'આજ કુછ તુફાની કરતે હૈ', કોડવર્ડ સાથે ચેઇન સ્નેચિંગ કરતી 'તુફાની ગેંગ'નો પર્દાફાશ, જાણો મોડસઓપરેન્ડી

અમદાવાદ શહેર અને ખાસ કરીને પૂર્વના વિસ્તારોમાં ચેઈન સ્નેચીંગની અનેક ફરિયાદો પોલીસ મથકમાં નોંધાઈ હતી. જેને લઈને પોલીસ પણ સતર્ક બની હતી અને આ ચેઇન સ્નેચિંગ કરનારાઓને પોલીસ દ્વારા શોધખોળ હાથ ધરવામાં આવી હતી.

'આજ કુછ તુફાની કરતે હૈ', કોડવર્ડ સાથે ચેઇન સ્નેચિંગ કરતી 'તુફાની ગેંગ'નો પર્દાફાશ, જાણો મોડસઓપરેન્ડી

ઉદય રંજન/અમદાવાદ: ચોરી કે લૂંટને અંજામ આપવા એકઠા થવું, ગુનાને અંજામ આપવા કોડવર્ડ વાપરવો, ગુનાને અંજામ આપી પાર્ટી કરવી આવી બધી વાતો અને દ્રશ્યો અત્યાર સુધી ફિલ્મોમાં જ જોયા હશે. પણ અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે એક એવી ગેંગના સભ્યોની ધરપકડ કરી છે કે જેવો ફિલ્મી રીતે એકઠા થઈ, કોડવર્ડ વાપરી ગુનાને અંજામ આપતા હોય. આ ગેંગના સભ્યો દ્વારા તેની ગેંગનું ખાસ નામ પણ આપવામાં આવ્યું હતું. આ ગેંગના સભ્યો અનેક પોલીસ સ્ટેશનમાં ગુનાહિત ઇતિહાસ ધરાવે છે. તો કોણ છે આ ગેંગના સભ્યો અને કઈ રીતે આપતા ગુનાઓને અંજામ?

અમદાવાદ શહેર અને ખાસ કરીને પૂર્વના વિસ્તારોમાં ચેઈન સ્નેચીંગની અનેક ફરિયાદો પોલીસ મથકમાં નોંધાઈ હતી. જેને લઈને પોલીસ પણ સતર્ક બની હતી અને આ ચેઇન સ્નેચિંગ કરનારાઓને પોલીસ દ્વારા શોધખોળ હાથ ધરવામાં આવી હતી. અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચને માહિતી મળી હતી કે શહેરના નિકોલ વિસ્તારમાં સ્નેચિંગ કરેલા ચેન વેચવા માટે અમુક લોકો આવી રહ્યા છે. જેના આધારે પોલીસે નારોલ વિસ્તારમાંથી બે લોકોની ધરપકડ કરી છે. પોલીસે આ બંનેની પૂછપરછ કરતાં ચોકાવનારી વિગતો સામે આવી છે.

પોલીસે જે બે આરોપીઓની ધરપકડ કરી છે તેમના નામ હયાન અન્સારી અને મોઈન શેખ છે. બંને આરોપીઓની પૂછપરછમાં સામે આવ્યું કે આરોપી હયાન અંસારી અને મોઇન શેખ બન્ને આરોપીઓ તથા અન્ય બે વ્યક્તિઓ તુફેલ ઉર્ફે માઉઝર શેખ તેમજ ઇમરાન ઉર્ફે કાણો મેવાતી આ ચારેયની એક ગેંગ હતી. જે તેમની ગેંગને "તુફાની ગેંગ" તરીકે ઓળખાવતા હતા. આ ચારેય કોઈ કામ ધંધો કરતા નહિ. જ્યારે રૂપિયાની જરૂર હોય ત્યારે એકબીજાને ફોન કરી “આજ કુછ તુફાની કરતે હૈ" એમ જણાવી ભેગા થતા અને હયાનનું નંબર વગરનું બાઈક લઈ ચેઇન સ્નેચીંગ કરવા નીકળી જતા. 

ચેઇન સ્નેચીંગ કર્યા બાદ લૂંટ કરેલી ચેઈનને ગોળ ગોળ ફેરવતા ફેરવતા નીકળી જતા અને રીંગરોડ પર કોઈ હોટલ કે ઢાબા પર જઈ થમ્સઅપ અને વેફર ની પાર્ટી કરતા હતા. છેલ્લા એક મહિનામાં આ તુફાની ગેંગ દ્વારા વહેલી સવાર તથા મોડી રાતના સમયે મણીનગર, કાલુપુર અને કાગડાપીઠ વિસ્તારમાં ટુ વ્હીલર તથા ચાલતા જઈ રહેલા લોકો ના ગળામાંથી સોનાની ચેઈન ની લૂંટ કરી હતી. જે સોનાની ચેઇન વેચાણ કરવા માટે લઈ નીકળતા પોલીસે પકડી પાડ્યા હતા.

આ ગેંગના સભ્યો ગુનાહીત ઇતિહાસ પણ ધરાવે છે. જેમાં હયાન અન્સારી અમદાવાદના સરખેજ, મણિનગર અને રામોલ તેમજ મોઇન શેખ દરિયાપુર, માધુપુરા, એલીસબ્રીજ અને શહેર કોટડા પોલીસ સ્ટેશનમાં પોલીસ ચોપડે ચડી ચૂક્યા છે. તો બીજી તરફ વોન્ટેડ આરોપી તુફેલ માઉઝર શેખ પણ અગાઉ પાલડી, એલીસબ્રીજ, બાપુનગર, ગુજરાત યુનિવર્સિટી, માધુપુરા, આનંદનગર, શાહપુર, શહેર કોટડા, વેજલપુર પોલીસ સ્ટેશન ના 13 ગુનામાં પકડાયેલો છે. 

હાલ તો અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે બે આરોપીની ધરપકડ કરી અન્ય બે આરોપીઓની શોધખોળ હાથ ધરી છે અને આ ગેંગ દ્વારા અન્ય કોઈ વધુ ગુનાઓ આવ્યા છે કે કેમ અથવા તો આ ગેંગમાં અન્ય કોઈ સભ્ય સામેલ છે કે કેમ તેને લઈને પણ તપાસ કરવામાં આવી રહી છે.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news