અમદાવાદનો હાટકેશ્વર બ્રિજ 5 વર્ષમાં સડી ગયો, રિપોર્ટમાં થયો ચોંકાવનારો ખુલાસો
Corruption : 2017 માં 40 કરોડના ખર્ચે બનેલો હાટકેશ્વર બ્રિજ AMC ના ભ્રષ્ટ અધિકારીઓના પાપે તોડવો પડે તેવી સ્થિતિમાં...
Trending Photos
Ahmedabad News સપના શર્મા/અમદાવાદ : 2017 માં 40 કરોડના ખર્ચે બનેલો હાટકેશ્વર બ્રિજ AMC ના ભ્રષ્ટ અધિકારીઓના પાપે તોડવો પડે તેવી સ્થિતિમાં છે. બ્રિજમાં વપરાયેલા માલની ગુણવત્તા એ હદે ખરાબ છે કે તેનું સમારકામ થઇ શકે તેમ નથી. કોન્ટ્રાકટર અને અધિકારીઓની મિલીભગતની પોલ ઉઘાડી પડી છે. જેની સાબિતી પુરી રહ્યા છે AMC અને સરકાર માન્ય લેબોરેટરીના રિપોર્ટ.
AMC અને સરકાર માન્ય બે લેબોરેટરી પાસેથી ખુદ મનપાએ અલ્ટ્રા પલ્સ વેલોસિટી અને કોન્ક્રીટ કોર ટેસ્ટનો રિપોર્ટ કઢાવ્યો છે. આ રિપોર્ટ મુજબ 45 મીટર સ્પાનના PSC બોક્સના ઉપરનો સ્લેબ, નીચેનો સ્લેબ, વેબ આમ બધા જ ભાગોમાં કોંક્રિટની સ્ટ્રેન્થ ખુબ જ ઓછી છે. રિપોર્ટમાં ખુલાસો થયો છે કે, જેટલી મજબૂતીનો બ્રિજ બનવવાના ખર્ચનું આયોજન હતું. તેના માત્ર ચોથાભાગનો માલ બ્રિજ પાછળ વાપરવામાં આવ્યો છે.
KCT કન્સલ્ટન્સી સર્વિસિસ દ્વારા કોંક્રિટ કોર સેમ્પલ લઇ તેનો રિપોર્ટ AMC ને સુપરત કરવામાં આવ્યો છે. જેમાં ખૂબ જ ચોંકાવનારા ખુલાસા થયા છે. રિપોર્ટ માટે સંસ્થાએ બ્રિજના જુદા જુદા ભાગોથી 12 સેમ્પલ સીધા હતા. આ સેમ્પલ કેટલા ટન વજન સહન કરી શકે તે માટેનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું. રિપોર્ટ આવતા જાણવા મળ્યું કે, જે બ્રિજની 33.75 ન્યુટન/સ્ક્વેર મિલીમીટર વજન સહન કરવાની ક્ષમતા હોવી જોઈએ, તે માત્ર 5 થી 9 ન્યુટન/સ્ક્વેર મિલીમીટર વજન સહન કરતા તૂટી જાય છે. બીજી રીતે સમજીએ તો, જે બ્રિજના 1 મિલીમીટર જગ્યા ઉપર 4.5 કિલો વજન સહન થવું જોઈતું હતું, તે માત્ર 1 કિલો વજન સહન કરતા જ તૂટી જાય છે.
આ પણ વાંચો :
આવો જ ઘટસ્ફોટ સીમેકના રિપોર્ટમાં પણ થયો છે. તેના રિપોર્ટમાં સાબિત થયું છે કે જે બ્રિજ ઉપર 45 ન્યુટન/ સ્ક્વેર મિલીમીટર મટીરિયલની સ્ટ્રેન્થ હોવી જોઈએ. તે માત્ર 13.5 ન્યુટન / સ્કેવર મિલીમીટરના વજનથી તૂટી જાય છે. આ પાછળનું સૌથી મોટું કારણ છે બ્રિજ બનાવવા પાછળ વપરાયેલા માલની ગુણવત્તા અને કોંક્રિટ તેમજ સિમેન્ટની ચોરી છે.
મનપાએ બ્રિજ M45 ગ્રેડ બનાવવાનું આયોજન કર્યું. M 45 એ એક માપ છે, જેમાં બ્રિજની મજબૂતી માટે કેટલા પ્રમાણમાં સિમેન્ટ, કોંક્રિટ અને મેટલ વાપરવું તેનો ઉલ્લેખ હોય છે. જેમ ગ્રેડ વધુ તેમ બ્રિજમાં સિમેન્ટનું પ્રમાણ વધુ અને બ્રિજની મજબૂતી વધુ. આમ જ્યારે બ્રિજનું આયોજન કરવામાં આવ્યું. ત્યારે સૌથી મજબૂતીવાળો M45 ગ્રેડનો બ્રીજ બનાવવા બજેટ ફાળવવામાં આવ્યું, પણ બ્રિજ બનાવવામાં આવ્યો માત્ર M10 થી M15 ગ્રેડનો. M10 સૌથી ઓછી ગુણવત્તાનો ગ્રેડ છે. આ સાથે સીમેકના જ અલ્ટ્રાસોનિક પલ્સ વેલોસીટી ટેસ્ટમાં પણ 20 સેમ્પલ માંથી 19 શંકાસ્પદ મળ્યા છે.
જો કે, આ રિપોર્ટ ન થાય તે માટેના પણ પ્રયાસો ઘણા કરવામાં આવ્યા છે. વર્ષ 2021 માં જ રિબાઉન્ડ હેમર ટેસ્ટથી મનપાના અધિકારીઓને જાણ થઇ ગઈ હતી કે, બ્રિજ M45 ગ્રેડનો નથી. અને બ્રિજની વાસ્તવિક સ્થિતિ સમજવા NDT ટેસ્ટ કરાવવો પડશે. પણ લાલચની સાક્ષી પૂરતો બ્રિજ અધિકારીઓની પોલ ખુલ્લી ન પાડી દે તે માટે રિપોર્ટ કરાવવાને બદલે માત્ર લીપાપોતીનું કામ ચાલુ રાખવામાં આવ્યું.
આ પણ વાંચો :
બ્રિજની ગુણવત્તા સામે આવેલા રિપોર્ટ મામલે અમદાવાદના ઈન્ફ્રાસ્ટ્રક્ચર એક્સપર્ટ ડૉ દેવાશું પંડિતે ZEE 24 કલાકને જણાવ્યું કે, બ્રિજમાં જે કોંક્રિટ વપરાયું છે, તેટલી ગુણવત્તાનું કોંક્રિટ ઘર બનાવવામાં પણ ન વાપરી શકાય. બ્રિજમાં જે કોંક્રિટ વપરાયું છે તે ખૂબ ઓછી ગુણવત્તાનું છે અને છતાં બ્રિજ ટકી રહ્યો છે તે આશ્ચર્યનો વિષય છે.
બ્રિજ મામલે રોડ એન્ડ બિલ્ડીંગ કમિટીના ચેરમેન મહાદેવ દેસાઈનું કહેવું છે કે, રિપોર્ટમાં જે પણ હોય આ પરિસ્થિતિ પાછળ જે પણ જવાબદાર હશે, તેની સામે પગલાં લેવામાં આવશે. બ્રિજમાં વિજિલન્સ તપાસ પણ માંગવામાં આવી છે. આ સાથે IIT રૂરકીનો રિપોર્ટ આવશે એટલે જે વ્યક્તિ જવાબદાર હશે તેની સામે નિશ્ચિત પગલાં લેવાશે. લોકોની સુવિધા માટે જો બ્રીજ ઉતારી લેવો પડે તો એ પણ કરીશું.
તંત્રની આ બેદરકારીનો સામનો હાલ હાટકેશ્વર બ્રિજની આસપાસ રહેતા વેપારીઓ અને સ્થાનિકોએ કરવો પડી રહ્યો છે. બ્રિજ બંધ હોવાને કારણે અહીં ટ્રાફિકની સમસ્યાથી અહીંના લોકો હેરાન થઇ રહ્યા છે. એમ્બ્યુલસ જેવા વાહનો અહીંથી પસાર થઇ શક્તા નથી.
આ પણ વાંચો :
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે