન પદ મળી શકે તેમ છે. જો સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન બદલાય તો મેયર પદનું ગણિત પણ બદલાઈ શકે છે. આમ 9 મી સપ્ટેમ્બર પહેલાં ભાજપમાં મોટી નવાજૂની થાય તો પણ નવાઈ નહીં, કારણ કે આ બંને પદો કયા જૂથના ફાળામાં જાય છે એ પણ અતિ અગત્યનું છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે