અમદાવાદ સામુહિક હત્યાકાંડનો મોટો ખુલાસો : પરિવારના 4 લોકોને રહેંસીને વિનોદ પત્નીના પ્રેમીને મારવા નીકળ્યો હતો, પણ...
ahmedabad crime branch : પરિવારના ચાર સદસ્યોની હત્યા કરનાર વિનોદ ગાયકવાડ દાહોદ મધ્યપ્રદેશની બોર્ડરથી પકડાયો. તે એસટી બસમાં સવાર થઈન અમદાવાદ આવવા નીકળ્યો હતો, મોડી રાત્રે ક્રાઈમ બ્રાન્ચની ટીમે પાર પાડ્યુ ઓપરેશન
Trending Photos
- પત્નીના છેલ્લા બે વર્ષથી અનૈતિક સબંધ બન્યું હત્યાનું કારણ
- પોલીસ પકડી પાડશે એ ડરથી ભાગી છૂટ્યો અને પ્રેમી ની હત્યા કરવાનો પ્લાન અધુરો રહ્યો
મૌલિક ધામેચા/અમદાવાદ :પાંચેક દિવસ અગાઉ ઓઢવ પોલીસ વિસ્તારમાં દિવ્યપ્રભા સોસાયટીમાં પત્ની, બે બાળકો તથા વડ સાસુનું મર્ડર કરનાર આરોપી વિનોદ ગાયકવાડને અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચની ટીમે મધ્યપ્રદેશ દાહોદ બોર્ડર પરથી મોડી રાતે ઝડપી પાડ્યો છે. ત્યારે પોલીસ પૂછપરછમાં આરોપી વિનોદે ચોંકાવનારા ખુલાસા કર્યા હતા. પત્નીના છેલ્લા બે વર્ષથી અનૈતિક સબંધ સામુહિક હત્યાનું કારણ બન્યુ હતુ. પરિવારને માર્યા બાદ વિનોદ પત્નીના પ્રેમીને પણ મારવા નીકળ્યો હતો, પરંતુ બાદમાં વિચાર પડતો મૂક્યો હતો.
પત્નીને સરપ્રાઈઝ આપવાની વાત કરી આંખે પાટો બાંધ્યો અને છરા માર્યા
ક્રાઈમ બ્રાન્ચ એસીપી ડીપી ચૂડાસમાએ પત્રકાર પરિષદમાં માહિતી આપતા જણાવ્યુ કે, વિનોદ ગાયકવાની પત્ની સોનલને બે વાર આડા સંબંધો હતા. એકવાર તેનો દીકરો માતાને પ્રેમી સાથે જોઈ ગયો હતો. આ વિશે તેણે પિતાને જાણ કરી હતી. ત્યારથી વિનોદે મનોમન પત્નીના મર્ડરનો પ્લાન બનાવ્યો હતો. 26 માર્ચના દિવસે તેણે મર્ડર કરવાનુ નક્કી કર્યુ હતું. પ્લાનિગ મુજબ તેણે દીકરા ગણેશ (ઉંમર 17 વર્ષ) ને શ્રીખંડ લેવા મોકલી દીધો હતો. તો દીકરી પ્રગતિ (ઉમર 15 વર્ષ) ગુટખા લેવા મોકલી હતી. ત્યાર બાદ તેણે પત્નીને આંખે પાટા બાંધી સરપ્રાઈઝ આપવાની વાત કરી હતી, અને તેને છરા મારીને પતાવી હતી. આ બાદ પોતાના બંને સંતાનોનું શુ થશે તે વિચારમાં તેણે દીકરો અને દીકરી ઘરમાં આવ્યા બાદ બંનેને છરાના ઘા મારીને પતાવી દીધા હતા. તો વડ સાસુ સુભદ્રાબેન સાથે પણ તેને પહેલેથી રકઝક ચાલતી હતી. તે પત્નીને ચઢાવતી હતી, તેથી વડ સાસુને બોલાવીને મારી નાંખી હતી.
સાસુને મારવાના ઈરાદે બોલાવી, પણ બાદમાં છરા મારી છોડી દીધા
આ બાદ તેણે સાસુને પણ મારવાનો પ્લાન બનાવીને તેમને ઘરે બોલાવ્યા હતા. તેણે સાસુને છરા માર્યા હતા. પરંતુ બાદમાં દયા ખાઈને તેમને છોડી દીધા હતા. તેમને થોડીવાર ઘરમાં બેસાડીને જવા દીધા હતા.
સાસુને બોલાવતા પહેલા મૃતદેહો અંદર મૂક્યા હતા
આરોપી વિનોદે કબૂલ્યુ હતું કે, તેણે મારવા માટે પોતાની સાસુને પણ બોલાવી હતી. સાસુ આવે તે પહેલા ઘર ધોઈ નાંખ્યુ હતું, લોહીના ડાઘા સાફ કર્યા હતા. રૂમ સાફ કરીને પહેલા જેવો કરી દીધો હતો અને તમામ મૃતદેહોને અંદરના રૂમમાં મૂક્યા હતા, જેથી ઘરમાં આવેલી સાસુને ક્યાંય શંકા ગઈ હતી, ઉપરથી જમાઈએ છરો મારતા તે ગભરાઈને ભાગી ગયા હતા.
પત્નીના પ્રેમીને મારવા પહોંચ્યો
એસીપી ડીપી ચૂડાસમાએ કહ્યુ કે, પરિવારની હત્યા કર્યા બાદ વિનોદ ગાયકવાડ એક્સપ્રેસ હાઈવે પર ગયો હતો. પરિવારને માર્યા બાદ પત્નીના પ્રેમીને મારવાનો પણ તેણે પ્લાન બનાવ્યો હતો. પરંતુ ચાર મર્ડર પહેલે જ કર્યા છે, તે ડરે તેણે પત્નીના પ્રેમીને મારવાનો પ્લાન પડતો મૂક્યો હતો. બસમાં બેસીને નીકળી ગયો હતો.
વિનોદ કેવી રીતે પકડાયો
ક્રાઈમ બ્રાન્ચે જણાવ્યુ કે, દરમ્યાન ટેકનીકલ સર્વેલન્સ આધારે ચોક્કસ માહિતી મળેલ કે આ મર્ડરના ગુનામાં સંડોવાયેલ આરોપી વિનોદ ગાયકવાડ આ ગુનો કર્યા બાદ મધ્યપ્રદેશ ભાગી ગયો હતો અને તે મધ્યપ્રદેશથી પરત ગુજરાત તરફ આવવા માટે નીકળ્ટયો હતો. જે બાતમી હકીકત આધારે આ આરોપીને પકડવા ચક્રો ગતિમાન કર્યા હતા. મધ્યપ્રદેશ દાહોદ બોર્ડર ઉપરથી સરકારી એસ.ટી. બસમાંથી આવી રહેલ વિનોદ ઉર્ફે બાળા સ/ઓ નારાયણભાઈ મારૂતિભાઈ ગાયકવાડ (ઉ.વ.૪૭) ને પકડી પાડ્યો હતો. તેનુ લોકેશન સતત આગળ પાછળ થઈ રહ્યુ હતું, તેથી પોલીસે રસ્તા પર જતા વાહનોને થંભાવ્યા હતા. આખરે બસ ચેકિંગમાં તે પકડાઈ ગયો હતો. પોલીસ પૂછપરછમાં વિનોદે છરો જ્યા ફેંક્યો હતો તે જગ્યા પણ બતાવી હતી.
બનાવ અંગે ઓઢવ પોલીસ સ્ટેશનમાં કલમ ૩૦૨, ૩૦૭, ૨૦૧ તથા જી.પી.એકટ કલમ ૧૩૫(૧) મુજબનો ગુનો નોંધાયો છે. આ ગુનાની ગંભીરતાને ધ્યાને લઈ ગુનામાં સંડોવાયેલ આરોપીને તાત્કાલિત પકડવા સારૂ અમદાવાદ શહેર ક્રાઇમ બ્રાન્ચના અધિક પોલીસ કમિશનર પ્રેમવીર સિંહ તથા નાયબ પોલીસ કમિશનર ચૈતન્ય આર. મંડલીકની સુચના અનુસધાને પોલીસ ઇન્સ્પેક્ટર સી.બી.ટંડેલ અને પો.ઈન્સ. એચ.એમ.વ્યાસ તથા તેમની ટીમ કામે લાગી હતી.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે